ટેક્સટાઇલ અને ડાયમંડ હબ તરીકે પ્રખ્યાત સુરતમાં 01 ઓગસ્ટથી શરૂ થતી પ્રતિષ્ઠિત ગુજરાત સ્ટેટ ઓપન રેન્કિંગ બિલિયર્ડ્સ અને સ્નૂકર ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવા તૈયાર છે. સુરત ડિસ્ટ્રિક્ટ બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર એસોસિએશન અને ગુજરાત સ્ટેટ બિલિયર્ડ્સ એસોસિએશનના નેજા હેઠળ આયોજિત આ ટુર્નામેન્ટ શહેર અને તેના રમતપ્રેમીઓ માટે ગૌરવની ક્ષણ છે. આ કાર્યક્રમ પીપલોદના ઇસ્કોન મોલની પાછળ આવેલા સુરત સિટી જીમખાના ખાતે યોજાશે.
સુરત સિટી જીમ ખાનાના પ્રમુખ અરવિંદ ઇનામદાર અને સેક્રેટરી કિશન મહેરા, ટુર્નામેન્ટ કો-ઓર્ડિનેટર અને એસડીબીએસએના પ્રમુખ વિરાજ ઠક્કર, એસડીબીએસએના ઉપપ્રમુખ યોગેશ ઠક્કર, એસડીબીએસએના સેક્રેટરી સરીન ચેવલી, એસડીબીએસએના ટ્રેઝરર નીલ દેસાઈ, એસડીબીએસએના જોઈન્ટ સેક્રેટરી વિશુલ દેસાઈ, એસડીબીએસએના લાયઝનિંગ હિમાંશુ પટેલ, એસડીબીએસએના કોચ તુષાર સહાય, એસડીબીએસએના માર્કર જયેશ ઉમરીગરએ ટૂર્નામેન્ટના આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાત રાજયના 150 થી વધુ ખેલાડીઓ ભાગ લેશે.
સુરતમાં આ ચોથી વખત લીગ યોજાઈ રહી છે અને તે કયૂ સ્પોર્ટ્સ ચાહકો માટે રોમાંચક ઈવેન્ટ બનવાનું વચન આપે છે. 39 વર્ષથી ગુજરાત સ્ટેટની આ સ્પર્ધા જે અમદાવાદ ખાતે યોજાતી હતી. તે આ વર્ષે પહેલી વાર સુરતના આંગણે યોજાઈ રહી છે.
ટુર્નામેન્ટ વિશે બોલતા, એસડીબીએસએના પ્રમુખ અને ટુર્નામેન્ટ કો-ઓર્ડિનેટર વિરાજ ઠક્કરે આ ઇવેન્ટને સુરત સર્વ પ્રથમ વાર લાવવા બદલ ગર્વ વ્યક્ત કર્યો.તેમણે પ્રદેશમાં ક્યૂ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા અને રાજ્ય-સ્તરના પ્લેટફોર્મ પર ચમકવા માટે સ્થાનિક પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા માટે આ ટુર્નામેન્ટના મહત્વ પર ભાર મૂક્યો હતો.
વિરાજ ઠક્કરે રમત પ્રત્યેનો તેમનો જુસ્સો અને આ સમૃદ્ધ વારસાને ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવાની તેમની ઇચ્છા શેર કરી, વાચકો અને ઉત્સાહીઓને ક્યૂ સ્પોર્ટ્સની ભવ્યતાની ઉજવણીમાં જોડાવા આમંત્રણ આપ્યું છે.