Charchapatra

બિહારના ઇતિહાસમાં પહેલી વાર ૧૫ ટકા જેટલી મહિલાઓ ધારાસભ્ય બની. શું બિહારમાં મહિલા સશક્તિકરણને બળ મળશે?

તાજેતરમાં જેનાં પરિણામો આવ્યાં છે તે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એક નોંધપાત્ર ઘટના મહિલા મતદાતાઓના મતદાનમાં સારો એવો વધારો થયો તે છે. બિહારમાં જોવા મળેલા મહિલા વૉટર પાવરની આ અસર આવનાર સમયમાં અન્ય રાજ્યોમાં પણ મુખ્ય પ્રવાહ અને ચૂંટણીનાં પરિણામોમાં નિર્ણાયક પરિબળ બની રહે તે શક્યતા બિહાર ચૂંટણીનાં પરિણામો પરથી મળેલો એક મહત્ત્વનો રાજકીય બોધપાઠ છે.

બિહારની ચૂંટણીમાં મહિલા મતદાન-કેટલાક મુદ્દાઓ
તા. ૧૪ નવેમ્બર, ૨૦૨૫ના રોજ જાહેર થયેલાં બિહાર વિધાનસભાનાં ચૂંટણી પરિણામોએ ભલભલા નિષ્ણાતોને ખોટા પાડ્યા છે. આ પ્રકારના પરિણામ માટે ઊડીને આંખે વળગે એવું એક મહત્ત્વનું પરિબળ મહિલા મતદાતાઓનું ઊંચું મતદાન ૭૧.૭૮ ટકા રહ્યું જે સામે પુરુષોનું મતદાન ૬૨.૯૮ ટકા હતું. આમ પુરુષોની સરખામણીમાં મહિલા મતદાન ખાસ્સું નવ ટકા જેટલું ઊંચું રહ્યું એ નોંધપાત્ર બાબત ગણી શકાય.

બિહારમાં બે તબક્કામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રથમ તબક્કામાં મહિલાઓ ૬૯.૦૪ ટકા અને બીજા તબક્કામાં ૭૪.૦૩ ટકા મતદાન સાથે પુરુષોને ક્યાંય પાછળ મૂકીને મતદાનની ટકાવારીમાં મોખરે રહી હતી. આ કારણસર મહિલા મતદારોના મતોએ બિહારની ચૂંટણીનાં પરિણામોમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો એમ કહેવું અતિશયોક્તિ નહીં ગણાય. આ મતદાનની ગણતરીમાં ઊંડા ઊતરીએ તો ૩૮ જિલ્લાઓમાંથી સાત જિલ્લાઓમાં મહિલા મતદાનની ટકાવારી પુરુષો કરતાં ૧૪ ટકા અથવા તેથી વધારે હતી જ્યારે બીજા દસ જિલ્લાઓમાં આ તફાવત ૧૦ ટકાથી વધુ હતો. સૌથી મોટો તફાવત સુપૌલ જિલ્લામાં નોંધાયો, જ્યાં મહિલા મતદાન ૮૩.૬૯ ટકા હતું, જ્યારે પુરુષોની ટકાવારી ૬૨.૯૮ ટકા રહેવા પામી હતી.

કિશનગંજ, મધુબની, ગોપાલગંજ વગેરે જિલ્લાઓમાં પણ મહિલા મતદાનની ટકાવારી પુરુષો કરતાં ૧૪થી ૨૦ ટકા વધુ હતી, જેમાંથી કેટલાક વિશિષ્ટ વિસ્તારોમાં થયેલા નોંધપાત્ર મહિલા મતદાન જોઈએ તો કિશનગંજમાં ૮૮.૫૭ ટકા, કટિહારમાં ૮૪.૧૩ ટકા, સુપૌલમાં ૮૩.૬૯ ટકા અને પૂર્વ અને પશ્ચિમ ચંપારણ, અરેરિયા જેવા જિલ્લાઓમાં પણ મહિલા મતદાતાઓને ૭૭થી ૮૩ ટકા સુધી મતદાન કર્યું હતું. બિહાર વિધાનસભાની અત્યાર સુધીમાં થયેલી ચૂંટણીઓમાં મહિલા મતદાનની આટલી ઊંચી ટકાવારી એક રીતે કહીએ તો પરિણામોની તરાહને ધરમૂળથી બદલવા માટે કારણભૂત હતી એમ દેખાય છે. બિહારની હાલની વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓનું ઊંચું મતદાન રાજકીય પક્ષોનાં પરિણામો અને વિધાનસભાની રચના પ૨ ગુણાત્મક અસર કરનાર કહી શકાય.

દા.ત. આ અગાઉની વિધાનસભા ચૂંટણી (૨૦૨૦)માં મહિલા મતદાન માત્ર ૬૦.૪૮ ટકા હતું તેની સરખામણીમાં આ વખતની ચૂંટણીમાં સરેરાશ મહિલા મતદાન ૭૧.૭૮ ટકા એટલે કે, આ પહેલાંની ચૂંટણી કરતાં ૧૧.૩૦ ટકા વધારે હતું જે બિહાર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોને નિર્ણાયક લડત આપવા તૈયાર હતું એમ કહીએ તો ખોટું નહીં કહેવાય. ચૂંટણીનાં પરિણામો માટે એક કરતાં વધારે પરિબળો જવાબદાર હોય છે તે સંયોગોમાં બિહાર વિધાનસભાની ચૂંટણીઓમાં મહિલા મતદાનની ટકાવારી પ્રથમ દૃષ્ટિએ ચૂંટણી પરિણામોને અસરકર્તા મોટું પરિબળ જણાય છે. શું આને ‘શાંત મહિલા ક્રાન્તિ’ કહી શકાય? આ અંગેનાં કારણો પર નજર કરતાં મહિલાઓની મતદાનમાં ઊંચી ટકાવારી માટે મુખ્યત્વે નીચેનાં પરિબળો જવાબદાર જણાય છે:

૧. સામાજિક જાગૃતિ અને મહિલા સશક્તિ કરતા કાર્યક્રમો:
(અ) જીવિકા, સેલ્ફ હેલ્પ ગ્રુપ અને મહિલા-કેન્દ્રિત કલ્યાણ કાર્યક્રમો, મહિલાઓમાં વધારે સભાનતા અને જાગૃતિ પ્રેરવા કારણભૂત હોઈ શકે.
(બ) બિહા૨માં મહિલાઓમાં શિક્ષણ વધ્યું છે. ખાસ કરીને મહિલાઓમાં સરકારનાં પ્રચાર માધ્યમોની પ્રસારતા વધી હશે.
૨. મતદાનનું વાતાવરણ તેમજ મહિલા સલામતીમાં વધારો: પૂરતા પોલીસ બંદોબસ્ત તેમજ રાજ્ય સરકારની ખાસ કરીને નીતીશકુમાર માટે સુશાસન બાબુ તરીકે ઉપસેલી છાપ. ૩. મહિલા-કેન્દ્રિત ચૂંટણી પ્રચાર: રાજકીય પક્ષોએ તેમના ઘોષણાપત્રોમાં મહિલાઓ માટેની ખાસ યોજનાઓ જેવી કે, શિક્ષણ, આરોગ્ય, દારૂબંધી અને વેલફેર સબસિડી પર આપેલ ભાર.

૪. દારૂબંધીની નીતિ: ૨૦૧૬થી બિહારમાં લાગુ કરાયેલ દારૂબંધીની નીતિ મહિલા મતદારોમાં પ્રીતિપાત્ર બની છે. મહિલાઓના મત મુજબ દારૂબંધીના કારણે એમનું ગૃહજીવન સુધર્યું છે તેમજ મહિલાઓ ઉપરના અત્યાચારોમાં ઘટાડો થયો છે. ૫. પારદર્શક અને સરળતાથી પ્રાપ્ત તેવી સરકારી રાહતો અને આંતર માળખાકીય સવલતો: ગ્રામ્ય વિસ્તારને જોડતા પાકા રસ્તાઓ, દીકરીઓ માટે મફત સાઇકલ તેમજ સ્થાનિક ટ્રાન્સપોર્ટ સેવાઓમાં સુધારો, જેના કારણે મતદાન-મથક સુધી પહોંચવાનું સરળ બન્યું.

આ બધાના ફલસ્વરૂપે ૨૦૨૦ની વિધાનસભામાં કુલ ૨૪૩ સીટ સામે ૨૬ મહિલા ધારાસભ્યો ચૂંટાયાં હતાં જે વિધાનસભાની કુલ બેઠકોના ૧૧.પ ટકા થાય. તેની સામે ૨૦૨૫માં ૨૪૩ બેઠકોમાંથી ૩૬થી ૩૭ બેઠક ઉપર મહિલા ઉમેદવારો ચૂંટાયાં છે, જે અત્યાર સુધીના બિહારના ઇતિહાસમાં સૌથી વધારે છે અને કુલ સીટના ૧૫ ટકા એટલે કે અગાઉની ધારાસભા કરતાં ૩.૫ ટકા જેટલો વધારે ફાળો અથવા આંકડાઓની દષ્ટિએ કહીએ તો ૮થી ૯ મહિલાઓનો વધારો થયો છે.

આને કારણે આવનાર સમયની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓથી માંડી લોકસભાની ચૂંટણીઓમાં વધુ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનું તેમજ પોતાના ઘોષણાપત્રમાં મહિલાઓલક્ષી વધુ યોજનાઓ જાહેર કરવાનું રાજકીય પક્ષો માટે લગભગ ફરજિયાત બનશે. આમ બિહાર વિધાનસભાની ૨૦૨૫ની ચૂંટણીમાં અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી વાર ૧૫ ટકા જેટલી મહિલાઓ ચૂંટાઈ આવી છે, જેમની સક્રિયતા પણ મહિલા સશક્તિકરણને વેગ આપશે એમ કહી શકાય. લોકશાહીની આવતી કાલ માટે આ સારી નિશાની છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top