SURAT

108 વર્ષથી સુરતીઓની સવાર મધમીઠી બનાવે છે “ખુરશેદ” બેકરીના બિસ્કિટ અને નાનખટાઈ

પારસી પ્રજા સાકરની જેમ સુરતી પ્રજામાં ભળી ગઈ છે એવી જ રીતે 108 વર્ષ પહેલાં નાનપુરામાં સ્થપાયેલી એક પારસી પરિવારની “ખુરશેદ” બેકરીના ફરમાસ, પડવાળી, પાઉં, નાનખટાઈ સુરતીઓની સવારની ચા સાથે શામેલ થયા છે. સુરતીઓની સવાર ચા, બિસ્કિટ અને છાપાની સાથે થાય છે. ચા અને બિસ્કિટની જોડી લોકપ્રિય છે જ. ક્વોલિટી સાથે કોઈ બાંધછોડ નહીં કરવાના સિદ્ધાંત સાથે શરૂ થયેલી ખુરશેદ બેકરીના પેટી પાઉં, પરોઠા પાઉં, કાજુ-દ્રાક્ષ-ખજૂરની ફ્રૂટ કેક માટે તો સવારના લાઇન લાગે છે અને સાંજ થાય તે પહેલાં તો પડવાળીનો સ્ટોક પણ ખલાસ થઈ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ બેકરીની સ્થાપના એક મહિલાએ કરી હતી. દિવાળીનો તહેવાર હોય કે પતેતી કે પછી ક્રિસમસ અહીં નાનખટાઈ, કેક, જામ પફ માટે લોકોની લાઇન લાગે છે. ચાર-ચાર પુરની થાપટ ખાધા બાદ પણ આ બેકરી આજે 108 વર્ષે પણ અડીખમ ઉભી છે. 108 વર્ષમાં સુરતીઓના બદલાતાં ટેસ્ટને પારખીને આ પેઢીએ પણ તેમની બેકરી આઈટમમાં વધારો કર્યો છે. દેશ-વિદેશમાં આ પેઢીનાં બિસ્કિટ લોકપ્રિય બન્યા છે તો ક્યાં કારણોથી તે આપણે આ બેકરીના ત્રીજી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ.

  • વંશવેલો
  • જાલેજર અરદેશર ચીનીવાલા
  • હિલ્લામાઈ અરદેશર ચીનીવાલા
  • ખુરશેદ જાલેજર ચીનીવાલા
  • સાયરશ ખુરશેદ ચીનીવાલા
  • સરોષ ખુરશેદ ચીનીવાલા

બેકરીમાં 8 પેઢીથી છે વર્ષો જૂનો કૂવો:
સરોષ ચીનીવાલાએ જણાવ્યું કે તેમની બેકરીના સ્થળે પાછળની સાઈડમાં એક વર્ષો જૂનો કૂવો છે. આમ તો પારસી લોકોના ઘરમાં આવા કુવા રહેતા. અમારી બેકરીના મકાનમાં જે કૂવો છે તે 8 પેઢીથી છે. અને અમે રોજ સવારે બેકરી ખોલ્યા બાદ પહેલાં કૂવામાં એક નાની થેલી દૂધ, એક ગ્લાસ પાણી, ફૂલની પાંખડી પધરાવીએ છીએ અને સવાર-સાંજ દીવો અગરબત્તી કરીએ છીએ. પહેલા પૂજામાં આ કુવાનું પાણી યુઝ કરતા. અમારા લોકોમાં એવું કહેવામાં આવે છે કે કૂવો પૂરો તો દુઃખ આવે એટલે કૂવો ક્યારેય નથી પૂરતા.

પહેલાં લાકડાની ભઠ્ઠીમાં બીસ્કીટ શેકાતા
પહેલાં અદ્યતન મશીનોનો જમાનો નહીં હતો ત્યારે લાકડાની ભઠ્ઠીમાં બીસ્કીટ બેક કરવામાં આવતા. આ બેકરીમાં હજી પણ લાકડાની જૂની ભઠ્ઠી છે અને હજી પણ તેમાં બીસ્કીટ શેકાય છે, જોકે હવે લાકડા મોંઘા થયા હોવાથી ભઠ્ઠીમાં બેકિંગનું કામ ઓછું થાય છે. હવે ઓવનમાં બીસ્કીટ શેકાય છે અને મેંદો ગૂથવા માટેના અને બ્રેડ સ્લાઈસ કરવાના મશીન પણ છે. ભઠ્ઠી પીળી માટી અને ગોળથી બનાવવામાં આવેલી. તેના તળિયામાં કાંચ, લોખંડની ભુક્કી અને પત્થરિયા મીઠું નાંખવામાં આવે છે.

2006ના પુરમાં ચાર લાખનું નુકસાન થયું: સાયરસ ચીનીવાલા
2006માં સુરતમાં આવેલા ભયંકર પુરને તો કોઈ પણ નહીં ભૂલી શકે. ત્યારે સુરતીઓની માલ-મિલકતને ખાસ્સું નુકસાન થયું હતું. પુરની થાપટ તો આ બેકરીને પણ વાગી હતી. આ બેકરીના ત્રીજી પેઢીનાં સંચાલક સાયરસ ચીનીવાલાએ જણાવ્યું કે એ ભયંકર રેલમાં તેમની આ બેકરીમાં 8 ફૂટ પાણી ભરાયું હતું ત્યારે ખાંડ, મેંદાના સ્ટોકને, લાકડાની ભઠ્ઠીને, તૈયાર બીસ્કીટ, કેક આદિને ચાર લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. આ પુર બાદ આ બેકરીનું નવું મકાન બનાવવામાં આવ્યું. ત્યારે બેકરીને થયેલા ખાસ્સા નુકસાનને કારણે 2 મહિના બેકરી બંધ રહી હતી.

નવાપુરના એક મુસ્લિમ ગ્રાહક 10 વર્ષથી બલ્કમાં કેક લઈ જાય છે: સરોષ ચીનીવાલા
આ બેકરીના ત્રીજી પેઢીનાં સંચાલક સરોષ ચીનીવાલાએ જણાવ્યું કે નવાપુરાના એક મુસ્લિમ ગ્રાહક 10 વર્ષથી સુરત દર 2 મહિને તેમની વાઈફની કેન્સરની સારવાર માટે આવે છે. ત્યારે તેઓ આ બેકરીમાં અચૂક આવે છે અને 20-30 કેક એક સાથે લઈ જાય છે અને બેકરીમાંથી જ તેમના નવાપુરના પાડોશીઓને અને સગા-સંબંધીઓને ફોન કરીને તેમને માટે મેથીવાળી ખારી, ફરમાસ, સાદી પડવાળી લઈ જાય છે. ગ્રાહકો કહેતા હોય છે કે તમારી સર્વિસ બહુ સારી છે. આ ગ્રાહકોના આ શબ્દો જ અમારું સેટીસ્ફેક્શન છે. દર ગુરુવારે સાધુ-મહારાજોને િન:શુલ્ક બીસ્કીટ, નાનખટાઈ, કેક ખવડાવવામાં આવે છે.

અમેરિકા, UK, સાઉથ આફ્રિકાના છે ગ્રાહકો: અસ્પી વહારવાલા
સાયરસ અને સરોષ ચીનીવાલાના મામા અસ્પી વહારવાલાએ જણાવ્યું કે આ બેકરીના શહેરના શાહપોર, રૂસ્તમપુરા, અડાજણ, નાનપુરામાં રહેતા પારસી ગ્રાહકો તો છે જ સાથે અમદાવાદ, નવસારી, મુંબઈ, બરોડામાં રહેતા પારસી સુરત આવે ત્યારે અહીંથી બેકરીની આઈટમ લઈ જાય છે. આ ઉપરાંત વિદેશમાં અમેરિકા, UK, ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા પણ પડવાળી, ફરમાસ, નાનખટાઈ, મસાલા ખારી લઈ જવામાં આવે છે. અહીંથી સુરત આવતા લોકો તેમની સાથે બેકરી આઈટમ વિદેશ લઈ જતા હોય છે. બે-ત્રણ મહિના તેમની બેકરી આઈટમ બગડતી નથી.

દિવાળી, ક્રિસમસ અને પતેતીમાં ગ્રાહકોની લાઇન લાગે છે: ફારૂખ ઈબ્રાહીમ પટેલ
છેલ્લાં 35 વર્ષથી આ બેકરીમાં બેકરી આઈટમ બનાવવાનું કામ કરતા ફારૂખ ઇબ્રાહીમભાઈ પટેલે જણાવ્યું કે દિવાળીના સમયે નાનખટાઈ પડાવવા માટે ગ્રાહકોનો ધસારો રહે છે. આમ તો આખું વર્ષ લોકોને નાનખટાઈ બનાવીને આપવામાં આવે છે. ગ્રાહક નાનખટાઈનો કાચો માલ લઈ આવે અને અહીં નાનખટાઈ બનાવીને આપવામાં આવે છે. નવરોઝ મુબારક અને પતેતીમાં ખાસ તો વોલનટ કેકની ડીમાંડ વધારે હોય છે. ઉદવાડાથી પણ ગ્રાહકો આવે છે. ક્રિસમસમાં વોલનટ માવા કેક, પ્લેન માવા અને ક્રિસમસ કેક માટે ઘસારો થાય છે. મુસ્લિમ બિરાદરો દરગાહ પર ચઢાવવા માટે નાનખટાઈ લઈ જાય છે.

કપ કેક્સ માટે મળ્યો છે એવોર્ડ
સાયરસ ચીનીવાલાએ જણાવ્યું કે વર્ષ 2015-16માં અમદાવાદમાં ઘી બનાવતી કમાની નામની કંપની દ્વારા આખા ગુજરાતની બેકરીઓ માટે એગ્ઝીબિશન રાખવામાં આવ્યું હતું તેમાં અમારી બેકરીના કપ કેક્સ મુક્યા હતા. આ કપ કેક્સ માટે અમને કમાની બેકરી ચેલેન્જ એવોર્ડ-2016 મળ્યો હતો. અમારી બેકરીની મેથીના ભાજીની પડવાળી, જીરામરીની પડવાળી, સાદી પડવાળી, ખાંડની ખાજલી લોકોમાં પ્રિય છે. અમે 10 રૂપિયામાં પણ ગ્રાહકને પડવાળી આપીએ છીએ અને 10 રૂપિયામાં 4 પાઉં પણ આપીએ છીએ.

એક સમયે 50 પૈસે કિલો બીસ્કીટ મળતા, 10 પૈસામાં કેક
વર્ષો પહેલાં સસ્તાઈનો જમાનો હતો ત્યારે 50 પૈસે કિલો બીસ્કીટ મળતા જ્યારે આજે 300 રૂપિયે કિલો બીસ્કીટ મળે છે. પહેલાં કેક 10 પૈસામાં મળતી જ્યારે હવે નાની કેક 20 રૂપિયામાં મળે છે અને મોટી કેક 250 ગ્રામ 130 રૂપિયે મળે છે. આ ઉપરાંત પ્લેન માવા કેક, વોલનટ કેક, કાજુની કેક, અંજીરની અને પલ્મ કેક તથા ક્રિસમસ કેકના ભાવ પણ વધ્યા છે.

10 પૈસામાં મળતા મિક્સ બીસ્કીટના ભુક્કાના પડીકા માટે લાગતી લાઇન
એક સમયે આ બેકરીમાં 10 પૈસામાં મિક્સ બીસ્કીટનો ભુક્કા નું પડીકું મળતું જે ખરીદવા માટે લોકોની સવારથી જ લાઇન લાગતી. અને શહેરના દરેક વિસ્તારમાંથી આ પડીકું ખરીદવા લોકો આવતા.

1914માં બેકરીનો પાયો હિલ્લામાઈ ચીનીવાલાએ નાંખ્યો હતો
100 વર્ષ પહેલાં જ્યારે મહિલાઓ ઘરની બહાર પણ ઓછી નીકળતી હતી તેવા સમયે 1914માં હિલ્લામાઈ ચીનીવાલાએ નાનપુરા વિસ્તારમાં ખુરશેદ બેકરીનો પાયો નાંખ્યો હતો. આ બેકરી આજે 108 વર્ષે પણ ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઈઝ નહીં કરવાના નિયમને વળગી રહી હોવાથી આજે પણ અડીખમ ઉભી છે. હિલ્લામાઈ ચીનીવાલાની રૂસ્તમપુરામાં પણ ખુશરૂ નામની બેકરી હતી જોકે એક સાથે 2 બેકરીનું સંચાલન કરવું મુશ્કેલ હોવાથી બેકરી બંધ કરવામાં આવી હતી. હિલ્લામાઈ ચીનીવાલાએ નાનપુરામાં સ્થાપના કરેલી આ બેકરીના નામ પરથી પોતાના ભત્રીજાનું નામ ખુરશેદ રાખ્યું હતું. તેઓ અપરણિત હતાં.

જાલેજર ચીનીવાલા નૌકરી છોડી બહેનની સાથે બેકરીમાં જોડાયા
હિલ્લામાઈના ભાઈ જાલેજર ચીનીવાલા પહેલાં નૌકરી કરતા હતા. તેઓ તમાકુની એક કંપનીમાં મેનેજર હતાં. ત્યાર બાદ આ નોકરી છોડી તેઓ નાનપુરામાં શ્રી એપાર્ટમેન્ટની જગ્યા પર દિલારામ નામની એક હોટેલ હતી ત્યાં મેનેજર બન્યા હતા. બાદમાં બહેન હિલ્લામાઈએ તેમને નોકરી છોડી ખુરશેદ બેકરીનું સંચાલન કરવા માટે જણાવ્યું બહેનની વાત માની જાલેજર અરદેશર ચીનીવાલાએ આ બેકરીનું સંચાલન હાથમાં લીધું. જ્યારે બહેન હિલ્લામાઈ ભત્રીજા ખુરશેદની સાર-સંભાળ કરવા લાગ્યાં. કેમકે ખુરશેદ ચીનીવાલાની માતા ખોરશેદનું નિધન થયું હતું.

ખુરશેદ ચીનીવાલાના સમયમાં ઘરાકી અને બેકરી આઇટમોમાં વધારો થયો
ખુરશેદ ચીનીવાલાએ બેકરીનું સંચાલન હાથમાં લીધું ત્યારે ઘરાકી વધવા લાગી હતી અને તેમના સમયમાં બેકરીની આઈટમમાં વધારો થયો. એલચી કેરબાસથી ભરપૂર નાનામોટા ફરમાસ બીસ્કીટ તથા ખારી પફ, એલચી દૂધ જાયફળથી બનેલી નાનખટાઈ તથા વેનીલા બીસ્કીટ, કાજુના ફરમાસુ બીસ્કીટ, સ્પે. કાજુ તથા ખાંડની ખાજલી બીસ્કીટ, લેમન, વેનીલા રોઝ બીસ્કીટ, નાનખટાઈ, નાના મોટા બ્રેડ અને સ્લાઈસ બ્રેડ, ચાર પ્રકારના ટોસ્ટ જેમકે કેક ટોસ્ટ, ટૂટીફ્રુટી તલ ટોસ્ટ, મિલ્ક ટોસ્ટ, જીરા ટોસ્ટનું વેચાણ વધાર્યું. તેઓ સવારે 5.30 વાગે બેકરી ખોલતા જેથી વહેલી સવારે જ ગ્રાહકોને ચા સાથે બિસ્કિટ, નાનખટાઈ અને બ્રેડ, પાઉં મળી રહે.

Most Popular

To Top