લુણાવાડા : લુણાવાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય હિરાભાઈ પટેલના પુત્રએ છાટકા બની વડા ગામના સરપંચના પતિની ઓફિસમાં ધમાલ કરી મારમાર્યો હતો. જોકે, આ ધમાલથી એકત્ર થયેલા ગ્રામજનોએ તેને પકડી પોલીસને હવાલે કર્યો હતો. આથી, પોલીસે તેની અટક કરી કારમાં તલાસી લેતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી, પોલીસે પૂર્વ ધારાસભ્યના પુત્ર અને તેના મિત્ર સામે ગુનો નોંધ્યો હતો. ખાનપુરના વડાગામમાં રહેતા જસવંતભાઈ વિરાભાઈ પટેલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પત્ની શિલ્પાબહેન હાલ સરપંચ છે.
હું 4મી જુલાઇના રોજ ગામમાં આવેલી નચિકેતા સંસ્કાર વિદ્યાલય ખાતે બેઠો હતો. તે દરમિયાન સાંજના આશરે સાડા છ એક વાગ્યાના સુમારે પૂર્વ ધારાસભ્ય હિરાભાઈ પટેલનો પુત્ર મહર્ષી (રહે.વરધરી રોડ, લુણાવાડા, મુળ રહે. કોઠા)એ મોબાઇલ પર જણાવ્યું હતું કે, હું રાજસ્થાનમાં સરથુણા ગામના અંગ્રેજી દારૂના ઠેકા પર બેઠો છું. તેમ કહી અપશબ્દ બોલવા લાગ્યો હતો. આથી, તેને અપશબ્દ બોલવાની ના પાડતા વધુ ઉશ્કેરાઇ ગયો હતો. આથી, જસવંતભાઈએ આ અંગે હિરાભાઈ પટેલને ફરિયાદ કરતાં થોડા સમયમાં ફરી શુભમનો ફોન આવ્યો હતો.
તેણે પણ મારી નાંખવાની ધમકી આપી હતી. આ વાતચીત બાદ સાંજના સવા છ એક વાગ્યાની આસપાસ સફેદ કલરની કારમાં મહર્ષી અને શુભમ ધસી આવ્યાં હતાં. આ બન્ને શખસ જસવંતભાઈની ઓફિસમાં ઘુસી આવ્યાં હતાં અને આવેશમાં આવી ગળું પકડી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ ધમાલમાં આસપાસના લોકો ભેગા થઇ જતાં બન્નેને પકડી લીધાં હતાં. આ અંગે પોલીસને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને બન્નેને અટક કરી પોલીસ મથકે લાવ્યાં હતાં. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ ધમાલમાં પૂર્વ ધારાસભ્યના પુત્ર મહર્ષીની કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. હાલ પોલીસે શુભમ શોધન મહાજન (રહે. વરધરી રોડ, લુણાવાડા) અને મહર્ષી હિરાભાઇ પટેલ (રહે.વરધરી રોડ, લુણાવાડા, મુળ રહે. કોઠા) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઇ મહિસાગર જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી.
હિરાભાઈ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયાં: લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હિરાભાઈ પટેલ અગાઉ ત્રણ ટર્મ કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે. તેઓ હાલમાં જ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયાં હતાં. આ ઉપરાંત તેઓએ નિવૃત્ત આર્મીમેન સામે લેન્ડ ગ્રેબીંગની પણ ફરિયાદ આપેલી છે.
શુભમના પિતા બિલ્ડર તરીકે વ્યવસાય કરે છે
પૂર્વ ધારાસભ્યના પુત્ર મહર્ષી સાથે હુમલા કેસમાં સંડોવાયેલો શુભમ મહાજન (સોની)ના પિતા શોધન મહાજન મોટા ગજાના બિલ્ડર છે. તેઓ જમીન લે – વેચ કરે છે. આ બન્ને મિત્રોએ હુમલો કર્યો તે સમયે રાજાપાઠમાં હતાં.