પીળી અને ચળકતી ધાતુ એટલે સોનુ. અને સોનાના આભૂષણો દરેક સ્ત્રીની ચાહત રહી છે. દરેક સ્ત્રી હમેશા સુંદર દેખાવા માંગતી હોય છે અને તેના માટે તે હરસંભવ કોશિશ કરતી હોય છે. ઘરેણાં આ જ કોશીશનો એક ભાગ છે. આજની નારી સગાઈ-લગ્નના અવસર પર ભારે ભરખમ અને પરંપરાગત જવેલરી પહેરવાનું પસંદ કરતી હોય છે. જોકે, સોના-ચાંદીના ઘરેણાં માત્ર પહેરવા માટે જ ખરીદવામાં આવે છે એવું નથી, પણ તે ઇન્વેસ્ટમેન્ટના દ્રષ્ટિકોણથી પણ ખરીદવામાં આવે છે. લોકોને આર્થિક સંકટના સમયમાંથી સોનુ ઉગારે છે. સોનુ વેચીને દેવાનો બોજો હળવો કરી શકાય છે. સુરતીઓના આભૂષણોના શોખને પોષવા માટે વર્ષો પહેલા ચૌટાપુલ મેઈન રોડ પર ચોકસી જી.એન.બ્રધર્સ નામની પેઢી શરૂ કરવામાં આવી હતી. 87 વર્ષથી સુરતીઓને આ શો-રૂમના સોના-ચાંદીના આભૂષણોની પારદર્શિતા કેમ સ્પર્શી ગઈ છે ? તે આપણે આ શો-રૂમના ત્રીજા અને ચોથી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ.
સુરતમાં 87 વર્ષ જૂની ચોક્સી GN બ્રધર્સમાં એક જમાનામાં નગરશેઠ ઘોડાગાડીમાં આભૂષણ ખરીદવા આવતા
પહેલાના સમયમાં એક તોલુ સોનુ 11.664 ગ્રામ હતું: જયેશભાઈ શાહ
આ દુકાનના ત્રીજી પેઢીનાં સંચાલક જયેશભાઇ ઇશ્વરલાલ શાહે જણાવ્યું કે પહેલાના સમયમાં એક તોલુ સોનુ એટલે 11.664 ગ્રામ ગણાતું. જ્યારે હવે 10 ગ્રામ સોનાને એક તોલુ ગણવામાં આવે છે. 1935માં જ્યારે આ દુકાનની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે સોનાનો ભાવ 30 રૂપિયા 81 પૈસા હતો. એ સમયે સામાન્ય વર્ગની મહિલાઓ મોતીના સેટ પહેરતી. આર્થિક રીતે ઉચ્ચવર્ગના લોકો, નગરશેઠ ઘોડાગાડીમાં સોનાના આભૂષણો ખરીદવા આવતા. જુના જમાનામાં એક બીસ્કીટ 10 તોલાની 116.640 ગ્રામની રહેતી. જ્યારે અત્યારે એક બીસ્કીટ 10 તોલાની એટલે 100 ગ્રામની છે. સોનાની બીસ્કીટ ઇન્વેસ્ટમેન્ટના પર્પઝથી અને મેરેજના પર્પઝથી ખરીદવામાં આવે છે. બીસ્કીટમાંથી સોનાના દાગીના બનાવી શકાય છે. જોકે, સોનાના બીસ્કીટ કરતા મેરેજના પર્પઝથી ઘરેણાં વધારે ખરીદાય છે.
કોરોનાના કારણે ધંધો પૂર્વવત થતા 6થી 8 મહિના લાગ્યા હતા: હેમંતભાઈ શાહ
આ દુકાનના ત્રીજી પેઢીનાં સંચાલક હેમંતભાઈ ઇશ્વરલાલ શાહે જણાવ્યું હતું કે કોરોના લોકડાઉનને કારણે દુકાન 45 દિવસ બંધ રહેતા અમને ખાસ્સો આર્થિક ફટકો પડ્યો હતો. કોરોના લોકડાઉન બાદ પણ લગ્ન સમારોહ મોટાપાયે આયોજિત નહીં કરી શકાતા હતા અને વાર-તહેવાર પર પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું હોવાથી લગભગ 6થી 8 મહિનાનો સમય ધંધો પૂર્વવત થતા લાગ્યો હતો. એને કારણે પણ આર્થિક ફટકો પડયો હતો. 2006માં સુરતમાં ભંયકર પુર આવ્યું હતું. અમારી દુકાનમાં ઍકથી દોઢ ફૂટ જ પાણી ભરાયું હતું જોકે, પુરને કારણે દુકાન દસેક દિવસ બંધ રાખવી પડી હતી એને કારણે પણ આર્થિક ફટકો પડયો હતો. એ પહેલા 1993-94માં સુરતમાં આવેલા પ્લેગમાં પણ દુકાન એક મહિનો બંધ રહી હતી.
દિવાળી, લગ્ન સિઝન, પુષ્ય નક્ષત્ર, ધનતેરસમાં ગ્રાહકોની રહે છે ભીડ: ફેનીલ શાહ
આ શો-રૂમના ચોથી પેઢીનાં સંચાલક ફેનીલ જયેશભાઇ શાહે જણાવ્યું કે, રક્ષાબંધનથી તહેવારોની શરૂઆત થાય. રક્ષાબંધન પર ચાંદીની રાખડી ખરીદવા બહેનોની ભીડ રહેતી હોય છે. પુષ્ય નક્ષત્ર ઉપરાંત ધનતેરસ પર લોકો સોનું ખરીદવાનું સારું મુહરત માનતા હોવાથી આ સમયે અને દિવાળી તથા લગ્ન સિઝનમાં લોકો મોટી સંખ્યામાં આભૂષણો ખરીદવા ઉમટી પડે છે. સારા પ્રસંગોમાં અને લગ્ન સંમારોહમાં ભેટ આપવા માટે ચાંદીના સિક્કા, ચાંદીની લગડી અને સોના-ચાંદીના ઘરેણાં ખરીદતા હોય છે. સીના-ચાંદીએ હમેશા રિટર્ન આપ્યું છે. તે ખરીદીને રાખેલું હોય ત્યારે ખરાબ સંજોગોમાં તે કામમાં આવે છે. અમારે ત્યાં 40-50 વર્ષ પહેલાના બિલો લઈને પણ ગ્રાહક આવે છે અને કહે છે કે અમને સોનાનું વળતર મળ્યું છે. અમારા ત્યાં આવતા ગ્રાહકો કહેતા હોય છે કે અમને તમારા ઘરેણાની ગુણવત્તાની પારદર્શિતા પર પૂરેપૂરો વિશ્વાસ છે. અમે ઘરેણાં ખરીદવાની સાથે વિશ્વાસ પણ દુકાનમાંથી લઈ જઈએ છીએ.
આ પેઢીનાં સ્થાપક રાજસ્થાનથી આવ્યા હતાં
ચોકસી જી.એન.બ્રધર્સની સ્થાપના ત્રણ ભાઈ નગીનદાસ, ગુલાબચંદ અને વાડીલાલ વીરચંદ શાહે કરી હતી. આ ત્રણે ભાઈઓ તેમના પિતા વીરચંદ મોતીચંદ શાહ સાથે 150 વર્ષ પહેલાં રાજસ્થાનના સિરોહી જિલ્લાના નાદિયા ગામથી આવ્યા હતા. તેઓ પલસાણા પાસેના મલેકપોર ગામમાં આવ્યા બાદ કરિયાણાનો વેપાર કરતા હતા. મલેકપોરથી તેઓ નવસારી શિફ્ટ થયા હતા. ત્યાં ત્રણે ભાઈ અને તેમના બનેવી પાનાચંદ ચોકસી સાથે મળીને ઝવેરી એન્ડ કમ્પની નામની સોના-ચાંદીની દુકાન શરૂ કરી હતી. 1929માં સુરત આવ્યા. અહીં થોડોક સમય કાપડનો ધંધો અને લેણ-દેણનો ધંધો શરૂ કર્યો હતો. 1935માં જી. પાનાચંદ નામની સોના-ચાંદીના લે-વેચની દુકાન શરૂ કરી હતી. 1945માં બનેવી પાનાચંદ ચોકસી છુટા પડયા અને ત્રણે ભાઈઓએ પેઢીને નવું નામ ચોકસી જી.એન.બ્રધર્સ આપ્યું.
રીનોવેશન બાદ દુકાનનું ઓપનિંગ B.A.P.S. ના પ્રમુખ સ્વામી મહારાજે કર્યું હતું
જયેશભાઇ શાહે જણાવ્યું કે, 1984માં દુકાન રીનોવટ કરી હતી ત્યારે દુકાનનું ઓપનિંગ B.A.P.S.ના ધર્મગુરુ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું હતું. 1984માં જ જગદગુરુ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજ શૉ-રૂમમાં પધાર્યા હતા. 1994માં ડીમોલિશન બાદ દુકાનનું રીનોવેશન કરાયું ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના હાલના વડા પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજે ઓપનિંગ કર્યું હતું.
નવસારી, ભરૂચ, અંકલેશ્વરના ગ્રાહકો છે
ફેનીલ શાહે જણાવ્યું કે, અમારા આ જવેલરીના શો- રૂમમાંથી ઓલપાડ, ચોર્યાસી, કામરેજ, આખો કાંઠા વિસ્તાર, નવસારી, ભરૂચ, કોસંબા, અંકલેશ્વર, કિમ, સચિન, બારડોલીના દૂર-દૂરથી ગ્રાહકો લગ્નસરા અને અન્ય પ્રસંગોમાં ખરીદી કરવા આવે છે.
યાદગાર પ્રસંગ
વર્ષો પહેલા એક પુષ્ય નક્ષત્રનું મુહર્ત એવું હતું કે તે દિવસે લોકોની દુકાનમાં આભૂષણો ખરીદવા માટે એટલી ભીડ હતી કે આખી રાત દુકાન ચાલુ રાખી હતી. સવાર સુધી ઘરેણાં ખરીદવા લોકો લાઈનમાં ઉભા રહ્યાં હતાં કારણકે, તે મુહર્ત એવું હતું કે જે ઘણા વર્ષો બાદ આવ્યું હતું.
હવે એન્ટિક રજવાડી, ફ્યુઝન, ઇટાલિયન જવેલરી ટ્રેન્ડમાં છે
બદલાતા સમયની સાથે લોકોની જવેલરીની ચોઇસ પણ બદલાઈ છે તેવું જણાવતા હેમંતભાઈ શાહે જણાવ્યું કે હવે એન્ટિક, રજવાડી કલેક્શન, મોતી, પોલકી હાર, કલક્ત્તી હાર, કડા, મીનાકારી કલેક્શન, રિયલ ડાયમંડના ઘરેણાં, ફ્યુઝન જવેલરી, ઇટાલિયન, ટર્કીશ જવેલરી, ઇન્ડો-વેસ્ટર્ન જવેલરી લોકોની પસંદ છે. પહેલા ઘરેણાં બનાવવામાં હેન્ડવર્ક ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થતા જ્યારે હવે મશીન વર્ક વધારે થયું છે.
N.R.I. પણ લઈ જાય છે ઘરેણાં
નવેમ્બરથી માર્ચ સુધીમાં લગ્ન સિઝન દરમિયાન U.S.A., U.K., ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, ફ્રાંસથી આવતાં N.R.I. અમારી દુકાનમાંથી ઘરેણાં લઈ જાય છે. વિદેશમાં ટ્રેડિશનલ જવેલરી નથી મળતી હોતી એટલે પણ N.R.I. અહીંથી જવેલરી ખરીદવાનું પસંદ કરતા હોય છે. વિદેશ વસતા અને આ દુકાનના વર્ષો જુના ગ્રાહકોને જવેલરીની ડિઝાઇન વીડિયો કોલિંગથી ઓનલાઇન પણ બતાવવામાં આવે છે.
નગીનદાસ શાહના પુત્ર ઇશ્વરલાલને કસ્ટમર ઇશ્વરકાકાના હુલામણા નામથી ઓળખતા
આ શો-રૂમની સ્થાપના કરનાર નગીનદાસ શાહના પુત્ર ઇશ્વરલાલ ગ્રાહકોમાં ઇશ્વરકાકાના હુલામણા નામથી ઓળખાતા. સુરત જવેલરી એસોસીએશનમાં તેમનું ખૂબ સારું યોગદાન રહ્યું હતું. જોકે, તેઓએ કોઈપણ હોદ્દો લેવાની ના પાડી હતી. તેઓ જૈન જ્ઞાતી માટે સારા કાર્ય કરતા હતા. તેઓએ ધંધાનો વ્યાપ વધારવા માટે તનતોડ મહેનત કરી હતી.