વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 7મી માર્ચે સુરત આવી રહ્યાં છે. અહીં લિંબાયતમાં નીલગીરી ગ્રાઉન્ડ ખાતેના એક કાર્યક્રમમાં વડાપ્રધાન હાજરી આપશે અને રાત્રે તેઓ સર્કિટ હાઉસમાં રોકાશે. તા. 8મી માર્ચે વડાપ્રધાન નવસારી જવા રવાના થશે.
વડાપ્રધાનના બે દિવસીય પ્રવાસને પગલે મહાનગરપાલિકા સહિત વિવિધ તંત્રો તૈયારીઓમાં લાગી ગયા છે. શહેરમાં PMના કાર્યક્રમ અને રૂટ સંબંધિત વિવિધ કામગીરી હાથ ધરાઈ છે. મેટ્રો સહિતના અધૂરા કામો પીએમની નજરે ન ચડે તે માટે લીલા કાપડની આડશ મારી દેવાઈ છે.
સુરત મેટ્રો પ્રોજેક્ટ શહેર માટે મહત્વપૂર્ણ છે. અનેક વિસ્તારોમાં મેટ્રોની કામગીરી ચાલુ છે. PM મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખીને ખાસ કરીને અઠવાલાઇન્સ અને સર્કિટ હાઉસ નજીક મેટ્રો નિર્માણકાર્ય હાલ પૂરતું ધીમું કરી દેવાયું છે. જ્યાં મેટ્રો નિર્માણના કારણે 60% માર્ગ અવરોધિત હતો તે રસ્તાઓ પર તાત્કાલિક મરામત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
લીલા પડદાઓ લગાવાયા
જ્યાં મેટ્રોના કામ હજુ પૂર્ણ થયા નથી, ત્યાં લીલા પડદા લગાવવામાં આવ્યા છે. આ પડદાઓના કારણે નિર્માણ સ્થળો ઢંકાઈ ગયા છે અને સમગ્ર માર્ગ ખુલ્લું કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના આગમન પૂર્વે સુરત શહેરે એક નવું મેકઓવર મેળવ્યું છે. PM મોદીના રોડ શો માર્ગ પર નવા તબક્કાના પેવમેન્ટ બનાવી દેવામાં આવ્યા છે. મુખ્ય માર્ગો પર દિવાલોને રંગીને ભવ્ય દૃશ્ય ઊભું કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અને વનસ્પતિ સેવાઓને પણ મહત્વ આપવામાં આવ્યું છે.
PMને આવકારવા સુરત તૈયાર
આ તમામ વ્યવસ્થાઓ વડાપ્રધાનના આગમનને અનુલક્ષીને કરવામાં આવી રહી છે, જેથી PM મોદીને એક સુશોભિત અને વ્યવસ્થિત શહેર જોવા મળે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ માટે સુરતના સર્કિટ હાઉસમાં વિસામો લેશે, જેના કારણે ત્યાં પણ વિશેષ તૈયારીઓ થઈ રહી છે. સર્કિટ હાઉસના અંદર અને બહાર નવા રંગરોગાન અને રીપેરીંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
આ સાથે જ પરિસરને વધુ આકર્ષક બનાવવા માટે નવા છોડ અને વૃક્ષો રોપવામાં આવી રહ્યા છે, જેથી સમગ્ર વિસ્તાર હરિયાળો અને શાંત દેખાય. સુરક્ષાના દૃષ્ટિકોણે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને PM મોદીના આગમન પહેલા સમગ્ર સર્કિટ હાઉસ કડક સુરક્ષામાં લેવામાં આવ્યું છે.
