SURAT

બજેટમાં ગેમ ચેન્જર એનાઉસમેન્ટઃ હીરા ઉદ્યોગને મોટો ફાયદો

સુરતઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને આજે તા. 23 જુલાઈએ સામાન્ય બજેટ જાહેર કર્યું હતું. મોદી 3.0 સરકારના આ બજેટમાં સુરતના કરોડરજ્જુ સમાન હીરા માટે શું જાહેરાત કરવામાં આવી છે અને નિષ્ણાતો તેના વિશે શું કહે છે, ચાલો જાણીએ…

યુનિયન બજેટ 2024-25માં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા GJEPCની લાંબા સમયથી પડતર માંગણી સ્વીકારવામાં આવી છે. જે મુજબ સ્પેશિયલ નોટીફીકેશન ઝોનમાં વિદેશી કંપનીઓને રફ હીરાનું વેચાણ કરવાની છુટ મળી છે. જે ભારતના હીરા ઉદ્યોગ માટે એક ગેમ ચેન્જર સાબિત થશે અને ભારતને બેલ્જિયમ અને દુબઈ જેવા રફ હીરાના વૈશ્વિક વેચાણ કેન્દ્રોની સમકક્ષ મુકશે.

જીજેઈપીસીના રિજનલ પ્રેસિડેન્ટ વિજય માંગુકીયાએ કહ્યું કે, મંદીના સમયમાં હીરા ઉદ્યોગ માટે બુસ્ટર ડોઝ સમાન બજેટ જાહેર થયું છે. જેમ્સ એન્ડ જ્વેલરી ઈન્ડ્સ્ટ્રી માટે સારું બજેટ છે. રફ ડાયમંડ ઈમ્પોર્ટ પર લાગતી 2 ટકા ઈક્વીલાઈઝેશન લેવી દૂર કરાઈ છે, જેના લીધે કોસ્ટ પર ઘણી અસર પડશે. વળી, પહેલાં ખાણિયા અહીં પ્રદર્શન કરવા આવે અને ફરી જાય ત્યારે ગુડ્સ રિટર્ન લઈ જાય ત્યારે ખર્ચ અને સમયનો બગાડ થતો હતો. તે હવે નવા નિયમના લીધે નહીં થાય.

સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાના મતે સુરતના હીરા ઉદ્યોગ માટે બજેટ સારું રહ્યું છે. વિદેશી ખાણ કંપનીઓને રફ ડાયમંડ વેચવાની છૂટ મળી છે, જે ભારતીય હીરા ઉદ્યોગ અને ખાસ કરીને સુરત માટે ખૂબ જ ફળદાયી નીવડશે. હવે ખૂબ જ સરળતાથી વિદેશી રફ અહીં વેચી શકાશે. રફ ડાયમંડના ઓનલાઈન ઓક્શન પર બે ટકા ટેક્સ લાગતો હતો તે દૂર કરાયો છે. તે ઉપરાંત સોના અને ચાંદી ઉપરની કસ્ટમ ડ્યૂટી 15 ટકાથી ઘટાડી 6 ટકા કરાઈ છે, જેનો ખૂબ મોટો લાભ જ્વેલરી ઈન્ડસ્ટ્રીને મળશે.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ નિખિલ મદ્રાસીએ કહ્યું કે, સમતોલ બજેટ છે. નાણામંત્રીએ 12 ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવાની જાહેરાત કરી છે, તેનો લાભ સુરતને મળી શકે છે. ઈ કોમર્સના હબને વિકસિત કરવાના કારણે એક્સપોર્ટ વધી શકે છે. વિદેશની ખાણ કંપનીઓ સીધું જ સુરતમાં હીરાનું વેચાણ કરી શકશે, તેનાથી હીરા ઉદ્યોગને મોટો ફાયદો થશે.

Most Popular

To Top