નવી દિલ્હી: યુક્રેન(Ukraine) પર હુમલા(attacks) બાદ અમેરિકા(America) અને યુરોપિયન દેશો(European countries)એ રશિયા(Russia) પર વિવિધ આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. આવી સ્થિતિમાં અમેરિકાના દબાણ છતાં ભારત(India) રશિયા પાસેથી સતત ઓછી કિંમતે તેલ(Oil) ખરીદી રહ્યું છે. હવે આ ટીકાઓ વચ્ચે, ભારતીય વિદેશ મંત્રી(Foreign Minister) એસ. જયશંકરે(S. Jaishankar) રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ(Crud Oil) ખરીદવાનું કારણ સ્પષ્ટ કર્યું છે. તેમનું કહેવું છે કે રશિયાથી ક્રૂડ ઓઈલ આયાત કરવા અંગે ભારત સરકારનું વલણ ઘણું પ્રમાણિક રહ્યું છે. થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે તેલ અને ગેસની વધતી કિંમતોને કારણે દરેક દેશ પોતાના નાગરિકો માટે શ્રેષ્ઠ સોદો કરવા માંગે છે. જયશંકરે કહ્યું, મારા દેશની માથાદીઠ આવક 2000 ડોલર છે. આ લોકો આટલું મોંઘું તેલ ખરીદી શકતા નથી, તેથી મારા દેશના લોકો માટે શ્રેષ્ઠ સોદો કરવાની મારી નૈતિક ફરજ છે.
મારા દેશની માથાદીઠ આવક 2000 ડોલર, તેઓ મોંઘું તેલ ખરીદી શકતા નથી: વિદેશ મંત્રી
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, આ સમયે તેલના ભાવ ખૂબ ઊંચા છે. માત્ર તેલ જ નહીં, ગેસના ભાવમાં પણ જબરદસ્ત વધારો થયો છે. એશિયાના ઘણા તેલ સપ્લાયરો યુરોપ તરફ જઈ રહ્યા છે કારણ કે યુરોપ રશિયા પાસેથી ઓઈલ અને ગેસ ઓછું ખરીદે છે. તેના બદલે તે યુરોપ, મધ્ય પૂર્વ અને અન્ય સ્ત્રોતોમાંથી વધુ તેલ ખરીદી રહી છે. આજે આ જ સ્થિતિ છે, દરેક દેશ પોતાના નાગરિકો માટે શ્રેષ્ઠ સોદો કરવાનો પ્રયાસ કરશે. તેમજ તેલ અને ગેસના વધેલા ભાવની અસરને ઘટાડવાનો પ્રયાસ કરશે. અમે પણ એવું જ કરી રહ્યા છીએ. ભારત રક્ષણાત્મક બનીને આવું નથી કરી રહ્યું. અમે અમારા હિતો વિશે ખૂબ જ સ્પષ્ટ છીએ. મારા દેશની માથાદીઠ આવક 2000 ડોલર છે. આ લોકો મોંઘું તેલ ખરીદી શકતા નથી. તેથી મારી નૈતિક ફરજ છે કે હું તેમના માટે શ્રેષ્ઠ સોદો મેળવી શકું તે સુનિશ્ચિત કરું.
વિશ્વએ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાની ભારતની સ્થિતિનો સ્વીકાર કર્યો: વિદેશ મંત્રી
જયશંકરે કહ્યું, મને લાગે છે કે એકવાર તમે ઈમાનદારીથી વસ્તુઓ સ્પષ્ટ કરી દો, લોકો તેને સ્વીકારે છે, અલબત્ત તેઓ તેની કદર કરતા નથી. અમેરિકા સહિત ઘણા દેશો ભારતની સ્થિતિથી વાકેફ છે. યુક્રેન પરના હુમલા વચ્ચે હવે વિશ્વએ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાની ભારતની સ્થિતિનો સ્વીકાર કર્યો છે. ભારત આ નિર્ણય અંગે રક્ષણાત્મક વલણ પર ન રહ્યું, બલ્કે તેણે અન્ય દેશોને અહેસાસ કરાવ્યો કે તેના દેશના લોકો પ્રત્યે તેની કેટલીક જવાબદારી છે. યુક્રેન પરના હુમલા દરમિયાન રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું ચાલુ રાખતા તેમને ભારત-અમેરિકાના સંબંધો પર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
ભારત અને થાઈલેન્ડનાં રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 75 વર્ષ
ભારત અને થાઈલેન્ડ વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 75 વર્ષ પૂરા થવા પર વિદેશ મંત્રી જયશંકર બેંગકોક પહોંચ્યા હતા. તેમણે અહીં 9મા ભારત-થાઈલેન્ડ સંયુક્ત આયોગમાં હાજરી આપી હતી. વિદેશ મંત્રી જયશંકરે પહેલાથી જ કેટલાક જાહેર પ્લેટફોર્મ પર રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાના ભારતના પગલાનો બચાવ કર્યો છે. આ વર્ષે એપ્રિલમાં, તેમણે યુએસમાં 2+2 મંત્રી સ્તરની મંત્રણામાં કહ્યું હતું કે ભારત એક મહિનામાં રશિયા પાસેથી જેટલું તેલ ખરીદે છે તે કદાચ યુરોપ રશિયા પાસેથી એક દિવસમાં ખરીદે છે તેના કરતાં ઓછું છે.