SURAT

122 વર્ષથી મુસ્લિમ-પારસી ટોપી-લૂંગી માટે વિશ્વાસનું સ્થળ એટલે PL ટોપીવાલા (કેપ-અ-પાઈ) પેઢી

ખૂબ ઓછા સુરતીઓને ખબર હશે કે પુરૂષોનું પહેરવેશ ગણાતી લૂંગી 122 વર્ષ પહેલાં સુરતમાં રંગૂનથી પણ આવતી હતી. આજે ટ્રેક પેન્ટ, બરમુડા, કેપ્રી ના આ જમાનામાં લૂંગીનું પ્રચલન ઘટી ગયું છે. એક જમાનો એવો પણ હતો કે જ્યારે પુરુષોમાં લૂંગીનું ચલણ હતું જે પછી ઘટ્યું પણ શાહરુખ ખાનના લૂંગી ડાન્સ ગીતને કારણે તેનું ચલણ ફરી વધી ગયું હતું. હવે ફરી લૂંગી પહેરનારો વર્ગ સુરતમાં ઓછો છે પણ આ વર્ગને સહેલાઇથી આ પોશાક મળી રહે તે માટે ભાગાતળાવ વિસ્તારમાં 122 વર્ષથી પી.એલ. ટોપીવાલા (કેપ-અ-પાઈ) પેઢી અસ્તિત્વમાં છે.

1900માં જ્યારે આ પેઢી સ્થપાઈ ત્યારથી માંડીને અત્યાર સુધી લૂંગી, મુસ્લિમ ટોપી અને પારસી ટોપી આ પરંપરાગત પોશાકનું ચલણ ઘટવા છતાં તેને સાહેલાઈથી ઉપલબ્ધ કરાવવામાં આ પેઢીનો મહત્વનો ફાળો રહ્યો છે. નવા જમાના ટ્રેન્ડ મુજબના કપડાંની સાથે ધીરે-ધીરે વિસારે પડી રહેલાં પોશાક રિઝનેબલ ભાવે ઉપલબ્ધ કરાવનાર આ પેઢી પર 122 વર્ષે પણ સુરતીઓનો વિશ્વાસ કેમ અકબંધ રહ્યો છે તે આપણે આ દુકાનના ત્રીજી અને ચોથી પેઢીના સંચાલકો પાસે થી જાણીએ.

ભારતમાં પારસી ટોપી માત્ર આ જ પેઢી બનાવે છે: પીનાકીન ટોપીવાલા
આ દુકાનના ત્રીજી પેઢીનાં સંચાલક પીનાકીનભાઈ ટોપીવાલાએ જણાવ્યું કે, હું જાતે જ પારસી ટોપી બનાવું છું. આખા ભારતમાં માત્ર અમારી પેઢી જ પારસી ટોપી બનાવે છે. તેને બનાવતાં ત્રણ કલાક જેટલો સમય નીકળી જાય છે. જોકે બાય ઓર્ડર માત્ર એક કલાકમાં હું પારસી ટોપી બનાવી આપું છું તે સિલાઇ મશીન પર તૈયાર કરાય છે. જોકે, હવે આ ટોપીનું ચલણ ઘટ્યું છે. હું જિન્ના કેપ પણ જાતે જ બનાવું છું. અઠવાડિયામાં 10થી 12 પારસી ટોપી વેચાઇ છે. જ્યારે મુસ્લિમ ટોપી અઠવાડિયામાં 1-2 વેચાય છે.

2006ના પુરમાં 10 લાખ રૂપિયાના માલને નુકશાન થયું હતું: તેજસ ટોપીવાલા
આ દુકાનની ત્રીજી પેઢીનાં સંચાલક તેજસભાઈ ટોપીવાલાએ જણાવ્યું કે 2006માં સુરતમાં આવેલા ભયંકર પુરને સુરતીઓ ક્યારેય નહીં વિસરી શકે. એ પુરમાં અમારી આ દુકાનમાં ખાસ્સા દિવસ પાણી ભરાયેલું રહ્યું હતું જેને કારણે દુકાનમાં રહેલાં લૂંગીના સ્ટોક, મોજા, ટોપી વગેરે 10 લાખ રૂપિયાના માલને નુકશાન થયું હતું તથા કાઉન્ટર ઊંધા થઈ ગયા હતાં.પાણી ઓસર્યા બાદ ત્રણ દિવસ સુધી દુકાનમાં કીચડ રહ્યું હતું જ્યારે રોડ પર 2 ફૂટ જેટલું કીચડ રહ્યું હતું જેને કારણે રોડ પર ચાલી શકાય એવી સ્થિતિ પણ નહીં હતી.

આજે પણ લૂંગી ચેન્નાઇથી મંગાવવામાં આવે છે: જીતેન ટોપીવાલા
આ દુકાનના ચોથી પેઢીનાં સંચાલક જીતેનભાઈ ટોપીવાલાએ જણાવ્યું કે, એક સમયે સુરતમાં ચેન્નાઈ અને રંગૂનથી લૂંગી મંગાવવામાં આવતી હતી. જોકે હવે માત્ર ચેન્નાઇથી લૂંગીનો સ્ટોક મંગાવવામાં આવે છે. મુસ્લિમ ટોપી, પારસી ટોપી બનાવવા માટે વેલવેટ મુંબઈના નીરજા સ્ટ્રીટમાંથી લાવવામાં આવતું. જોકે હવે અફઘાન અને રામપુરી ટોપી ચલણમાં નથી. આ બંને ટોપી બનાવનાર કારીગર કોઈ છે જ નહીં. જ્યારે અઠવાડિયામાં દસથી 12 પારસી ટોપી વેચાય છે જ્યારે મુસ્લિમ ટોપી અઠવાડિયામાં એકાદ વેચાય છે.

મામા હરગોવનદાસ ટોપીવાલાએ દુકાન અને શાંતિલાલને સંભાળ્યા
પરભુદાસ ટોપીવાલાનું નિધન થયું ત્યારે તેમના પુત્ર શાંતિલાલ ટોપીવાલા માત્ર 7 વર્ષની ઉંમરના હતાં. શાંતિલાલભાઈના મામા હરગોવનદાસ ટોપીવાલા નિઃસંતાન હતાં તેમણે શાંતિલાલને સંભાળવાની સાથે-સાથે દુકાનનું સંચાલન નિઃસ્વાર્થ ભાવે કર્યું હતું. શાંતિલાલ એજ્યુકેશન પૂર્ણ કર્યા બાદ લગભગ 20-21 વર્ષે આ પેઢીમાં બેસવા લાગ્યાં હતાં.

એમ્બેસેડર કાર લેવાં જતી વેળા પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. ઇન્દિરા ગાંધીને મળ્યા
1970ના સમય ગાળામાં સુરતમાં જૂજ લોકો પાસે કાર હતી. શાંતિલાલ ટોપીવાલાએ એમ્બેસેડર કાર ખરીદવા માટે કોલકત્તા જતી વખતે દિલ્લીમાં રોકાણ કર્યું હતું ત્યારે પૂર્વ પ્રધાન મંત્રી સ્વ. ઇન્દિરા ગાંધીને મળ્યા હતાં. સુરતમાં એમ્બેસેડર કાર ઇઝી અવેલેબલ નહીં હોવાથી કોલકત્તાથી આ કાર ખરીદી હતી. શાંતિલાલ ટોપીવાલાએ ઉધનામાં રાજેન્દ્ર ટેક્સટાઈલના નામે ફેકટરીની સ્થાપના કરી હતી આ કારખાનામાં આર્ટ સિલ્ક સાડીના ગ્રે કાપડનું મેન્યુફેક્ચરીંગ થતું હતું. તેમના સમયમાં 1968માં સુરતમાં આવેલી રેલમાં દુકાનના પગથીયા સુધી પાણી ભરાયેલું હતું. શાંતિલાલ ટોપીવાલા પેઢીમાં 2005 સુધી બેસતા હતાં ત્યારબાદ તેમની તબિયત ઠીક નહીં રહેતી હોવાથી તેમણે દુકાને બેસવાનું બંધ કર્યું હતું તેમનું અવસાન 2012ના વર્ષમાં થયું હતું.

ડિમોલિશનમાં દુકાનની 12 ફૂટ જગ્યા કપાઈ
1994-95માં ચોકથી લઈને ભાગળ રાજમાર્ગ સુધી રસ્તો પહોળો કરવા માટે સુરત મહાનગરપાલિકાના તે વખતના કમિશનર એસ.આર. રાવે દુકાનોનું ડીમોલિશન હાથ ધર્યું હતું. ત્યારે ચોક બજારથી ભાગળ જતા લેફ્ટ સાઈડ પર ની દુકાનોના ભાગોનું ડીમોલિશન કરાયું હતું ત્યારે અમારી દુકાનની 12 ફૂટ જગ્યા કપાતમાં ગઈ હતી. તે ડીમોલિશન કેમ જરૂરી હતું તે સમયે કમિશનર રાવ જાતે દુકાનદારોને સમજાવવા આવ્યા હતા તેમ પીનાકીનભાઈએ જણાવ્યું.

પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. મોરારજી દેસાઈ સાથે નો યાદગાર પ્રસંગ
એક વખત દેશના પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈની સુરત વિઝીટ દરમિયાન તેઓ આ દુકાનની ઉપરની ચાલીના આગળના ભાગમાં લોકોના અભિવાદન ઝીલતા હતાં જે આ પેઢીનો યાદગાર પ્રસંગ છે. તે વખતે દુકાનની નીચે રોડ પર લોકોની ખાસ્સી ભીડ જમા થઈ હતી.

એક સમયે લૂંગીની કિંમત 4 રૂપિયાથી પણ ઓછી હતી
તેજસભાઈ ટોપીવાલાએ જણાવ્યું કે 100 વર્ષ પહેલાં તો ટોપી અને લૂંગી આના ના ભાવે વેચાતી હતી જ્યારે 1950 ના સમયગાળામાં લૂંગી ચાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં વેચાતી. જ્યારે આજના સમયમાં લૂંગી 150 રૂપિયાથી માંડીને એક હજાર રૂપિયાની કિંમતમાં મળે છે. એ સમયમાં ટોપી લગભગ 5 રૂપિયામાં વેચાતી જોકે હવે ટોપી 250થી 300 રૂપિયામાં વેચાય છે. પારસી ટોપી ખરીદવા ગ્રાહકો મુંબઈ, ઉદવાડા, ઉંમરગામ, દહાણુ અને નવસારીથી આવે છે. જ્યારે મુસ્લિમ ટોપી ખરીદવા ગ્રાહકો કઠોર, ભરૂચ, તડકેશ્વર, લાજપોર, ઓલપાડ, રાંદેર, માંડવી, કિમ, કોસંબાથી આવે છે.

1900માં આ પેઢીનો પાયો પરભુભાઈ ટોપીવાલાએ નાંખ્યો હતો
122 વર્ષ પહેલાં પરભુભાઈ લલ્લુભાઇ ટોપીવાલાએ પી.એલ. ટોપીવાલા પેઢીનો પાયો નાંખ્યો ત્યારે ચોકથી લઈને ભાગળ સુધી લૂંગી અને મુસ્લિમ ટોપીનું વેચાણ કરતી માત્ર 2 જ દુકાનો હતી. તેમણે ભાગાતળાવ વિસ્તારમાં 15 હજાર વાર જગ્યા 88 હજાર રપિયામાં નુરા ડોસા પાસેથી હરાજીમાં લીધી હોવાનું આ પેઢીનાં વર્તમાન સંચાલક પીનાકીનભાઈ ટોપીવાળાએ જણાવ્યું હતું. કાંઈક નવો ધંધો શરૂ કરવાની ઈચ્છા હોવાથી તેમણે લૂંગી અને મુસ્લિમ કેપ વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. તેમણે ધીરે-ધીરે પારસી કેપ, રામપુરી ટોપી, ગાંધી ટોપી, જીન્ના ટોપી, અફઘાન ટોપી, જાળીવાળી મુસ્લિમ કેપ વેચવાનું શરૂ કર્યું હતું.

Most Popular

To Top