કોલકત્તા (kolkata) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં દેશની પ્રથમ અંડરવોટર મેટ્રોને ગ્રીન સિગ્નલ આપી આજે તા. 6 માર્ચથી શરૂ કરી છે. આ મેટ્રો કોલકાતા અને હાવડા વચ્ચે દોડશે. પીએમે આ મેટ્રોમાં સ્કૂલના બાળકો સાથે મુસાફરી કરી અને તેમની સાથે વાતચીત પણ કરી હતી. આ મેટ્રોની ખાસ વાત એ છે કે તે હુગલી નદીની અંદર બનેલી ટનલમાં દોડશે. પાણીની અંદરની મેટ્રો ટનલ એ એન્જિનિયરિંગની અદભૂત સિદ્ધિ છે, જે 16.6 કિમી લાંબી છે.
આ અંડરગ્રાઉન્ડ મેટ્રો હુગલી નદીની નીચે 520 મીટરનું અંતર 45 સેકન્ડમાં કાપશે. આ સિવાય પીએમ મોદીએ કોલકાતા મેટ્રોના હાવડા મેદાન-એસ્પ્લેનેડ મેટ્રો સેક્શન, કવિ સુભાષ સ્ટેશન-હેમંત મુખોપાધ્યાય મેટ્રો સેક્શન અને તરતલા-માજેરહાટ મેટ્રો સેક્શનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
અંડરવોટર મેટ્રો હુગલીના પશ્ચિમ કિનારે સ્થિત હાવડાને પૂર્વ કિનારે સોલ્ટ લેક શહેર સાથે જોડશે. તેમાં 6 સ્ટેશન હશે, જેમાંથી 3 અંડરગ્રાઉન્ડ સ્ટેશન છે. હાવડા સ્ટેશન એ ભારતનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન છે. કોલકાતા મેટ્રોનો હાવડા મેદાન-એસ્પ્લેનેડ સેક્શન ખૂબ જ ખાસ છે. કારણ કે આ સેક્શનમાં ટ્રેન પાણીની નીચે દોડશે. આ મેટ્રો ટનલ હુગલી નદીના સ્તરથી 32 મીટર નીચે બનાવવામાં આવી છે. આ અંડરવોટર મેટ્રો ટનલ હાવડા મેદાન-એસ્પ્લેનેડ સેક્શન વચ્ચે ચાલશે.
અંડરવોટર મેટ્રો ટનલ બનાવતી વખતે મશીનો 66 દિવસ સુધી એક ક્ષણ માટે પણ બંધ ન થયા
આ દેશની પ્રથમ અંડરવોટર મેટ્રો છે. આ મેટ્રો માટે હુબલી નદીની અંદર પાણીમાં ટનલ બનાવવી એ એક મોટો પડકાર હતો. ટનલ બનાવતી વખતે મશીનો સતત ચાલ્યા હતા, તે એક સેકન્ડ માટે પણ બંધ કરાયા ન હતા. આ મેટ્રો હુગલી નદીની નીચેથી લગભગ અડધા કિલોમીટર સુધી દોડશે.
બાંધકામ સાથે સંકળાયેલા એન્જિનિયરોના જણાવ્યા અનુસાર, દેશમાં પ્રથમ વખત પાણીની અંદર ટનલ બનાવવાની હતી. તેથી એક એવા મશીનની જરૂર હતી જે ઉપરથી પડતા પાણીના દબાણને સહન કરી શકે અને તે દરમિયાન પાણીને અંદર આવતા અટકાવી શકે. બાંધકામ તે સૌથી મોટો પડકાર હતો. અગાઉ દેશના અનેક શહેરોમાં બનેલી ટનલમાં પાણી આવવાનો કોઈ ખતરો ન હતો. તેથી સામાન્ય મશીનોથી ટનલ બનાવવામાં આવી હતી.
તેનું બાંધકામ શરૂ કરતા પહેલા કોલકાતા મેટ્રો રેલ કોર્પોરેશને 13 થી વધુ દેશોમાં અભ્યાસ હાથ ધર્યો હતો. આ તમામ દેશો પાણીની અંદરની ટેકનોલોજીમાં નિષ્ણાત છે. તેમાં મુખ્યત્વે અમેરિકા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, જાપાન, રશિયા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, કેનેડા, થાઈલેન્ડ, સિંગાપોર, હોંગકોંગ, બેંગકોકનો સમાવેશ થાય છે. તેની ડિઝાઇનિંગ અને પ્લાનિંગમાં 360 દિવસ લાગ્યા હતા.