થોડા સમય પહેલાં જ કેનેડામાં ગેરકાયદે ઘૂસવા જતા એક ગુજરાતી પરિવાર ઠંડીમાં ઠુંઠવાઇને મોતને ભેટયો અને થોડા દિવસ પહેલાં જ અમદાવાદના કેટલાક વ્યકિતઓને કેનેડા મોકલવા માટે એજન્ટોએ પૈસા લીધા અને કેનેડા ન મોકલતા બે મહિના સુધી અહીં જ ગોંધીને માનસિક-શારીરિક ત્રાસ ગુજાર્યો. પોતે કેનેડા પહોંચી ગયા છે એવો ખોટો ફોન પરિવારજનોને કરાવી પણ દીધો. આ બધા કિસ્સા વિદેશ જવા ઇચ્છુકો માટે આંખ ઉઘાડનાર છે. હાલમાં જ કેનેડાની કેટલીક કોલેજો બંધ થઇ જતાં ત્યાં રહેતા ગુજરાતી વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયું છે. તેઓ ન ઘરના ન ઘાટના જેવી સ્થિતિ થઇ છે. તો શું આપણે ‘મેરા ભારત મહાન’ એ યાદ રાખી વિદેશ પ્રેમ ઓછો ન કરવો જોઇએ? લાખો રૂપિયા ખર્ચીને પણ વિદેશમાં જવા માટે આવાં જ કૌભાંડોને જોખમ હોય તો એ જ ખર્ચમાં આપણા દેશમાં જ ભણીને કે બિઝનેસ શરૂ કરીને ન જીવી શકીએ? મિત્રો, ભારતમાં પણ ભણવાની અને કામ-ધંધાની ઘણી તકો છે જ, પરંતુ એ આપણે શોધવી પડશે. આપણા દેશનું ધન અને સારા દિમાગી વ્યકિતઓ વિદેશમાં સેટ થશે તો આપણો દેશ કયારે ઊંચો આવશે અને દેશનું વિશ્વગુરુ બનાવવાનું સપનું તો સપનું જ રહી જશે.
અમરોલી – પાયલ વી. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
વિદેશપ્રેમ જોખમી
By
Posted on