National

ઓડિશામાં પહેલી વાર ભાજપની સરકાર બની: માઝીએ લીધી શપથ, 24 વર્ષ બાદ રાજ્યને નવા CM મળ્યા

ઓડિશા: આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુના શપથ ગ્રહણ બાદ આજે તા. 12 જૂનની સાંજે ઓડિશામાં સીએમ પદની શપથવિધિ થઈ હતી. ચાર વખત ધારાસભ્ય અને ઓડિશાના અગ્રણી આદિવાસી નેતા મોહન ચરણ માઝીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. 24 વર્ષ બાદ રાજ્યને નવા મુખ્યમંત્રી મળ્યા છે. આ સાથે રાજ્યમાં પ્રથમવાર ભાજપની સરકાર બની છે. ઓડિશામાં ભાજપે 147માંથી 78 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી છે. એક દિવસ પહેલા જ પાર્ટીએ મોહન માઝીને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા હતા.

મોહન ચરણ માઝી બાદ કનકવર્ધન સિંહે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. તેઓ 1995થી ધારાસભ્ય બની રહ્યા છે. ગઠબંધન સરકારમાં બે વખત મંત્રી રહી ચૂક્યા છે. પટનાગઢ સીટથી 6 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ઓડિશા ભાજપના અધ્યક્ષ હતા. તેમના પત્ની ભાજપના સાંસદ રહી ચૂક્યા છે. પ્રવતિ પરિદાએ પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. તેઓ પ્રથમ વખત નિમપાડા બેઠક પરથી ધારાસભ્ય બન્યા છે. તેઓ વ્યવસાયે ઓડિશા હાઈકોર્ટમાં વકીલ છે. તેઓ રાજ્ય ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ રહી ચૂક્યા છે.

ચંદ્રબાબુ નાયડુએ સવારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા
આ અગાઉ આજે તા. 12 જૂનની સવારે આંધ્રપ્રદેશને ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચોથી વખત શપથ લીધા હતા. ચંદ્રબાબુ નાયડુની સાથે પવન કલ્યાણ અને નારા લોકેશે પણ આજે શપથ લીધા હતા. તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા ચંદ્રાબાબુ નાયડુ અને ચિરંજીવી અને રજનીકાંત પણ સવારના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યાં હતા.

આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ કેસરપલ્લી શહેરના આઈટી પાર્ક મેદાનમાં યોજાયો હતો. આ વખતે ટીડીપીએ આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 175માંથી 135 બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતી હાંસલ કરી છે.

Most Popular

To Top