Comments

ભાજપ માટે શાસનમાં રહેવું જ નીતિ છે, અનીતિ વિશે પૂછવું નહીં

ભારતીય જનતા પક્ષે ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની પેટાચૂંટણી માટે જે ઉમેદવારો પસંદ કર્યા છે તેમાં કોંગ્રેસમાંથી આવ્યા હોય તેવા છે. પણ આ વાતથી કોઈએ આઘાત પામવાની જરૂર નથી. ભાજપાની એક સીધી અને સ્પષ્ટ નીતિ છે કે રાજ્ય હોય તો તેની વિધાનસભામાં અને રાષ્ટ્ર હોય તો લોકસભા-રાજ્યસભામાં તેની જ બહુમતિ હોવી જોઈએ. ચૂંટણી જીતવા માટેનો તેમનો આ જ અભિગમ છે અને તે માટે જે કાંઈ કરવું પડે તેને રાજનીતિના ભાગરૂપે જ તેમણે સ્વીકાર્યું છે. આમ કરવાથી જે તરત ફાયદો થાય છે તે એ કે સામેનો પક્ષ નબળો પડે છે અને કોઈ પણ મહત્ત્વાકાંક્ષી શાસક પક્ષનું એ જ લક્ષ્યાંક હોઈ શકે છે.

હા, અગાઉના સમયમાં આવી ચૂંટણી પ્રક્રિયા વડે સામા પક્ષ અને તેના ઉમેદવારોને પછાડવાનું વલણ રહેતું હતું. પણ ભાજપ એવી લાંબી અને જુગારી માનસિકતા સર્જે તેવી લોકશાહી પ્રક્રિયામાં માનતું નથી. હા, ભાજપમાં રહેલા અનેક નેતાઓ આયાતી ઉમેદવારોથી અસલામતી અનુભવે છે, પણ ભાજપના કેન્દ્રિય નેતાઓની એક જ શરત છે કે જો તમે બેઠક જીતી શકો તેમ હો તો અમે તમને ટિકિટ આપીશું. આ સિવાય કોઈ જ શરત નથી. સિનિયોરિટીના આધારે કે પક્ષમાં અમે આટલા વર્ષથી સેવા કરી છે એવા આધારે ટિકિટ મળશે એવી આશા નહીં રાખવી.

ભારતીય જનતા પક્ષની નીતિ છે. કોઈ પણ રીતે વધુ ને વધુ રાજ્યમાં વધારે ને વધારે બેઠકો સાથે સત્તામાં રહેવું અને લોકસભા-રાજ્યસભામાં બહુમતી શાસન કરવું. તેમની બીજી નીતિ એ પણ છે કે સત્તામાં આવ્યા પછી પોતે જે પ્રકારે શાસકીય ભૂમિકાએ કાર્યો કરવાં છે તે કરવાં. તેમાં તેઓ કોઈ આયાતી નેતાઓની શરત સ્વીકારતા નથી. તેઓ પોતાનો કોઈ પણ વિરોધ ચલાવી લેતા નથી. હમણાં વરુણ ગાંધીને તેમણે પીલીભીતથી ટિકિટ ન આપી તે ન જ આપી, બાકી ત્રણ ટર્મથી તે સાંસદ છે. મેનકા ગાંધીને આપી અને તેના પુત્રને ન આપી. આ મુદ્દે મેનકા ગાંધી પણ વિરોધ કરી શક્યાં હોત, પણ તેનામાં રાજકીય શાણપણ છે.

ભાજપે હિમાચલમાં તો 6 એના ઘારાસભ્યોને ટિકિટ આપી જે કોંગ્રેસના હતા અને રાજ્યસભાની ચૂંટણી વેળા તેમણે ભાજપ તરફે મત આપેલા. પેલા વિધાનસભ્યોએ આ સમજી-વિચારીને કરેલો વિદ્રોહ હતો અને હવે જો જીતશે તો ભાજપના નેતા તરીકે વિધાનસભામાં બેસશે. ભાજપ જાણે છે કે દરેકની રાજકીય મહત્ત્વાકાંક્ષા શાસક પક્ષમાં બેસવાની હોય છે અને તો જ આજના સમયમાં રાજકારણમાં હોવાનો અર્થ છે. હવે કોઈ પાસે કોઈ ગંભીર અને પ્રતિબદ્ધ રાજકીય વિચારો નથી. હવે રાજકારણમાં બૌદ્ધિકો પ્રવેશતા નથી.

હવે કોઈ બીજા પ્રકારનાં આંદોલનો પણ લાંબાં ચાલતાં નથી. રાજકારણના આ વર્તમાન પ્રવાહને જે પક્ષ સમજતો નથી તે પછડાશે. આ વાત નીતિશકુમાર જેવા નેતા પણ સમજે છે. તેમને તેમની જે ટીકા થાય તે વિશે કોઈ પ્રતિક્રિયા આપવી નથી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહેલા શિવરાજસિંહને પણ ચૂંટણી પરિણામ પછી મુખ્યમંત્રીપદ નથી આપ્યું તો તેમણે કોઈ વિવાદ ઊભો કર્યો નથી. ભાજપમાં વડા પ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જે નક્કી કરે છે તે જ આખરનું છે. હવે કોઈ મોટા નૈતિક વિદ્રોહ થવાના નથી કારણ કે રાજકીય નૈતિકતા તો પાતાળમાં પણ શોધવી મુશ્કેલ છે.

મોદી અને અમિત શાહ હવે એવું પણ સમજે છે કે જે મતદાતા છે તે રાજનેતાઓના પક્ષપલટા બાબતે મતદાન વડે પ્રતિક્રિયા આપવા માંગતો નથી. મતદાતા સમજે છે કે મોદી-અમિત શાહની એક શાસનશૈલી છે અને તેઓ પોતાની રીતે દેશનાં જે કાંઈ કાર્યો કરવા માંગે છે તે કરે છે. મોદી-શાહ ખોટી રીતે કોઈની ઉપેક્ષા પણ નથી કરતા. નીતિન ગડકરી એકદમ ખૂલ્લમખૂલ્લાં નહીં તો પણ મોદી-શાહ સાથે ઘણી બાબતે અસહમત હોય છે. મોદી-શાહ જાણે છે કે ગડકરીજી એક મંત્રી તરીકે પોતાના લક્ષિત કાર્યો અત્યંત ગતિથી પાર પાડે છે. અગાઉનાં વર્ષોમાં તેમણે સુષ્મા સ્વરાજ પ્રત્યે પણ આવો આદર જાળવી રાખેલો અને આ વખતે સુષ્મા સ્વરાજનાં દીકરીને ટિકિટ આપી છે. મોદી-શાહની નજરમાં દરેકનાં કામો અને તેની મહત્તાની સમજ છે.

છેલ્લા ત્રણ દાયકામાં રાજકારણ એકદમ બદલાયું છે અને 2014 પછી તો તેને નવી જ રીતે જોવું પડે તેમ છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી તેમાં કશું કરી શકે તેમ નથી. ભાજપ જ્યારે કોઈ પણ રીતે શાસન જ મહત્ત્વનું સમજતો હોય તો નીતિ-અનીતિનો મુદ્દો જ ક્યાં બચે છે? શાસનમાં હોવું એ જ નીતિ હોય તો બીજી અનીતિ માટે અવકાશ જ ક્યાં બચે છે? કોંગ્રેસે પોતાના સમયમાં આવી અનીતિ અનેક વાર આચરી છે એટલે તે કોઈ રીતે પ્રતિક્રિયા આપવાને લાયક પણ નથી. દરેક રાજકીય પક્ષોનાં ચરિત્રો એક સરખાં છે એટલે કોઈ કશા દાવા ન કરે. તાકાત હોય તો લડે. આ જૂદો રાજકીય સમય છે તે દરેક પક્ષોએ સમજી લેવાની જરૂર છે.
બકુલ ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top