Columns

જીવનના વિકાસ માટે

એક દિવસ નિમેશ નાસીપાસ થઈને દરિયાકિનારે બેઠો હતો.દરિયાકિનારે આવ્યો ત્યારે તે એકદમ હતાશ હતો.જીવનમાં કઈ દિશામાં કઈ રીતે આગળ વધવું તેને સમજાતું ન હતું. થોડી વાર દરિયાકિનારે બેસી રહ્યો તો ઠંડી હવાની લહેરખીઓથી તેને સારું લાગ્યું.તેનું નિરાશ મન જરા શાંત થયું. સારું લાગી રહ્યું હતું એટલે નિમેશ ત્યાં જ બેસી રહ્યો.થોડી વારમાં તેણે પોતાના નામની બૂમ સાંભળી, તે દિશામાં જોયું તો તેનો કોલેજકાળનો ખાસ દોસ્ત યોગેશ તેને બોલાવી રહ્યો હતો.નિમેશ ઊઠ્યો અને દોડીને બંને જણ એકબીજાને ભેટ્યા. નિમેશે પોતાના મિત્ર યોગેશને પૂછ્યું, ‘તું અહીં કઈ રીતે? તું તો વિદેશ ચાલ્યો ગયો હતો ને?’યોગેશે કહ્યું, ‘દોસ્ત, લાંબી કહાની છે ચલ, ચા પીતાં પીતાં વાતો કરીએ.’

નિમેશ અને યોગેશ ચાલીને ચાની લારી પાસે ગયા.રસ્તામાં યોગેશે જણાવ્યું કે પોતે વિદેશ નોકરી મળતાં પરિવાર સાથે ત્યાં ચાલ્યો ગયો હતો પણ અચાનક બે વર્ષ પહેલાં તેને એક સવારે નોકરીમાંથી કંઈ પણ કહ્યા વિના પાણીચું આપી દેવામાં આવ્યું.વિદેશમાં પરિવાર સાથે રહેવું અઘરું લાગતાં તે પોતાના વતન પાછો આવી ગયો અને નવેસરથી શરૂઆત કરી. હવે તેણે કોઈ નોકરી નહિ પણ નાનો પોતાનો બીઝનેસ કરવાનું નક્કી કર્યું અને આજે તે નાનો બીઝનેસ બરાબર ચાલી રહ્યો છે.

ચાની લારી પાસે ચાનો ઓર્ડર આપી બંને મિત્રો બાંકડા પર બેઠા.નિમેશે તરત પૂછ્યું, ‘દોસ્ત, આટલી વિકટ પરિસ્થિતિમાં તેં હિંમત કઈ રીતે જાળવી?’યોગેશ બોલ્યો, ‘હતાશ થયો હતો પણ સમજાયું કે પરિવારની જવાબદારી છે, એમ હારીને બેસવાથી કે રડવાથી શું થશે, એટલે હિંમત એકઠી કરી.’નિમેશે વચ્ચે જ પૂછ્યું, ‘દોસ્ત પણ તૂટેલી હિંમત એકઠી કઈ રીતે કરી તે તો કહે.’ યોગેશ બોલ્યો, ‘દોસ્ત, હું સમજી ગયો કે હું હતાશ થઈશ તો મારો પરિવાર બરબાદ થશે એટલે મેં સૌથી પહેલાં મારા તન અને મનના સ્વાસ્થ્ય પર ધ્યાન આપ્યું.રોજ નદી કિનારે લાંબુ ચાલવા જતો …કુદરતના સાન્નિધ્યમાં જેટલું ચાલતો તેટલું મનને સારું લાગતું ..સારા વિચારો આવવા લાગ્યા…સમજાયું કે વિદેશનો મોહ છોડી વતન પાછો જતો રહું.વતન આવી ગયો અને જાતે થેલા ઊંચકી ઊંચકીને સાડી અને ડ્રેસ મટીરિઅલનો નાનો વેપાર શરૂ કર્યો.મારી પત્નીએ નાસ્તા અને અથાણાં બનાવવાના શરૂ કર્યા.

તે પણ થેલાંમાં ભરીને જાતે ઊંચકીને બધે પહોંચાડવા લાગ્યો અને જાણે જેટલું વજન ઉંચકતો ગયો એટલી મારી તાકાત વધવા લાગી.તનની તાકાત વધી અને મનનો ભાર ઓછો થયો.મેં વધુ મહેનત કરી ,નવાં નવાં કામ શોધ્યાં, નાની દુકાન શરૂ કરી અને જેટલાં અઘરાં કામ કરતો ગયો એટલી લાઈફ સહેલી થતી ગઈ.’ નિમેશ યોગેશને ભેટી પડ્યો અને બોલ્યો, ‘દોસ્ત, હું હતાશ હતો પણ દરિયાકિનારે આવ્યા બાદ સારું લાગ્યું અને તું મળી ગયો જેણે મને જીવનનો માર્ગ સમજાવી દીધો કે પ્રકૃતિની સાથે રહો ,વધુ ને વધુ ચાલો ..ચાલતા રહો ,વજન ઉપાડો, મહેનત કરો અને અઘરી મુશ્કેલીઓનો સામનો કરો તો તમારો વિકાસ કોઈ નહિ અટકાવી શકે.’
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top