તમે રોજ સવારે જોતા જ હશો કે સવાર થાય એટલે કેટલાય સુરતીઓ શહેરના ગાર્ડનમાં કે શહેરના રોડ સાઈડ વૉકિંગ કે જોગિંગ કર્યા બાદ મિત્ર વર્તુળ સાથે લોચા-ખમણ-ઇડદાનો સ્વાદ લેવા ફરસાણની દુકાનો પર લાઇનમાં ઉભેલા દેખાય છે. આજ બતાવે છે કે સુરતીઓનો ખાવા પ્રત્યેનો પ્રેમ કેટલો છે. લોચા અને ખમણ પ્રત્યેનો સુરતીઓનો સ્વાદ મોહ દેશ-વિદેશ સુધી ખ્યાતિ પામ્યો છે. એટલે જ કહેવાય છે કે સુરતીઓની સવાર જ લોચા-ખમણથી થાય છે. 112 વર્ષ પહેલાંની વાત કરીએ તો શહેરના ઝાંપા બજાર વિસ્તારમાં સવારમાં લોકોને સેવ ખમણ, સેવ ખમણી, ભજીયા ના ચટાકા મળે એટલે મે. લલ્લુભાઇ ભુલાભાઈ ભજીયાવાલા નામની ફરસાણની દુકાનનો પાયો નખાયો. ત્યારે તો ઝાંપા બજાર મેન રોડ વિસ્તારમાં આ એક માત્ર ફરસાણની દુકાન હતી. પણ, વહેતા સમયની સાથે આ વિસ્તારમાં ફરસાણની દુકાનોની સંખ્યા વધતી ગઈ પણ આજે પણ સુરતીઓનો એક જ અવાજ હોય છે. અને તે છે 112 વર્ષે પણ મે. લલ્લુભાઈ ભુલાભાઈ ભજીયાવાલા પેઢીએ અસલ સુરતી ટેસ્ટ જાળવી રાખ્યો છે. આજના પ્રતિસ્પર્ધાના આ યુગમાં પણ આ પેઢીનું અસ્તિત્વ અડીખમ છે તો કેમ તે આપણે આ દુકાનના ચોથી અને પાંચમી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ.
વિદેશથી આવતા વોરા સમાજના લોકો સક્કરપારા, ગોબાપુરી સાથે લઈ જાય છે: ચેતનકુમાર ભજીયાવાલા
આ દુકાનના ચોથી પેઢીનાં સંચાલક ચેતનકુમાર ભજીયાવાલાએ જણાવ્યું કે, નવેમ્બર-ડિસેમ્બર મહિનામા વોરા સમાજના લોકો કુવૈત,સિંગાપુર અને અન્ય દેશોથી આ વિસ્તારમાં આવે ત્યારે તેઓ સેવ ખમણી, પાટુડીનો નાસ્તો સવારે કરવા અમારી દુકાને આવે છે. તેઓ કહેતા હોય છે કે આ દુકાનના ફરસાણનો ટેસ્ટ ખૂબ સારો very nice test છે. તેઓ જ્યારે પોતાના દેશમાં પાછા ફરતા હોય ત્યારે સાથે આ દુકાનમાંથી સક્કરપાર, ગોબાપુરી અને ગોલ્ડન ચેવડો સાથે લઈ જતા હોય છે. ગ્રાહકો કહેતા હોય છે કે અમારી દુકાને ફરસાણનો અસલ સુરતી સ્વાદ જાળવી રાખ્યો છે. સવારે 6 વાગ્યાથી વોરા સમાજના લોકો દુકાને ફરસાણ લેવા આવે છે. USAમાં વસેલા સુરતીઓ જ્યારે સુરત આવે ત્યારે આ દુકાને સેવ ખમણ અને મિક્સ ભજિયાનો નાસ્તો કરવા આવે છે.
રવિવારે જ માત્ર ફાફડા બનાવાય છે અને સિનિયર સિટીઝનનો તેના માટે ધસારો રહે છે: રાજ ભજીયાવાલા
આ દુકાનના પાંચમી પેઢીનાં સંચાલક રાજ ભજીયાવાલાએ જણાવ્યું કે, અમારી દુકાનમાં માત્ર રવિવારે જ ભજીયા બનાવવામાં આવે છે. રવિવારે અમે અન્ય ફરસાણ બનાવવાની ભઠ્ઠી બંધ રાખીએ છીએ અને લોકોને ફાફડાનો ટેસ્ટ મળે તે માટે રવિવારે ફાફડા બનાવીએ છીએ. ફાફડા ખાવા અને લેવા માટે અડાજણ, વેસુ, સીટીલાઈટ, ડુમસથી પણ લોકો આવે છે. સિનિયર સિટીઝનનો ધસારો હોય છે. તેઓ સવારે ફાફડા, સેવ ખમણ અને સેવ ખમણી સ્પેશિયલી ખાવા આવતા હોય છે. આ ઉપરાંત કોટ વિસ્તારના લોકો તો અહીં ફરસાણનો સ્વાદ દુકાણમાં જ બેસીને લેતા હોય છે.
હોળીમાં તીખી સેવ, પાપડી અને દિવાળીમાં ગોલ્ડન ચેવડાની ડીમાંડ હોય છે
ચેતનકુમાર ભજીયાવાલાએ જણાવ્યું કે, હોળીનો તહેવાર આવે એટલે લોકો તીખી સેવ, તીખી પાપડી, તીખી કણીની ડીમાંડ ગ્રાહકો કરે છે. તો, બળેવમાં સાદા ખમણ, ઇડદા, જલેબી, પાટુડીની ડીમાંડ ગ્રાહકો દ્વારા કરાય છે. વળી, દિવાળીમાં સ્પેશિયલ ફરસાણ, મિક્સ ફરસાણ અને ગોલ્ડન ચેવડો તથા પૌઆના ચેવડા માટે ગ્રાહકી હોય છે. લોકો આ માટે ઓર્ડર આપતા હોય છે. રમઝાનમાં પણ પાપડી, ગાંઠિયા અને ઝીણા ગાંઠિયાની ડીમાંડ હોય છે. રમઝાનમાં મુસ્લિમ બિરાદરો સવારે 4 વાગે દુકાને આ વસ્તુઓ લેવા આવી જતા હોય છે.
સેવ ખમણ, પેટીસ લોકો મુંબઈ લઈ જાય છે
રાજ ભજીયાવાલા એ જણાવ્યું કે, મુંબઈથી સુરત ખરીદી કરવા આવતા લોકો સવારની ટ્રેનમાં રિટર્ન થતા હોય ત્યારે સાથે સેવ ખમણ, પેટીસ, ઇડદા અને જલેબી લઈ જતા હોય છે. આ ગ્રાહકોમાં મરાઠી અને ગુજરાતી લોકો હોય છે તેઓ કહેતા હોય છે કે અહીંના સુરત જેવો ટેસ્ટ ત્યાં નથી મળતો. એટલે જ્યારે પણ સુરત આવીએ ત્યારે સુરતનો ટેસ્ટ મુંબઈ લઈ જઈએ છીએ.
ખત્રી સમાજના લોકોની સવાર જ સેવ ખમણ અને ખમણીથી થાય છે: પ્રવીણભાઈ લોચાવાલા
આ દુકાન ખમણનો ટેસ્ટ લેવા આવેલા પ્રવીણભાઈ લોચાવાલાએ જણાવ્યું કે અમારા ખત્રી સમાજના લોકોની સવાર જ સેવ ખમણ અને સેવ ખમણીથી થાય છે. અને ઘરે પણ લઈ જતા હોય છે. વળી, ઇડદાનો સ્વાદ તો આ સમાજના લોકોના જીભે લાગી ગયો છે. વળી કેટલાક લોકો તો સવારે આ વસ્તુઓ ખલાસ નહીં થઈ જાય તે માટે ફોન કરીને ઇડદા, સેવ ખમણ, ખમણીના પડીકા બાંધીને રાખવા માટે પણ કહેતા હોય છે.
દયાળજી આશ્રમમાં રક્તદાન શિવીર વેળા રક્તદાતાઓને પાપડી, જલેબીનો નાસ્તો અપાતો
ચેતનકુમાર ભજીયાવાલાએ જણાવ્યું કે શહેરના પૂર્વ કોર્પોરેટર સ્વ. નરેન્દ્રભાઈ ગાંધી દયાળજી આશ્રમમાં રક્તદાન શિબીરનો કાર્યક્રમ કરતા ત્યારે રક્તદાતાઓને પાપડી, જલેબીનો નાસ્તો આપવા અમારે ત્યાંથી પાપડી, જલેબી લઈ જવામાં આવતી. આ ઉપરાંત હાલના ધારાસભ્ય અરવિંદભાઈ રાણા, રાજ્યના પૂર્વ મંત્રી રહેલા રણજીતભાઈ ગિલીટવાલા, શહેરના પૂર્વ મેયર ફકીરભાઈ ચૌહાણ અમારી દુકાનના ગ્રાહક રહ્યા છે.
2006ની રેલમાં એક લાખ રૂપિયાના માલને નુકસાન થયું હતું
ચેતનકુમાર ભજીયાવાલાએ જણાવ્યું કે 2006ની રેલમાં ઘણા વ્યાપારીઓ રાતા પાણીએ રોયા હતા. અમને પણ ભારે નુકસાન થયું હતું. રેલનું પાણી રાતના ભરાવા લાગ્યું હતું એટલે દુકાન સુધી પહોંચી શક્યા નહીં અને દુકાનમાં રહેલો માલ બચાવી શક્યા નહીં. અમારી દુકાનમાં 8 ફૂટથી વધારે પાણી ભરાયું હતું એટલે કાચો માલ બેસન, મરચા, કાંદા, તેલના ડબ્બાને નુકસાન થયું હતું. લગભગ એક લાખ રૂપિયાના સામાનને નુકસાન થયું હતું. ત્યારબાદ પણ દુકાનમાંથી કાદવ કાઢવા સફાઈ કરાવી પડી હતી. જેમાં 4-5 દિવસ નીકળી ગયા હતા. દુકાન પૂર્વવત ચાલુ થતા 15 દિવસ નીકળી ગયા હતા. તેને કારણે પણ આર્થિક ફટકો પડયો હતો.
ટ્રાવેલ્સવાળા સ્કૂલ ટ્રીપ કે લોકોની વન ડે ટ્રીપ માટે સેવ ખમણ લઈ જાય છે
ચેતનકુમાર ભજીયાવાલાએ જણાવ્યું કે, સ્કૂલો દ્વારા બાળકો માટે વન ડે ટ્રીપ ગોઠવાતી હોય ત્યારે ટ્રાવેલ્સવાળા આ ટ્રીપ માટે સેવ ખમણનો અમને ઓર્ડર આપતા હોય છે. આ ઉપરાંત લોકોની નાની એક દિવસની અમદાવાદ, વડોદરા આજવા-નિમેટાની કે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત પોઇચા સ્વામિનારાયણ મંદિર જવા માટેનો પ્રોગ્રામ હોય ત્યારે સેવ ખમણનો ટ્રાવેલ્સવાળા અમને ઓર્ડર આપતા હોય છે.
કોરોનાકાળમાં 2 મહિના દુકાન બંધ રહી અને બાદમાં પણ કાચો માલ મળવામાં મુશ્કેલી થઈ
રાજ ભજીયાવાલાએ જણાવ્યું કે, કોરોના કાળમાં 45 દિવસ તો લોકડાઉન હતો અને પછી પણ સાફસફાઈને કારણે દુકાન 2 મહિના પછી ચાલુ કરવામાં આવી હતી. દુકાન ચાલુ કરેલી પણ બેસન, તેલ, મેંદો વગેરે માલ જથ્થાબંધ મળવામાં મુશ્કેલી પડી રહી હતી. લોકો ફરસાણ લેવા આવતા ત્યારે પોતાની વ્યથા ઠાલવતા હતા કે, કોરોનાને કારણે તેઓ કપરાકાળનો સામનો કરી રહ્યા છે ધંધા-વ્યાપર બેસી ગયા છે, નોકરી છૂટી ગઈ છે એટલે આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ છે. લોકોની વ્યથા સાંભળી અમારી આંખમાંથી આંસુ આવી જતાં હતાં.
112 વર્ષ પહેલા સવારે 4 વાગે દુકાન ખોલવામાં આવતી
આ પેઢીનો પાયો 1910માં લલ્લુભાઇ ભુલાભાઈ ભજીયાવાલાએ નાખ્યો હતો ત્યારે તેમની ઉંમર 18-20 વર્ષની જ હતી. તેમને વિવિધ પ્રકારના ફરસાણ બનાવવાનો શોખ હતો અને તેઓ લગ્નના જમણવારમાં અને અન્ય પ્રસંગોમાં ફરસાણ બનાવવા જતાં હતાં. લોકોને સવારે જ વિવિધ ફરસાણનો સ્વાદ મળે તે માટે તેઓ સવારના 4 વાગે દુકાન ખોલતા અને જાતે જ ભજીયા, બટાકાપુરી, ઇડદા, મેથીના ભજીયા બનાવીને વેચાણ માટે મુકતા હતા. ઝાંપા બજાર મેઈન રોડ વિસ્તારમાં ફરસાણની આ પહેલી જ દુકાન હતી અન્ય ફરસાણની કોઇ દુકાન નહીં હતી. તે સમયે મિક્સ ફરસાણ, સેવ ખમણ અને સેવ ખમણીનો સ્વાદ લોકોને વધારે પસંદ હતો. ત્યારે સલાબતપુરા, ધામલાવાડ અને બેગમપુરાથી લોકો ફરસાણ લેવા આવતા હતા.
રાજસ્થાની ગ્રાહકો માટે રાજસ્થાની ભેલની શરૂઆત
આ દુકાનની ત્રીજી પેઢીનાં સંચાલક રહેલા જ્યંતીલાલ ભજીયાવાલાએ આ વિસ્તાર ટેક્સટાઇલ માર્કેટથી નજીકનો વિસ્તાર હોવાથી અને રાજસ્થાની ગ્રાહકોને તીખી વસ્તુ ખાવા મળે તે માટે રાજસ્થાની ભેલ બનાવવાની શરૂઆત કરી હતી. આ દુકાનમાં 50 વર્ષથી રાજસ્થાની ભેલનું વેચાણ થાય છે. તેમણે ધંધાનો વિસ્તાર કરી મોટી જલેબી, મીઠી કણી, પાપડી, ગાંઠિયા, ફાફડા, ગોબાપુરીનું વેચાણ શરૂ કર્યું હતું.