એક યુવાન કોઈ કામધંધો ન કરે , ભણવાના સમયે ભણતર પૂરું કર્યું નહિ અને હવે પૈસા કમાવા નવા નવા ધંધા અજમાવે, પણ બહુ કોઈ સફળતા મળે નહિ.વળી યુવાનને દારૂ અને જુગારની લત લાગી અને ઘરમાં ઝઘડા થવા લાગ્યા.ઘરમાં અને બહાર બધે જ યુવાનની છાપ બેદરકાર, નકામા, ઝઘડાળુ માણસની પડી ગઈ. યુવાનની આવી ખરાબ છબી તેના પોતાનાં કર્મોથી જ પડી હતી.
થોડાં વર્ષો આમ જ વીત્યાં, પોતાના અહમ, ગુસ્સા અને અકડમાં યુવાને દરેક ઠેકાણે પોતાની છાપ વધુ ને વધુ બગાડી જ …યુવાનની પત્ની તેને સમજાવતી, ઝઘડો પણ કરતી…એક દિવસ તેણે પોતાના પતિને એક મોટીવેશનલ પુસ્તક ભેટ આપ્યું…પુસ્તકમાં યુવાનને રસ પડ્યો અને તે વાંચ્યા બાદ તેણે ઘણાં બીજાં પુસ્તકો પણ વાંચી નાંખ્યાં અને પોતાની જાતને સુધારવાનો નિર્ણય કર્યો.સુધરવાની શરૂઆત કરી…દારૂ-જુગાર છોડી દીધાં…બધા સાથે પ્રેમથી બોલતો થયો…ગુસ્સો ઓછો કર્યો …ખરાબ સંગત છોડી …વધુ મહેનતથી કામ કરવા લાગ્યો તેના આ બધા જ આંતરિક અને બાહ્ય બદલાવમાં તેની પત્ની તેની સાથે જ હતી અને તેને પૂરો સહકાર અને પ્રેરણા આપતી.
યુવાન સુધરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યો હતો …તેના પ્રયત્નો સફળ પણ થઇ રહ્યા હતા…પણ લોકો તેની જૂની છાપ ભૂલ્યા ન હતા. તેઓ તેની પર હજી વિશ્વાસ ન કરતા …તેની મજાક ઉડાડતા …સો ચૂહે ખાકે બિલ્લી ….ઢોંગી …નાટક છે …કૂતરાની પૂંછડી છે …એ શું સુધરશે જેવાં વિધાનો બોલતાં.કોઈ માનવા જ તૈયાર ન હતું કે તે સાચે બદલવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેની જૂની ઈમેજ એટલી ખરાબ હતી કે આવો માણસ કયારેય સુધરે જ નહિ એમ જ લોકોનું કહેવું હતું.તેના મિત્રો હોય , સ્વજનો હોય કે દુશ્મનો કોઈને વિશ્વાસ જ થતો ન હતો કે આ યુવાન બદલાઈ રહ્યો છે.લોકોનું આવું સમજવું અને આવું વર્તન યુવાનને નિરાશ કરતું… ક્યારેક તેને થતું, શું કામ સુધરું …કયારેક નાસીપાસ થતો …એકલામાં દુઃખી થઇ રડી પણ પડતો.
તેની પત્નીએ તેને હિંમત આપતાં કહ્યું, ‘તમે કોને માટે સુધરવા માંગો છો? તમારા પોતાના માટે …અમારા માટે કે આ બધા આડું બોલતાં લોકો માટે? અને જે લોકો બોલે છે તેમનો પણ વાંક નથી. તમે જ તમારી આવી છાપ આટલાં વર્ષોથી ઊભી કરી છે તે થોડા વખતમાં થોડી ભૂંસાઈ જશે, વાર લાગશે અને તમે સુધરશો તો તમારા માટે સારું થશે અમને કુટુંબીજનોને ફાયદો થશે. સમાજમાં છાપ સુધારવા થોડા તમે સુધરી રહ્યા છો.તમે સાચે જ બદલાશો તો આજે નહિ ને કાલે તે બદલાવ બધાને દેખાશે અને ન દેખાય તો પણ શું ફરક પડે છે. તમારે તમારા પોતાના માટે અને પોતીકો માટે સુધરવાનું છે.લોકો ભલે જે બોલવું હોય તે બોલે.’ પત્નીએ સાચી વાત કહી હિંમત આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.