ગુજરાતમાં પહેલીવાર સુરતની કિરણ હોસ્પિટલમાં હાથનું ટ્રાન્સપ્લાન્ટ થયું છે. સેલવાસના રહેવાસી બ્રેઈનડેડ 28 વર્ષીય યુવકની કિડની, આંખ અને હાથનું દાન કરાયું છે. યુવકના હાથ ગોવાની 25 વર્ષીય યુવતીને ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રાયવેટ વાહન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન કરતો નરેન્દ્ર પ્રેમબિહારી શૃંગી (ઉં.વ. 28, રહે. 79-વડપાડા, કરાડ, સેલવાસા, દાદરા- નગર હવેલી) ને તા. 9 જાન્યુઆરીના રોજ જમણા પગ અને હાથમાં નબળાઈ લાગતા કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. નિદાન માટે CT સ્કેન અને MRI કરવતા મગજમાં સોજો અને હેમરેજ હોવાનું નિદાન થયું હતું. તેથી મગજની એન્જીયોગ્રાફી કરી (DSA) કેમીકલ પ્લાસ્ટી કરી હતી.
તા. ૧૬ જાન્યુઆરીના રોજ નરેન્દ્રને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. તા. 22 ફેબ્રુઆરીના રોજ નરેન્દ્ર ચેકઅપ માટે કિરણ હોસ્પિટલ આવ્યો હતો. ત્યાં તેને ભૂખ લાગતા કેન્ટીનમાં નાસ્તો કરવા માટે ગયો હતો. નાસ્તો કરતા-કરતા તે બેભાન થઇ ગયો હતો. તેથી તેને હોસ્પીટલમાં દાખલ કરી સારવાર શરૂ કરી હતી. નિદાન માટે CT સ્કેન કરાવતા મગજની લોહીની નસ ફાટી ગઈ હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોરે મગજમાં જામેલું લોહી બહાર કાઢવા અને દબાણ ઓછું કરવા મગજમાં નળી મૂકી હતી.
તા. 28 ફેબ્રુઆરી ના રોજ ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોર, ન્યુરોફીઝીશયન ડૉ. હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. પ્રેક્ષા પારેખ અને મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલે નરેન્દ્રને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. કિરણ હોસ્પીટલના મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલે ડોનેટ લાઈફ ના સ્થાપક નીલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી નરેન્દ્રના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.
ડોનેટ લાઈફ ની ટીમે હોસ્પિટલ પહોંચી મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલ સાથે રહી નરેન્દ્રની પત્ની રોશની, માતા ગુલાબીબેન, ભાઈ ધર્મેશ, બહેન પ્રિયા, બનેવી ચેતન રાજાણી, સસરા રાજુભાઈ મકવાણા, સાસુ શાંતુબેન મકવાણા, સાળો જીગર, ભાભી સરસ્વતીને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યું હતું.
નરેન્દ્રની પત્ની રોશની તેમજ તેની માતા અને ભાઈ એ અંગદાનની પરવાનગી આપી હતી. નરેન્દ્રના પરિવારમાં તેની પત્ની રોશની (ઉં.વ. 26) સેલવાસામાં બ્યુટીપાર્લરમાં બ્યુટીશીયન તરીકે કાર્ય કરે છે. માતા ગુલાબીબેન (ઉં.વ. 52) રખોલી, સેલવાસામાં R.R કેબલ લિ. માં બ્રિડિંગ મશીન ઓપરેટર તરીકે કાર્ય કરે છે. ભાઈ ધર્મેશ (ઉં.વ. 33) સેલવાસામાં હોટેલ કૃષ્ણામાં રિસેપ્શનિસ્ટ તરીકે કાર્ય કરે છે.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા બે કિડની અને હાથ સુરત ની કિરણ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પીટલમાં સુરતના રહેવાસી 44 વર્ષીય વ્યક્તિમાં અને 40 વર્ષીય વ્યક્તિમાં ડૉ. પ્રમોદ પટેલ, ડૉ. મુકેશ આહિર, ડો. કલ્પેશ ગોહિલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
દાનમાં મેળવવામાં આવેલા હાથનું ટ્રાન્સપ્લાન્ટ ગોવાની રહેવાસી 25 વર્ષીય યુવતીમાં ડૉ. અરવિંદ પટેલ, ડૉ. આશુતોષ શાહ, ડૉ. નિલેશ કાછડિયા, ડૉ. નિધીશ પટેલ અને તેમની ટીમ દ્વારા સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સૌ પ્રથમ વખત હાથનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરત થી છઠ્ઠા હાથનું દાન કરાવવામાં આવ્યું હતું. ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ડૉ. સંકિત શાહ દ્વારા કરવામાં આવશે.
