વડોદરા: સ્માર્ટ સીટી વડોદરામાં અધિકારીઓ તેમજ નેતાઓની સ્માર્ટનેસ દેખાતી નથી અને તેના કારણે શહેરમાં પાણીની પળોજણ જોવા મળી રહી છે. પાલિકાના અધિકારીઓ પાસે પાણી વિતરણ માટેના માઈક્રો પ્લાનીંગનો અભાવ જોવા મળી .રહ્યો છે. એક તરફ પાલિકાનો વિસ્તાર વધ્યો છે સામે પાણીની સમસ્યા પણ વધી છે. દર વર્ષે કરોડો રૂપિયાનું આંધણ કરવા છતાં નગરજનોને પીવાનું શુદ્ધ અને પૂરતા પ્રેશર સાથે પાણી આપવામાં પાલિકા નિષ્ફળ નીવડી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના પુરવઠો પૂરો પાડવામાં આવે છે પરંતુ તેમાં અવારનવાર નગરજનો દ્વારા દુષિત પાણી અને અપૂરતા પ્રેશર સાથે પાણી આવતું હોવાની બૂમો ઉઠવા પામી છે.
અનેક વિસ્તારોના લોકો દુષિત પાણી પીવા મજબુર બન્યા છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાણી વિતરણ માટે માઈક્રો પ્લાનિંગ કરવામાં ન આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. પાલિકા દ્વારા પાણીના વિતરણ માટે તેમજ ટાંકીઓની સાફ સફાઈ માટે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. છતાં પાણી વીતરણથી લોકોમાં સંતોષ નથી. જે મુદ્દે પાલિકાએ મનોનંથન કરવાની જરૂર .જણાઈ રહી છે. શાસક પક્ષના નગરસેવકો પણ અવારનવાર રજૂઆત કરે છે અને પાણીના મુદ્દે કકળાટ પણ કરાયો છે છતાં અધિકારીઓ જાણે ગાંઠતા ન હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે શહેરીજનોને મુખ્ય જરૂરિયાત એવી પાણીની પળોજણમાંથી કાયમી મુક્તિ મળે તેવી માંગ લોકો કરી રહ્યા છે.
સ્થાયી સમિતિમાં પાણીના બને મુદ્દાઓ મંજુર કરાયા
આજે પાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેના એજન્ડામાં પાણી પુરવઠા વિભાગના કામો જોઈએ તો ઉત્તર ઝોનમાં વોર્ડ 1 માં નવી નલિકાઓ નાખવાના કામે પાઇપો સિવાય ના કામો 25 લાખની મર્યાદામાં જય ભોલે એન્ટરપ્રાઈઝને આપવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત તરસાલી ટાંકી ખાતે હયાત 600 મિમિ વ્યાસની ફીડર નલિકા બદલી નવી 600 મિમિ વ્યાસની ફીડર નલિકા નાખવાના કામે ઇજારદાર એ.કે.મેક. ઇન્ફ્રા ને 31,96,824 ના મૂળ અંદાજથી વધુના 35.80 % વધુના રેટ ભાવ પત્રક મુજબ આપવાની ભલામણ થઇ હતી જેને પણ મંજુર કરવામાં આવી છે. આમ પાણીના મુદ્દે હજુ વધુ રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું છે ત્યારે પરિણામ શું આવે છે તે જોવું રહ્યું.
ટાંકીઓ ઉપર ફ્લો મીટર બેસાડવા નગરસેવક પુષ્પા વાઘેલાની રજૂઆત
પાલિકાના કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ આજરોજ પાલિકા ખાતે રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરના નાગરિકોને પીવાનું પુરતુ પાણી મળી રહે તે હેતુથી સ્માર્ટ સીટી અંતર્ગત સ્કાડા ફેઝ–ા અંતર્ગત વિવિધ પાણીના સ્ત્રોતો જેવા કે, મહીસાગર, ખાનપુર, સિંઘરોટ વગેરેમાંથી પાણી વડોદરા શહેરની વિવિધ પાણીની ટાંકીઓ સુધી કેટ્લા પ્રમાણમાં પાણી લાવવામાં આવે છે તેના માટે ટાંકીઓ ઉપર ફ્લો મીટર બેસાડવામાં આવેલ છે.
આજરોજ અમારી છાણી ખાતેની પાણીની ટાંકી પરની ઓચિંતી મુલાકાતમાં જણાઇ આવેલ કે, ત્યા ફ્લોમીટર બેસાડેલ નથી. આ બાબતે અમે સંબંધિત અધિકારીને સંપર્ક કરતા અધિકારીને એ વાતની પણ કોઇ માહિતી નથી કે ફેઝ-IIમાં કેટલી ટાંકીમાંથી પાણી વિતરણ થતા વિવિધ વિસ્તારોમાં પહોંચતા પાણીના કેટલા જંક્શન છે? જેવી આ તમામ મહત્વની વિગતોની સંબંધિત અધિકારીને કોઇ જાણકારી હોય તેમ જણાઇ આવેલ નથી. ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે, ફેઝ –I અને ફેઝ-II (૧૨૦ કરોડ) બંન્નેની કામગીરી અંતર્ગત રૂ.૨૦૦ કરોડની આસપાસનો આ પ્રોજેક્ટ છે.
છતાં પણ સમય મર્યાદા પૂર્ણ થઇ તેના ઉપર છ માસનો સમયગાળો થયેલ હોવા છતા હજી ૨૦% કામગીરી બાકી છે ત્યારે સ્કાડા ફેઝ –ાની કામગીરીમાં કેટલાય મીટરો બેસાડ્યા છે તેમાં કેટલાય મીટરો બંધ હાલતમાં હોય છે. આજે પણ સમા ટાંકી અને સોમાતળાવ પાસેની ટાંકીના મીટરો બંધ છે. પુનમનગર ટાંકીનું ફ્લોમીટર બેસાડેલ છે પણ ચાલુ કરેલ નથી. છાણી ટાંકીનું ૨૪X૭ હેઠળ ફ્લો મીટર બેસાડેલ છે પરંતુ તે ઇન્ટીગ્રેટ નહી થતા બંધ હાલતમાં છે ત્યારે સ્માર્ટ સીટી અને સ્કાડાના નામે કરોડો રૂપીયાનો ખર્ચ થયા પછી કઇ ટાંકી પર કેટલુ પાણી આવે છે કેટલું પાણી નાગરિકો સુધી પહોંચે છે કેટલુ પાણી લીક થાય છે કે બગાડ થાય છે તેનો કોઇજ હિસાબ મળતો નથી ત્યારે સંબંધિત અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.