એક મોટીવેશનલ સ્પીકર એક ગેટ ટુ ગેધરમાં તેમના મિત્રને ત્યાં ગયા. ત્યાં બધા વાતો કરતા હતા કે એક વાર થોડા કરોડ રૂપિયા ભેગા કરી લઈએ પછી બસ શાંતિથી રીટાયર થઈ જઈશું…કોઈ કામ નહિ ..કોઈ ચિંતા નહિ …કોઈ ભાગદોડ નહિ.મોટીવેશનલ સ્પીકર બધી વાતો સાંભળી રહ્યા હતા. તેમણે વચ્ચે કહ્યું, ‘તો તો તમે બધા સુખી નહિ સૌથી દુઃખી માણસો બની જશો.’ તેમની આવી વાત સાંભળી બધા ચૂપ થઈ ગયા, કોઈને કંઈ સમજાયું નહિ કે તેઓ આવું કેમ કહે છે.
તેમના મિત્રે પૂછ્યું, ‘દોસ્ત, તું શું માને છે કેટલા કરોડ રૂપિયા હોય તો ખુશી અને સુખથી ભરેલી શાંતિની લાઈફ જીવી શકાય.’મોટીવેશનલ સ્પીકર બોલ્યા, ‘શાંતિ કે ખુશી ભરેલી લાઈફ જીવવા માટે કોઈ કરોડો રૂપિયાની જરૂર નથી…પૈસા તમને ખુશી આપી શકતા નથી.કરોડો રૂપિયા ભેગા કરો …હિલ સ્ટેશન પર કે બીચ નજીક બંગલો ખરીદીને ત્યાં રહેવા જાવ, કોઈ કામ નહિ, બસ મજા જ મજા, આરામ જ આરામ …કેટલા દિવસ આરામ કરશો, પછી કંટાળો આવશે.
ટાઈમપાસ કરવા કલબના મેમ્બર બનશો, મિત્રો બનાવશો, કેટલા દિવસ પાર્ટી મસ્તી મજા કરશો, પછી તેનાથી પણ થાકી જશો.જો તમે એમ માનો છો કે બહુ પૈસા ભેગા કરી લીધા બાદ કોઈ ચિંતા,કામ વિના આરામથી જીવીશું તો તે શક્ય જ નથી.’ એક યુવાન બોલ્યો, ‘સર, માફ કરજો, પણ ઘણા બધા પૈસા હોય અને કંઈ જ કરવાનું ન હોય.તો સુખ જ સુખ કહેવાય ને? કેવી મજા આવે …’મોટીવેશનલ સ્પીકર બોલ્યા, ‘આ વિચાર જ ભૂલભરેલો છે.માણસને જીવવાની મજા પૈસાથી નથી આવતી. એક દિવસ એવો આવશે કે તમે પૈસા વાપરી, પાર્ટી કરી કરીને થાકી જશો.
તમારા જીવનમાં આવતી કાલે ઊઠીને શું કરીશું? તેનો જવાબ નહિ હોય ,તમારી પાસે કોઈ કામ નહિ હોય …કોઈ ધ્યેય નહિ હોય તો જીવન જીવવાની મજા જ નહિ આવે.સાચી મજા કોઈ જીવનના ધ્યેય તરફ આગળ વધવામાં છે.કોઈ લક્ષ્ય હશે તો તમે જીવો છો તેવું લાગશે, નહિતર તો જીવન કોઈ કામ વિના વીતતું જશે.જીવનમાં જે માણસ પાસે કોઈ કામ છે…કોઈ ચોક્કસ લક્ષ્ય છે અને તેને મેળવવા તે એકસરખું કામ કરે છે તે સાચું, સુખી અને આનંદમય જીવન જીવે છે.લક્ષ્ય વિનાનું જીવન તો નકામું લાગશે.’મોટીવેશનલ સ્પીકરે પોતાની વાત સમજાવી બધાના વિચાર બદલી નાખ્યા.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.