Comments

સમાજના ભવિષ્ય માટે

35 Family Tea Party Illustrations & Clip Art - iStock

નિવૃત્તિની આરે પહોંચેલ રાજન,ઉમંર ૫૮ વર્ષ …ઘરના બગીચામાં બેસી દુનિયાભરની કહેવતોનું પુસ્તક વાંચી રહ્યો હતો. તેમાં તેણે એક ગ્રીક કહેવત વાંચી કે; “દરેક સમાજનું ભવિષ્ય ત્યારે ઉજ્જવળ બને જયારે સમાજમાં રહેતા વૃધ્ધો સતત એવા ઝાડનાં બીજ વાવતાં રહે જે ઝાડની નીચે બેસી ક્યારેય તેઓ તેના છાંયડાનો આનંદ માણી શકવાના નથી …અને નથી ખાઈ શકવાનાં તેનાં ફળો ……” આ ગ્રીક કહેવત વાંચતા જ રાજનને તેના અત્યારે મૃત્યુ પામેલા દાદા યાદ આવી ગયા. દાદાને યાદ કરતા કરતા રાજન ભૂતકાળમાં ખોવાઈ ગયો.

બગીચામાં દાદાએ વાવેલા વૃક્ષો હતાં …..આંબો ..પીપળો.. આમલી…ગુલમહોર…વગેરે ….રાજનને યાદ આવ્યું કે રાજનના આઠમા જન્મદિને દાદાએ ખાસ આ વૃક્ષ વાવ્યાં હતાં અને દરેક વૃક્ષના રોપને જાતે વાંકા વળીને વાવતી વખતે દાદા બોલ્યા હતા, ‘દીકરા આ તારા માટે છે …..જયારે તું મોટો થઈશ ને ત્યારે દરેક વસ્તુનું સાચું મૂલ્ય સમજી શકીશ…’ રાજનને ત્યારે તો આ વાત બહુ નહોતી સમજાઈ…..આજે બરાબર સમજાય છે. દાદા ત્યારે ૭૦ વર્ષના હતા અને તેમણેે આ વૃક્ષો વાવ્યાં હતાં. તેઓ ૮૦ વર્ષે મૃત્યુ પામ્યા ત્યાં સુધી દર વર્ષે નવા નવા વૃક્ષો વાવતાં. બીજાને વૃક્ષ વાવવા પ્રોત્સાહન આપતા. તેઓ આંબો વાવતાં ત્યારે તેમના મિત્રો હસતાં કે ‘આ આંબાને કેરી આવશે ત્યારે તારો બીજો જન્મ થઇ ચૂક્યો હશે…..’ તેઓ હસતાં અને બોલતા, ‘આપણે માત્ર આપણા માટે નહિ સમાજ માટે ..આવનારી પેઢીના ભવિષ્ય માટે જીવવું જોઈએ.’

આજે રાજન ઝાડના છાંયડામાં બેસી પુસ્તક વાંચે છે ..પત્ની સાથે બગીચામાં બેસી ચા પીએ છે …ઝાડ પર થતાં મીઠાં રસાળ ફળોનો સ્વાદ માણે છે અને જે બગીચામાં પુત્ર સાથે રમ્યો હવે તે જ બગીચામાં પૌત્રીને ઝાડ પર હીંચકો બાંધી હીંચકા ખવડાવે છે ….આ બગીચાને જીવંત બનાવતાં વૃક્ષોને વર્ષો પહેલાં તેના દાદાએ જન્મ આપ્યો હતો ….રાજન હવે સાચી કિંમત સમજી રોજ દાદાને યાદ કરે છે …અને પોતે પણ આવનારી પેઢી માટે કંઇક કરી જવાનું નક્કી કરી …આ બગીચાની વધુ ને વધુ સારસંભાળ લેવા લાગે છે અને ખાસ થોડી જમીન લઇ દાદાની યાદમાં વૃક્ષો વાવવાની શરૂઆત કરે છે.

પૌત્રી પૂછે છે, ‘દાદા ,આ કોના માટે ઉગાડો છો ?’ દાદા કહે છે ‘તારા માટે ..’ વળી તેના મિત્રો તેને કહે છે ‘ભાઈ આ રોપ વૃક્ષ થશે અને ફળ આપશે ત્યાં સુધી તું જીવીશ કે નહિ તે કોનેે ખબર છે? શું કામ વ્યર્થ મહેનત કરે છે ?’રાજન સમજાવે છે ‘આપણે આપણા માટે નહિ સમાજની આવતીકાલ માટે કામ કરવાનું છે.’
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top