વડોદરા: સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.પરંતુ છેલ્લાં કેટલાંક દિવસોથી મેઘરાજા હાથતાળી આપી પલાયન બની રહ્યા છે.જેના કારણે જગતનો તાત કહેવાતા ખેડૂતો પણ ચિંતાતુર બની ગયા છે.બીજી તરફ વડોદરાની જીવા દોરી સમાન એવું ગાયકવાડી શાસનકાળ દરમિયાન બનાવાયેલું ઐતિહાસિક આજવા સરોવરની સપાટી વરસાદે વિરામ લેતા ઘટવા માંડી છે. વડોદરા શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા મહત્ત્વના સ્ત્રોત પૈકી એક ઐતિહાસિક આજવા સરોવરમાં વરસાદનો મહિનો એટલે કે જુલાઈ માસ પૂરો થઈ ગયો હોવા છતાં પણ હાલ તેની સપાટી 206.65 ફૂટ છે.
છેલ્લા ચાર વર્ષમાં ઓગસ્ટ માસમાં આજવાની આ સૌથી ઓછી સપાટી હોવાનું જાણવા મળ્યું છે.આજવા સરોવર ખાતેથી વડોદરાના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.આજવા સરોવરમાંથી આશરે રોજના પંદર કરોડ લિટર પાણી લેવામાં આવે છે.જો આજવાની સપાટી 204 ફૂટથી નીચે જાય તો પાણીની તકલીફ ઊભી થઈ શકે. હાલમાં આજવા ખાતેથી પોન્ટુન પંપીંગ દ્વારા પણ પાણી મેળવવામાં આવી રહ્યું છે.એટલે કે દરરોજના 15 કરોડ લિટર જથ્થા પ્રમાણે પાણી મળી રહે છે. સામાન્ય રીતે આજવા ઓવરફ્લો થાય ત્યારે સરકારના નિયમ મુજબ 15 ઓગસ્ટ સુધી 211 ફૂટથી વધુ પાણી સંગ્રહી શકાતું નથી.