Business

કોઇપણ સફળતા માટે

ઓલિમ્પિક ફીવરમાં બધા ચારે બાજુ સ્પોર્ટ્સની વાતો કરે છે અને ભૂતકાળના અને વર્તમાનના સિતારાઓ વિષે તેમના સંઘર્ષ વિષે લેખો લખાય છે.સોશ્યલ મિડિયા પર અનેક પોસ્ટ મુકાય છે.આવી પ્રેરણાત્મક વાતોના માહોલમાં સ્કૂલમાં સ્પોર્ટ્સમાં હંમેશા પહેલી આવતી દિયાએ મમ્મીને કહ્યું, ‘મમ્મી મને પણ આવી સફળતા મેળવવી છે.ઓલમ્પિકમાં જવું છે.મેડલ જીતવો છે.’ દિયાની વાત સાંભળીને મમ્મી તેને ભેટી પડી અને બોલી, ‘વાહ મારી દીકરી, તેં વાત તો બહુ સારી કરી પણ બહુ ઓછાં લોકોને આવી ભવ્ય સફળતા મળે છે, માત્ર વાતો કરવાથી કે સપનાંઓ જોવાથી આવી ભવ્ય સફળતા મળતી નથી.’ દિયાએ પૂછ્યું, ‘મમ્મી તું મને સમજાવ કે આવી ભવ્ય સફળતા કોને મળે?’ મમ્મીએ કહ્યું, ‘બેટા, જીવનભર બધાને યાદ રહી જાય.ઇતિહાસમાં તમારું નામ લખાઈ જાય તેવી ભવ્ય સફળતા એને મળે જેઓ ક્યારેય ચાર બાબતમાં અટકે નહિ.’

દિયાએ કહ્યું, ‘મમ્મી, કઈ ચાર બાબત?’ મમ્મીએ કહ્યું, ‘દિયા, સૌથી પહેલી બાબત છે ‘બીલીવિંગ’સપનું માત્ર જોવાથી ન ચાલે, કોઇ પણ હોય તે સપનાને એકમાત્ર ધ્યેય બનાવીને સૌથી પહેલાં તેમાં વિશ્વાસ રોપવો પડે અને સતત મનને યાદ કરાવતાં રહેવું પડે કે મારે આ ધ્યેય સુધી પહોંચવાનું છે અને વિશ્વાસ અપાવવાનો છે કે હું ત્યાં સુધી ચોક્કસ પહોંચી શકીશ અને મંઝિલ મેળવીને જ રહીશ.તેં આજે જે કહ્યું તે તારું સપનું છે. તારે તારા સપનામાં રોજે રોજ વિશ્વાસ વધારવો પડશે.’ દિયાએ કહ્યું, ‘યેસ મમ્મી, બીજી ત્રણ બાબત?’

મમ્મીએ કહ્યું, ‘બીજી બે બાબત છે જેનું સતત પાલન કરવાનું છે તે છે ‘ટ્રાઈંગ’અને ‘લર્નિંગ.’આ બે વાતે કયારેય અટકવાનું નથી.જે સપનું જુએ છે અને પછી તેમાં વિશ્વાસ રાખી તેને ધ્યેય બનાવે છે તેણે ધ્યેય તરફ આગળ વધવા સતત અટક્યા વિના રોજે રોજ પ્રયત્નો ચાલુ રાખવા અને પ્રયત્નમાં સુધાર લાવવા માટે પોતાની ભૂલમાંથી શીખવું, જે નવું આવે તે શીખવું ,બીજાની ભૂલમાંથી પણ શીખવું, અનુભવીની વાતોમાંથી શીખવું. આમ દરેક રીતે સતત શીખતાં રહીને આગળ વધવું.’દિયા ઉત્સાહથી બોલી, ‘મમ્મી, હું સતત શીખવા તૈયાર છું.

હું ક્યારેય મારા પ્રયત્નો નહિ અટકાવું. મમ્મી ચોથી બાબત કઈ છે?’ મમ્મીએ કહ્યું, ‘દીકરા, ચોથી બાબત સૌથી મહત્ત્વની છે તે છે ‘બીઈંગ ગ્રેટફુલ.’ સતત નમ્ર અને આભારી રહેવું.ભગવાનનો દરેક બાબતે આભાર માનવો. દરેક તક અને સફળતા મળે તે માટે મદદરૂપ બનનાર દરેકનો અને ઈશ્વરનો ધન્યવાદ કરવો અને થોડી પણ સફળતા મળે ત્યારે નમ્ર રહીને અભિમાન કર્યા વિના સતત પ્રયત્નો અને શીખવાનું ચાલુ જ રાખવું.જે વ્યક્તિ આ ચાર બાબતોનું ધ્યાન રાખી સતત પાલન કરે છે તેને જ જીવનમાં ભવ્ય સફળતા મળે છે.’મમ્મીએ દીકરીના ચળકતા ઉત્સાહ અને સપનાને યોગ્ય દિશા બતાવી અને સફળતા મેળવવાની રીત સમજાવી.

Most Popular

To Top