SURAT

91 વર્ષથી અંબિકા કરિયાણા સ્ટોર્સ (કચરા ગાંધી) ની જડીબુટ્ટીઓ અને ડ્રાયફ્રુટ છે વિશ્વસનીય

એક જમાનો એવો હતો કે જ્યારે દેશી જડીબુટ્ટીઓ અકસીર ઈલાજ માટે પ્રચલિત હતી. એ સમયે સુરતમાં વૈદ્ય, હકીમોની બોલબાલા હતી. શહેરનો વિસ્તાર નાનો હતો છતાં દેશી જડીબુટ્ટી અને ડ્રાયફ્રુટ તથા કરીયાણાની દુકાનોની સંખ્યા વધારે હતી. પણ સમયના બદલાતા વહેણની સાથે જડીબુટ્ટીઓથી થતો ઈલાજ વિસારે પડતો ગયો અને એલોપથી દવાઓથી ઇલાજ પ્રચલિત બનતો ગયો. જ્યારે જડીબુટ્ટીથી ઇલાજનો જમાનો હતો ત્યારે લગભગ 91 વર્ષ પહેલાં શહેરના ઝાંપા બજાર દાણાપીઠ વિસ્તારમાં કચરા ગાંધી નામની પેઢી અસ્તિત્વમાં આવી હતી. તેના સ્થાપક ડાહ્યાભાઈ ( કચરાભાઈ) ગાંધી ઘણી બધી જડીબુટ્ટીઓ મુંબઈથી મંગાવતા હતા.

તેઓ આ દુકાનમાં કરીયાણું, મરી-મસાલા અને ડ્રાયફ્રૂટ્સ પણ વેચતા હતા. ત્યારે તો આ વિસ્તારમાં અનાજ-કરીયાણાની 7થી 8 પેઢી હતી. જોકે, તેમાંથી 5થી 6 પેઢીઓએ આજે પણ તેમનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. જ્યારે બીજી પેઢીઓનું અસ્તિત્વ મટી ગયું છે. કચરા ગાંધી પેઢી આજે પણ દેશી જડીબુટ્ટીઓ સુરતીઓનો પુરી પાડી રહી છે. પહેલાં આ પેઢીનું નામ પરસોત્તમ ખુશાલદાસ ગાંધી હતું જે પછી થી બદલીને અંબિકા કરીયાણા સ્ટોર્સ કરવામાં આવ્યું હતું. જોકે, 91 વર્ષની આ પેઢીનું અસ્તિત્વ હજી વર્ષો વર્ષ રહેશે કે નહીં તેની સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે તો શા માટે? આ પેઢી દ્વારા સુવાવડી મહિલાઓ માટે કઈ-કઈ આરોગ્યવર્ધક વસ્તુઓ પુરી પાડવામાં આવે છે? તે આપણે પેઢીનાં વર્તમાન સંચાલકો પાસેથી જાણીએ.

વંશવેલો
ડાહ્યાભાઈ (કચરાભાઈ) પરસોત્તમભાઈ ગાંધી
નાનાભાઈ પરસોત્તમભાઈ ગાંધી
બળવંતભાઈ ડાહ્યાભાઈ ગાંધી
ખુસમનબેન બળવંતભાઈ ગાંધી
મુકેશભાઈ બળવંતભાઈ ગાંધી

ગામડાના લોકો બળદગાડામાં દુકાને સામાન લેવા આવતા: બળવંતભાઈ ગાંધી
ડાહ્યાભાઈના દીકરા બળવંતભાઈ ગાંધીએ જણાવ્યું કે જ્યારે અમારી પેઢીની સ્થાપના થઇ ત્યારે કોટ વિસ્તારના ગ્રાહકો તો દુકાને ખરીદી કરવા આવતા જ હતા પણ સાથે-સાથે પૂણા-કુંભરીયા, ઉધના યાર્ડ, મીઠીખાડી, લીંબાયત, જહાંગીરપુરા, કામરેજ, બારડોલી અને આસપાસના ગામડાના ગ્રાહકો બળદગાડામાં અમારી દુકાને ખરીદી માટે આવતા. બળદગાડું મોટીટોકીઝ પર મુકતા અને ચાલતા-ચાલતા અમારી દુકાને આવતા. મેં ઘરાકી સારી એવી જમાવી હતી. મેં ક્યારેય એક રૂપિયો પણ અનીતિથી કમાવ્યો નથી. સારો ગુણવત્તાવાળો માલ ગ્રાહકોને આપવો તે અમારી પેઢીની નીતિ રહી છે એટલે જ જુના ગ્રાહકો અમને વળગી રહ્યા છે.

હું 35 વર્ષથી દુકાનનું સંચાલન કરવા રોજ ઓટોરિક્ષામાં આવું છું: ખુસમનબેન ગાંધી
બળવંતભાઈના પત્ની ખુસમનબેન છેલ્લાં 35 વર્ષથી દુકાનનું સંચાલન પતિ સાથે કરે છે. તેમણે જણાવ્યું કે, આ વિસ્તારમાં હું એક માત્ર એવી મહિલા છું જે દુકાનમાં રોજ બેસીને પતિ સાથે વ્યાપાર કરું છું. પહેલા હું રોજના 7-8 કલાક દુકાન સાચવતી પણ જ્યારથી મારા પતિ બળવંતભાઈને પગે ચાલવું મુશ્કેલ બન્યું છે ત્યારથી હું હવે દિવસના 4-5 કલાક માટે જ અહીં આવું છું. મારો 35 વર્ષથી એક જ ક્રમ રહ્યો છે નાનપુરાના મારા ઘરથી રિક્ષામાં દુકાન સુધી આવું છું. ગ્રાહકો મને સારી પેઠે ઓળખે છે અને અહીં એકમાત્ર મહિલા તરીકે હું દુકાનમાં બેસતી હોવાથી મારી હિંમતની પ્રસંશા કરે છે. જો હું એકાદ દિવસ પણ દુકાનમાં નહીં દેખાવું તો દુકાનના જુના કસ્ટમર મારા વિશે મારા દીકરાને પૂછતાં હોય છે.

1968 અને 2006ની રેલમાં દુકાન અને ઘરમાં મોટાપાયે નુકસાન થયું હતું: મુકેશ ગાંધી
ત્રીજી પેઢીનાં સંચાલક મુકેશભાઈ ગાંધીએ જણાવ્યું કે 1968માં સુરતમાં ભયંકર રેલ આવી હતી ત્યારે અમે બેગમપુરા કોળી ફળિયામાં રહેતા હતા. દુકાનનો ઘણોખરો સામાન ઘરમાં રહેતો હતો. એ વખતે ઘરમાં 12થી 13 ફૂટ પાણી ભરાતા મરી-મસાલા, મોંઘી જડીબુટ્ટીઓને નુકસાન થયું હતું. એ રેલમાંથી અમે ઘણી મુશ્કેલી બાદ ઉભા થયા ત્યાં 2006ની રેલે અમને ફરી એક થાપટ મારી. એ રેલના સમયમાં મારા પિતા બળવંતભાઈ એકલા દુકાનમાં હતાં. દુકાનમાં 8થી 10 ફૂટ પાણી ભરાયું હતું. તેમાં ડ્રાયફ્રૂટ્સ કાજુ, બદામ, ખારેક પાણીમાં સડી ગયા હતા. અમને ત્રણ-સાડા ત્રણ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. નવો માલસામાન લાવી ફરી ધંધો બેઠો કરવામાં અમને સમય લાગ્યો હતો.

સ્થાપક ડાહ્યાભાઈ (કચરાભાઈ) પહેલા એક દુકાનમાં નોકરી કરતા હતા
આ પેઢીની સ્થાપના ડાહ્યાભાઈ ગાંધીએ 1932માં કરી હતી. તેઓ પહેલાં ભાગળ પરની ચુની ઉત્તમ પેઢીમાં નોકરી કરતા હતા. અહીં 6 મહિના નોકરી કર્યા બાદ તેમણે એ પેઢીનાં માલિક સમક્ષ ઝાંપા બજાર દાણાપીઠ વિસ્તારમાં પોતાની દુકાન શરૂ કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેમાં શેઠે તેમને ખાસ્સો સપોર્ટ કર્યો હતો. ચુની ઉત્તમ પેઢીમાંથી થોડોક સામાન મેળવી ભાડાની દુકાનમાં કરીયાણા, જડીબુટ્ટી અને ડ્રાયફ્રૂટ તથા મરી મસાલાનો વ્યાપાર શરૂ કર્યો હતો. ગ્રહકોએ જ તેમને કચરા ગાંધી ઉપનામ આપ્યું હતું.

શિયાળામાં ડ્રાયફ્રૂટ્સનું વેચાણ બે ગણું વધી જાય છે
બળવંતભાઈએ જણાવ્યું કે, અમારે ત્યાં કાજુ, બદામ, અખરોટ, અંજીર, આલુ, કોપરા, ખારેક, લાલ દરાખ લેવા રોજ નવા નવા કસ્ટમર આવતા હોય છે. શિયાળામાં ડ્રાયફ્રૂટ્સનું વેચાણ બે ગણું વધી જાય છે. મરાઠી સમાજના લોકોમાં મેરેજમાં પીઠી ચોળવાનો રિવાજ વધારે છે એટલે વૈશાખ મહિનામાં એક જ મહિનામાં 100 કિલો હળદર વેચાય જાય છે. રમજાનમાં મુસ્લિમ ગ્રાહકોની ખરીદારી માટે લાંબી લાઇન લાગતી હોય છે ત્યારે અમે મધરાત સુધી દુકાન ચાલુ રાખીએ છીએ.

ગ્રાહકોની ડીમાંડ પર 50 વર્ષથી પૂજાપાનો સામાન વેચીએ છીએ
મુકેશભાઈએ જણાવ્યું કે, અમારી દુકાન પર આવતા ગ્રાહકો તમામ ધાર્મિક અને સામાજિક પ્રસંગો માટે પૂજાની સામગ્રીની માંગ કરતા હતા. ગ્રાહકોની માંગ પુરી કરવા માટે અમે 50 વર્ષથી પૂજાપાનો સામાન વેચીએ છીએ. ગણપતિ ઉત્સવ, શ્રાવણમાં ધાર્મિક કથા, સત્યનારાયણની પૂજા, ગણપતિ ચોથ, વૈશાખ મહિનામાં લગ્ન પ્રસંગમાં ગ્રહ સાતક માટેની પૂજાની સામગ્રીમાં અબીલ, ગુલાલ, સિંદૂર, કપૂર, શ્રીફળ, અગરબત્તી વેચીએ છીએ.

જૂની દુકાનનું 2014માં smc દ્વારા ડીમોલિશન થયું હતું
બળવંતભાઈએ જણાવ્યું કે મારા પિતાજી ડાહ્યાભાઈએ ઝાંપા બજાર દાણાપીઠમાં ભાડાની દુકાનમાં ધંધો શરૂ કર્યો હતો. પણ તે કોર્નરપરની દુકાન હતી. 2014માં રસ્તો પહોળો કરવા માટે smcએ તે દુકાનનું ડીમોલિશન કર્યું હતું. પછી અમે ઝાંપાબજાર મેઈન રોડ વિસ્તારમાં દુકાન ભાડેથી લઈ ધંધો ચાલુ રાખ્યો.

આ છેલ્લી પેઢી
મુકેશભાઈએ જણાવ્યું કે મારો દીકરો રિતેશ કોમ્પ્યુટર એન્જીનીયર છે. તે એન્ડ્રોઇ ડેવલપર તરીકે જોબ કરે છે. તેને આ ધંધામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એટલે તે ધંધામાં નહીં આવે. આવા સંજોગોમાં મારા બાદ આ પેઢીનું અસ્તિત્વ નહીં રહે.
લોહી બનાવવામાં ઉપયોગી ગોરંબી મહારાષ્ટ્રમાંથી આવે છે
ગોરંબી ને દૂધમાં વાટીને અપાય છે. તે સુરતમાં બે કે ત્રણ દુકાનમાં જ મળે છે. અમે તે મહારાષ્ટ્રના નંદુરબારના ઉપર સાઈડના ગામોથી મંગાવીએ છીએ. અમારે ત્યાં કથાનો, ગણપતિ સ્થાપનાનો, લગ્નસરામાં સાતકનો સામાન લેવા ગ્રાહકોનો ઘસારો હોય છે.

જડીબુટ્ટીઓ માટે ઉધના, કતારગામ અને અન્ય સ્થળોથી ગ્રાહકો આવે છે
મુકેશભાઈએ જણાવ્યું કે હવે ઘણા લોકો દેશી ઉપચાર પદ્ધતિ તરફ વળવા લાગ્યા છે. જેમને જડીબુટ્ટીઓ પર વિશ્વાસ છે તે લોકો અમારે ત્યાંથી શક્તિવર્ધક જડીબુટ્ટીઓ પણ લઈ જાય છે. મારા દાદા ડાહ્યાભાઈ મુંબઈથી વિવિધ જડીબુટ્ટીઓ મંગાવતા જેને અહીં સુધી આવતા 10-15 દિવસ લાગતા. હવે સુરતમાંથી જ જડીબુટ્ટીઓ મળી રહે છે. જેમાં સફેદ મ્યુસ્લી શક્તિવર્ધક છે, રેવચીનો શીરો શરદી, ખાંસીમાં રાહત આપે છે તેના સહિતની 20-23 પ્રકારની જડીબુટ્ટી ખરીદવા ઉધના, કતારગામ, અડાજણ અને સેન્ટ્રલ ઝોન વિસ્તાર તથા અન્ય વિસ્તારના લોકો આવે છે.

સુવાવડીનો સામાન લેવા લીંબાયત, પાંડેસરાથી ગ્રાહકો આવે છે
મુકેશભાઈએ જણાવ્યું કે, જે મહિલાની પ્રસુતિ થઈ હોય તેને શક્તિવર્ધક વસ્તુઓ ખવડાવવામાં આવે છે. સુવાવડી મહિલાઓ માટેની આવી વસ્તુઓ અમે દુકાનમાં રાખીએ છીએ તે ઘણા ગ્રાહકો જાણે છે એટલે તે લેવા ઉધના, પાંડેસરા, લીંબાયત, મીઠીખાડી, ડીંડોલી, ઝાંપાબજાર, કોટ વિસ્તારના ગ્રાહકો આવે છે. સફેદ મ્યુસ્લી, કોપરું અને સૂકી આખી હળદર, મગજતરી સહિતની 17થી 20 વસ્તુઓ સુવાવડી મહિલાઓને અપાતી હોય છે.

Most Popular

To Top