જાણીતા સિંગર રીહાના તેમજ પર્યાવરણવાદી ટીનએજર ગ્રેટાએ ભારતમાં 75 દિવસથી અહિંસક રીતે ચાલતા કિસાન આંદોલનને સમર્થન આપતા, આપણા વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરી દીધું કે અમારી આંતરીક બાબતોમાં તમોને દખલ કરવાનો અધિકાર નથી.
ટેકનોલોજીના કારણ આજે દુનિયા ઘણી નાની બની ગઇ છે. દુનિયાના બીજા દેશમાં બની રહેલ બનાવો ઘરઆંગણે બનતા હોય તેમ લાગે છે. બીજું કે આપણા દેશે અનેક આંતરરાષ્ટ્રીય બનાવો પર પ્રત્યાઘાતો આપ્યા છે. વડાપ્રધાન મોદીએ અમેરિકામાં અબ કી બાર ટ્રમ્પ સરકાર કરેલ ઉચ્ચારણ અમેરિકાની આંતરિક બાબતમાં દખલ ન કહેવાય?
અમેરિકા સંસદ પર 6 જાન્યુ.ના રોજ થયેલ હુમલાને આપણે વખોડેલ છે. મ્યાનમારમાં થયેલ લશ્કરી બળવા બદલ આપણે ચિંતા પ્રગટ કરી હતી.
આ બધા બનાવો જે તે દેશના આંતરિક બનાવો હતા. લાગે છે કે કેનેડા અને બ્રિટન બાદ અન્ય દેશોના મહાનુભાવો તરફથી કિસાન આંદોલનને મળી રહેલ સમર્થનથી કેન્દ્ર સરકાર અકળાયેલ છે.
સુરત – અશ્વિનકુમાર ન કારીઆ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.