નડિયાદ: ખેડા એલ.સી.બી પોલીસની ટીમે મહુધા નજીકથી દૂધની ટેન્કરમાં સંતાડી લઈ જવાતાં રૂપિયા 30.11 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપ્યો છે. ખેડા એલસીબી પોલીસની ટીમ બુધવારના રોજ સવારના સમયે બાતમી આધારે મહુધા-મહેમદાવાદ રોડ પર આવેલ સી.એ.જી પંપ નજીક વોચ ગોઠી હતી. દરમિયાન દૂધનું ટેન્કર આવતાં પોલીસે તેને રોક્યું હતું અને તેના ચાલક માંગીલાલ રૂગ્નાથલાલ બિશ્નોઈ (રહે.મેઢા, રાજસ્થાન) ની અટકાયત કરી હતી. પોલીસે આ ટેન્કરની તલાશી લેતાં તેમાં પાછળના ભાગે નીચેની તરફ એક પતરૂ ફીટ કરેલું નજરે પડ્યું હતું.
આ પતરૂ ખોલીને જોતાં એક ગુપ્ત ખાનું હતું અને આ ખાનામાંથી વિદેશી દારૂની 6022 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂનો જથ્થો રૂ.30,11,000, ટેન્કર રૂ.10 લાખ મળી કુલ રૂ.40,13,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલાં ચાલક માંગીલાલ બિશ્નોઈની પુછપરછ કરતાં દારૂનો જથ્થો રઘુનાથરામ ગોકલારામ બિશ્નોઈ (રહે.સરનાઉ રાજસ્થાન) એ મોકલ્યો હોવાની કબુલાત કરી હતી. જ્યારે ટેન્કરના માલિક ભુપત વસાજી ડાભી (રહે.બનાસકાંઠા) હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે પોલીસે માંગીલાલ રૂગ્નાથરામ બિશ્નોઈ, રઘુનાથરામ ગોકલારામ બિશ્નોઈ અને ટેન્કરના માલિક ભુપતભાઈ વસાજી ડાભી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.