સુરત: પતિનો પત્ની વિરુદ્ધનો લગ્ન વ્યર્થનો દાવો ફેમિલિ કોર્ટે મંજૂર કર્યો હતો. મા-બાપના દબાણવશ કરેલા લગ્નને કોર્ટે વ્યર્થ ઠેરવ્યા હતા.
- મા-બાપના દબાણવશ કરેલા લગ્નને સુરતની ફેમિલી કોર્ટે વ્યર્થ ઠેરવ્યા
કેસની વિગત એવી છે કે ઉધનામાં રહેતા રમેશભાઈ( નામ બદલ્યું છે)ના લગ્ન રીતા( નામ બદલ્યું છે) સાથે 2021માં થયા હતા. લગ્નના એક અઠવાડિયા સુધી રીતા સારી રીતે રહી હતી. ત્યાર બાદ રીતા પતિ અને સાસરિયાઓ સાથે નાની-નાની બાબતે ઝગડાઓ કરતી હતી. મારે તો તારી સાથે લગ્ન કરવા જ ન હતા મારા ઘરવાળાઓના દબાણમાં આવીને મે લગ્ન કર્યા છે.
રીતાની આ વાતથી રમેશને ખુબ જ આઘાત લાગ્યો હતો. રીતા સાસરિયાઓને વારંવાર હેરાન-પરેશાન કરતી હતી. ઘરનું કોઈ કામ કરતી નહતી. રીતા પતિને જણાવતી હતી કે મારા પર્સનલ લાઈફમાં પડવાની જરૂરત નથી. રીતા હંમેશા ત્રાહિત વ્યક્તિ સાથે ફોનમાં રહેતી હતી. રીતાએ તેના પુરૂષ મિત્ર પાસેથી ગિફ્ટમાં સ્વેટર મંગાવ્યું હતું.
રીતા તેની મરજી મુજબ વર્તન કરતી હતી. તે એક પત્ની અને વહુ તરીકેને ફરજ નિભાવતી ન હતી. રીતાએ પોતાનું ઘારેલું પાર પાડવા અને છુટાછેડા લેવા પતિ પર ચારીત્ર્ય બાબતે શંકાઓ કરતી હતી. જાન્યુઆરી 2022માં રીતા તેના પિયરે જતી રહી હતી. ત્યાર બાદ રમેશ તેને આવાનું કહેતા તેણીએ પરત સાસરે આવવાની ના પાડી દીધી હતી.
તેથી રમેશે એડવોકેટ પ્રીતિ જોષી મારફત લગ્ન વ્યર્થ ઠેરવવા બાબતની દાવા અરજી સુરતની ફેમિલિ કોર્ટમાં કરી હતી. કોર્ટે એડવોકેટ પ્રીતિ જોષીની દલીલો ગ્રાહ્ય રાખીને રમેશે કરેલી લગ્ન વ્યર્થની દાવા અરજી મંજૂર કરીને મા-બાપના દબાણવશ કરેલા લગ્નને વ્યર્થ ઠેરવ્યા હતા.