સુરત : રાજ્ય અને કેન્દ્રમાં સત્તાનું કેન્દ્ર અપ્રત્યક્ષ રીતે સુરત બનતાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ પછી હવે નેશનલ બીચ સોકર ચેમ્પિયનશીપ 2022-23 સુરતમાં યોજાવા જઈ રહી છે.
- ઓલ ઈન્ડિયા ફુટબોલ ટુર્નામેન્ટ દ્વારા 26 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી આયોજન કરવાની જવાબદારી ગુજરાત અને સુરત ફૂટબોલ એસોસિએશનને સોંપી: 19 રાજ્યોની ટીમ 56 મેચ રમશે
- બીચ સોકરમાં ફિફામાં ભારતનો ક્રમ 20મો છે. 2007 અને 2008માં એશિયા બીચ સોકરમાં ભારત રમી ચૂક્યું છે. આ સ્પર્ધાથી ભારતની બીચ સોકરની નવી મજબૂત ટીમ મળે તેવી આશા
ગુજરાત ફૂટબોલ એસોસિએશનનાં ઉપપ્રમુખ જીગ્નેશ સી. પાટીલે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, સુરતમાં પ્રથમવાર ડુમસમાં નેશનલ બીચ સોકર ચેમ્પિયનશીપ યોજાશે. 26 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી 19 રાજ્યોની ટીમ 56 મેચ રમશે. એક ટીમમાં 12 ખેલાડી ઉપરાંત કોચ સહિત કુલ 3 ટેક્નિકલ એક્સપર્ટ હશે. સુરતના ડુમસ બીચ ઉપર બીચ સોકર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ઓલ ઈન્ડિયા ફુટબોલ ટુર્નામેન્ટ દ્વારા 26 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી આયોજન કરવાની જવાબદારી ગુજરાત અને સુરત ફૂટબોલ એસોસિએશનને સોંપી છે. બીચ સોકરની ખાસિયત મુજબ મ્યુઝિકલ માહોલમાં આ સ્પર્ધા યોજાશે.
દેશમાં પહેલીવાર બીચ સોકર ચેમ્પિયનશીપનું આયોજન થવા જઈ રહ્યું છે. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ કલ્યાણ ચૌબે અને રશિયાથી એલેકઝેન્ડર બીચ સોકર ટુર્નામેન્ટની શરૂઆત થાય એ પહેલા ધ્વજવંદન કરશે. પાટીલે કહ્યું હતું કે, ટુર્નામેન્ટમાં ગ્રુપ એ માં હિમાચલ, બિહાર, ઝારખંડ, લક્ષદ્વીપ, અંડમાન-નિકોબારની ટીમ, ગ્રુપ-બી માં ગુજરાત, રાજસ્થાન, સર્વિસ, કેરળ, અને મદયપ્રદેશ, ગ્રુપ-સી માં મિઝોરમ, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, દિલ્હી અને ગ્રુપ-ડી માં દમણ-દાદરા નગર હવેલી, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, ગોવા, કર્ણાટકની ટીમો વચ્ચે સ્પર્ધા થશે. પ્રત્યેક ટીમમાં 5 ખેલાડીઓ 12-12 મિનિટના 3 રાઉન્ડમાં મેચ રમશે. ગણેશ વંદના અને પછી મેચ શરૂ કરવામાં આવશે.
સુરત ફૂટબોલ એસો.નાં પ્રમુખ દિપક દૂધવાળા અને સેક્રેટરી કમલેશ સેલરે જણાવ્યું હતું કે, સાત દિવસની અંદર કુલ 56 મેચ રમાડવામાં આવશે. બહારથી આવનાર તમામ ટીમના ખેલાડીઓ માટે શહેરની અલગ અલગ હોટલોમાં રહેવા અને ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. બીચ સોકરમાં ફિફામાં ભારતનો ક્રમ 20મો છે. 2007 અને 2008માં એશિયા બીચ સોકરમાં ભારત રમી ચૂક્યું છે. આ સ્પર્ધાથી ભારતની બીચ સોકરની નવી મજબૂત ટીમ મળી શકે છે.