આણંદ : વાસદ પોલીસે વાહન ચેકીંગ દરમિયાન રોકેલી મિનીટ્રકની તલાસી લેતાં તેમાં મીણીયાના કાગળનો ભક્કોમાં છુપાવેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે ત્રણ શખસ સામે ગુનો નોંધી રૂ.12.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વાસદ પોલીસની ટીમ 20મી ડિસેમ્બરના રોજ ટોલનાકા ખાતે વાહન ચેકીંગ કરી હતી. તે દરમિયાન વડોદરા તરફથી આવતી મિનીટ્રક આવતા તેને સાઈડમાં ઉભી રાખવા ઇશારો કર્યો હતો. જોકે, ચાલકે ગાડી ભગાડી હતી. જેથી પોલીસે તેનો પીછો કર્યો હતો. આખરે રેલવે ઓવરબ્રિજ ઉતરી સીએનજી પંપ પાસે બોરસદ રોડ પર મિનિટ્રકને આંતરી તેને રોકી હતી.
મિનિટ્રક નં. એમએચ 7 એક્સ 1230ની તલાસી લેતાં તેમાં પ્લાસ્ટીકના કોથળામાં કાગળનો ભુક્કો ભરેલો હતો. જે પ્લાસ્ટીકના કોથળા હટાવી જોતા તેમાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. આથી, ગાડીના ચાલકની અટક કરી પુછપરછ કરતાં તે દુર્ગેશ શંકર રામલખન મોર્ય (રહે.સંતોષનગર, મહારાષ્ટ્ર, મુળ રહે. ગોરખપુર) હોવાનું કબુલ્યું હતું. ચાલક અને ગાડીને પોલીસ મથકે લાવવામાં આવ્યાં હતાં. જ્યાં મુદ્દામાલની ગણતરી કરતાં વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ કિંમત રૂ.7,15,600 મળી આવી હતી.
આ અંગે ચાલક દુર્ગેશ શંકરની વધુ પુછપરછ કરતાં તેને પાટીલ નામના શખસ અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતાં રાજુ યાદવ (રહે. ઉત્તરપ્રદેશ, હાલ રહે. નાલાશોપારા માહારાષ્ટ્ર)એ ગાડી આપી હતી. આ ગાડી વાસદ ટોલ નજીક અન્ય ડ્રાઇવર આવશે. તેને આપવાની હતી. તેમ જણાવ્યું હતું. આ કબુલાત આધારે પોલીસે દુર્ગેશ ઉપરાંત પાટીલ અને રાજુ યાદવ સામે ગુનો નોંધી વિદેશી દારૂ, મિનિટ્રક સહિત કુલ રૂ.12,19,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.