SURAT

123 વર્ષથી સુરતીઓનો એક જ સૂર રામજી દામોદરના ફરસાણ છે લાજવાબ

સુરત તો વર્ષોથી અવનવા બેમિસાલ સ્વાદિષ્ટ પકવાનોની નગરી છે. અન્ય શહેર કે રાજ્યના લોકો સુરતની મુલાકાતે આવે તો અહીંના ઘારી અને સુરતી ભૂસુનો સ્વાદ લીધા વિના જતા નથી સાથે પરિવાર, મિત્રો કે સગા-સંબંધીઓ માટે પણ લેતા જાય છે. એમાં પણ ભાગળ સ્થિત રામજી દામોદર ભજિયાવાળાના ફરસાણનો સ્વાદ તો સુરત ઉપરાંત દેશ-વિદેશમાં વસેલા સુરતીઓના દાઢે વળગ્યો છે. 100 વર્ષ પહેલા સુરતની હદ ચોક્થી રેલવે સ્ટેશન સુધીની હતી. આ હદ વિસ્તારમાં તે વખતે વસેલી સવા લાખની વસ્તીને વિવિધ ફરસણોનો સ્વાદ આપવા 4થી 5 પેઢીઓ હતી. જેમાંથી એક જ પેઢીનું હાલમાં અસ્તિત્વ નથી રહ્યું જ્યારે અન્ય 3થી 4 પેઢીમાં રામજી દામોદર પેઢી આજે પણ પ્રતિષ્ઠિત પેઢી ગણાય છે.

સ્વાદ પ્રેમીઓને તાજા અને ગુણવતાયુક્ત ટેસ્ટી ફરસાણ આપવાના સિદ્ધાંતને વળગી રહેવાને કારણે આ પેઢી આજે પણ ગળાકાપ હરિફાઈના આ જમાનામાં પણ અડીખમ ઉભી છે. ફરસાણની આ દુકાનમાં રોજ સવાર પડતાની સાથે જ અને વાર તહેવારે ખમણ, ભૂસુ સહિતના ક્યા-ક્યા નાસ્તા લેવા લોકોની લાઈનો લાગે છે? કઈ રીતે અહીંના ફરસાણોનો સ્વાદ વિદેશની ધરતી સુધી પહોંચ્યો? તે આ દુકાનના ત્રીજી અને ચોથી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ…..
વંશવેલો – રામજીભાઈ દામોદરદાસ ઠક્કર, પ્રભુદાસ પોપટલાલ ઠક્કર, દિપકભાઈ પ્રભુદાસ ઠક્કર, યોગેશભાઈ પ્રભુદાસ ઠક્કર, ધર્મેન્દ્રભાઈ પ્રભુદાસ ઠક્કર, બ્રિજેશભાઈ પ્રભુદાસ ઠક્કર, નિતલ યોગેશભાઈ ઠક્કર, સાગર યોગેશભાઈ ઠક્કર, અભી દીપકભાઈ ઠક્કર, જય ધર્મેન્દ્રભાઇ ઠક્કર

શાકભાજી વેચ્યા બાદ ફરસાણના પડીકા બાંધીને લઈ જતા: દિપક ઠક્કર
આ દુકાનના ત્રીજી પેઢીનાં સંચાલક દીપકભાઈ પ્રભુદાસ ઠક્કરે જણાવ્યું કે, એ જમાનામાં સુરતની આસપાસના ગામો જેમકે, કામરેજ, બારડોલી, ઓલપાડ, પૂણા-કુંભરીયા વગેરે ગામોના લોકો ભાગળ શાક માર્કસ્ટમાં વહેલી સવારે શાકભાજી વેચવા આવતા. તેઓ માર્કેટમાંથી પાછા ફરતી વખતે અમારી દુકાને આવી ફરસાણ ભૂસુના પડીકા બંધાવી લઈ જતા. અત્યારે પણ મિક્સ ચવાણું, પાપડી, ગાંઠીયા, પાત્રા, તીખા ચેવડા, કચોરી, પેટીસ લેવા છેક કોસંબા, વલસાડ, ભરૂચથી પણ લોકો આવે છે.

70 વર્ષના કાકા રોજ કાગડાને માટે 500 ગ્રામ ગાંઠિયા લઈ જતા: ધર્મેન્દ્રભાઈ ઠક્કર
આ પેઢીનાં સંચાલક ધર્મેન્દ્રભાઈ પ્રભુદાસ ઠક્કરે જણાવ્યું કે, પહેલાં અંબાજી રોડ પર રહેતા એક 70 વર્ષના કાકા રોજ ભાગળ 500 ગ્રામ ગાંઠીયા લેવા આવતા. આ ગાંઠીયા કાગડાને ખવડાવવાનો તેમનો ક્રમ હતો. કોઇ કારણસર તેમણે અમારી દુકાનમાંથી ગાંઠીયા લેવાનું બંધ કર્યું અને બીજે કશેકથી ગાંઠીયા લઈને કાગડાઓને ખવડાવવા લાગ્યા પણ તે ગાંઠીયાને સુંધીને વગર ખાધે કાગડા ઉડી જતા. તે કાકાએ અમારી પાસે ફરી આવી આખી વાત જણાવી અને કહ્યું અમારે ત્યાંના ગાંઠીયાનો ટેસ્ટ પક્ષીઓને પણ ભાવે છે અને ફરી અમારી દુકાનના ગાંઠીયા લેવાનું શરૂ કર્યું.

સાડીના પાલવમાં કે સદરામાં બાંધીને ભૂસુ, ચેવડો લઈ જતા: યોગેશભાઈ ઠક્કર
યોગેશભાઈ પ્રભુદાસ ઠક્કરે જણાવ્યું કે, પહેલાંના સમયમાં પેકિંગ કરવા માટેના સાધનો જેમકે, બોક્સ, પ્લાસ્ટિકની બેગ નહીં હતી ત્યારે ભૂસુ, ચેવડા લેવા આવતા લોકો પોતાના સદરા કે સાડીનો પાલવમાં બાંધીને લઈ જતા. પછી વાંસની ટોપલી, ન્યૂઝ પેપરની પસ્તી, પૂંઠાના બોક્સમાં ફરસાણ આપવાનું શરૂ થયું. એ વખતે વાંસની ટોપલી નવસારી બજારમાંથી મંગાવવામાં આવતી. પછી પ્લાસ્ટિકની બેગનો જમાનો આવ્યો એટલે તેમાં ફરસાણ અપાતા થયા. અત્યારે એર ટાઈટ પેકિંગ થતું હોય છે. જેથી ફરસાણ હવાઈ નથી જતા.

સિંગાપોર, તાન્ઝાનિયા, સ્પેન, પનામામાં ફરસાણ જાય છે: બ્રિજેશ ઠક્કર
સંચાલક બ્રિજેશભાઈ ઠક્કરે જણાવ્યું કે, અમારા જુના ગ્રાહકોને આ પેઢીનાં નમકીનનો ટેસ્ટ લાજવાબ લાગતો. એમાંના કેટલાય ગ્રાહકો અલગ-અલગ કન્ટ્રીમાં જઈને વસ્યા છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, કેન્યા, ટાન્ઝાનિયા, સ્પેન, દુબઈ, પનામા વગેરે દેશોમાં વસેલા સુરતીઓ જ્યારે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીમાં સુરત આવે ત્યારે અમારા ત્યાંથી ભૂસુ સહિતના સૂકા ફરસાણ નાસ્તા રિટર્ન થતી વખતે સાથે લઈ જાય છે. અમે દુબઇમાં સૌ પ્રથમ એક્સપોર્ટ કરવાનું શરૂ કર્યું.

સુરતીઓને સારું ખવડાવવાની ભાવના રાખતા
આ પેઢીની સ્થાપના 1900માં રામજીભાઈ દામોદરદાસ ઠક્કરે કરી હતી. તેઓ ટેસ્ટના જાણકાર હતા. જાતે ફરસાણ બનાવતા અને સુરતીઓને સારું ખવડાવવાની ભાવના રાખતા. તેઓ સુરતી ભૂસુ, પાપડી-ગાંઠીયા, મેથીના ભજીયા, કચોરી, ખમણ વેચતા. એ વખતે ફરસાણ તલના તેલમાં બનાવવામાં આવતા કેમકે, ત્યારે સિંગતેલનું ચલણ નહીં હતું. ફરસાણ માટેનો કાચો માલ સુરતમાંથી જ મળી રહેતો. મજૂરો કાચો માલ માથે ઉંચકીને કે પછી સાયકલ પર લાવતાં.

સાળા પ્રભુદાસે ધંધાની બાગડોર હાથમાં લીધી
પેઢીનાં સ્થાપક રામજીભાઈ ઠક્કરની ઈચ્છા હતી કે તેમના નિધન બાદ પણ પેઢીનું નામ જળવાઈ રહે. પણ તેઓ નિઃસંતાન હતા તેઓનું નિધન થયા બાદ તેમના બીજા કોઈ સંબંધીઓ ધંધો સંભાળવા તૈયાર નહીં હતા. આ પેઢીનું અસ્તિત્વ જાળવી રાખવા તેમના સાળા પ્રભુદાસ ઠક્કર આગળ આવ્યા હતા. તેમણે ધંધાનો વિસ્તાર કરવા નવા 8-10 ફરસાણ વેચવાનું શરૂ કર્યું હતું તેમાં મક્કાઈ ચેવડો, સેવ દાળ, શકકરપારા, પેટીસ, વિવિધ ચેવડા, વિવિધ ભજીયા શામેલ કર્યા હતા.

ચોમાસામાં કેળા-મેથીના ભજીયા, મરી-મસાલાવાળા ખાજાનો ઉપાડ વધે છે
યોગેશભાઈએ જણાવ્યું કે અત્યારે ચોમાસુ શરૂ થઈ ગયું છે. એવામાં લોકોને ભજિયા અને ખાજાનો ટેસ્ટ જોઈએ. અમારે ત્યાં અત્યારે કેળા-મેથીના ભજીયા સહિત વિવિધ પ્રકારના ભજીયા અને મરી-મસાલાવાળા ખાજા પોપ્યુલર થઇ રહ્યા છે. ચંદની પડવા પર 10 દિવસ પહેલા લોકલ ગ્રાહકો સુરતી ભૂસુ ખરીદવાનું પસંદ કરે છે તો N.R.I. 20 દિવસ પહેલા ભૂસુ મંગાવે છે. ચંદની પડવામાં પેટીસ માટે પણ ગ્રાહકોનો ઘસારો રહે છે.

દિવાળીમાં શક્કરપારા, ફુદીના, પાયનેપલના ચેવડાની ડીમાંડ રહે છે
ધર્મેન્દ્રભાઈએ જણાવ્યું કે, દિવાળીના તહેવારમાં મઠીયા, વિવિધ પ્રકારની પૂરી, મઠરી, ફુદીના-પાઈનેપલનો ચેવડો, શક્કરપારાની ડીમાંડ રહે છે. પોંકની સિઝનમાં લીંબુ મરી, લાલ મરચાની સેવ, દશેરામાં ફાફડા-જલેબી અને હોળીમાં તીખા ચવાણા, ધાણી-પાપડ મિક્સ, તીખી બુંદી લેવા દૂર-દૂરથી ગ્રાહકો આવે છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ. કાશીરામ રાણાને ત્યાં ફરસાણ જતા
બ્રિજેશભાઈએ જણાવ્યું કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ. કાશીરામ રાણા, પૂર્વ મેયર સ્વ. અજિતભાઈ દેસાઈ, હાલના કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, રાજ્યના મંત્રી હર્ષ સંઘવી, ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓએ અમારા ફરસાણના ટેસ્ટ કરેલા છે. કેટરિંગવાળા પણ અમારે ત્યાંથી ફરસાણ લઈ જતા હોય છે.

અમેરિકાના ઈંગ્લીશ પોપટને પણ ભૂસુ ભાવે છે
દીપકભાઈએ જણાવ્યું કે તેમના એક ફ્રેન્ડના સાઢું ભાઈ અમેરિકા રહે છે. તેમના ઘરે ઈંગ્લીશ પોપટને અમારી દુકાનમાંથી મંગાવેલું ભૂસુ ભાવતું. એક વખત કોઈ કારણસર તેઓ અમારી પાસેથી ભૂસુ નહીં મંગાવી શક્યા તો બીજા ચવાણા-ભૂસુ આ પોપટ ખાતો જ નહીં હતો. ફરી રામજી દામોદરનું ભૂસુ મંગાવી તેને ખાવા આપ્યું તો પોપટે તે ખાધું તેની સામેં અલગ-અલગ કમ્પનીના ફરસાણના પેકેટ મુકવામાં આવ્યા તો પોપટે અમારા પેકેટને ચાંચ મારી હતી.

Most Popular

To Top