સુરત (Surat) : આજે એટલે કે 19 ફેબ્રુઆરીએ સમગ્ર મહારાષ્ટ્રમાં (Maharashtra) શિવાજી જયંતિની (ShivajiJayanti) ઊજવણી (Celebration) કરવામાં આવી રહી છે ત્યારે જ સાપુતારા (Saputara) નજીકથી શિવાજી મહારાજના ઘોડાના પગલાં (HorseFootPrints) મળી આવ્યા છે. સાપુતારા નોટિફાઇડના ટ્રેકિંગ રૂટના રાઉન્ડ દરમિયાન ત્રણથી ચાર જેટલા ઘોડાના પગલાંનો આકાર જોવા મળ્યો છે.
- શિવાજી મહારાજ આ રસ્તા ઉપરથી સુરત જતાં હોવાનો વડીલોનો દાવો
- હથગડ કિલ્લો પણ સાપુતારાથી ત્રણ કિલોમીટરના અંતરે જ આવેલો છે
અહીંના જે જૂના રહેવાસીઓ છે તેમના જણાવ્યા પ્રમાણે આ પગલાં શિવાજીના ઘોડાના છે અને તેઓ હથગડના કિલ્લામાંથી સુરત જતાં હતાં ત્યારે આ માર્ગનો ઉપયોગ કરતાં હતાં.
આ અંગે સાપુતારા નોટિફાઇડ એરિયા કચેરીના અધિકારી જીએએસ ડો. ચિંતન વૈષ્ણવના જણાવ્યા અનુસાર અનેક યંગસ્ટર્સ ટ્રેકિંગ માટે આવે છે. તેમને ટ્રેકિંગના ઇન્સ્ટ્રક્ટર અને ગાઇડ મળી શકે તેવા ટ્રેકિંગના રૂટ આઇડેન્ટીફાય કરવાની કામગીરી ચાલી રહી છે.
દર રવિવારે એક રૂટ પર તેઓ જાતે ચકાસણી કરે છે ત્યારે સાપુતારાના સ્ટેપગાર્ડનથી ખીણમાં આવેલા ગણેશ મંદિર સુધીના ટ્રેકિંગના રૂટનું ઇન્સ્પેક્શન ચાલી રહ્યું હતું ત્યારે રસ્તામાં અહીં ઘોડાના પગલાં જેવા આકારની નિશાની મળી આવી છે. અહીંના સ્થાનિક અને જૂના લોકો એવું કહી રહ્યાં છે કે, જ્યારે શિવાજી મહારાજ હથગડ કિલ્લાથી સુરત જતાં હતાં ત્યારે તેઓ આ રસ્તા ઉપરથી પસાર હતાં અને આ પગલાં જે છે તે તેમના ઘોડાના છે.
ખૂબ જ કદાવર ઘોડાના પગલાં હોય તેવું લાગી રહ્યું છે
શિવાજી મહારાજના ઘોડાના નામ અંગે મતમંતાતર છે. કેટલાકનું કહેવું છે કે તેમના ઘોડાનું નામ કૃષ્ણા હતું તો કેટલાકનું કહેવું છે કે વિશ્વાસ હતું. જો કે, નામ કોઇ પણ હોય મહારાજા માટે ઘોડા ઉચ્ચ કોટિના જ પસંદ કરવામાં આવતા હતાં. જે સામાન્ય ઘોડા કરતાં ખૂબ જ કદાવર હોય. આ જે પગલાં જોવા મળ્યા છે તે પણ ખૂબ જ કદાવર ઘોડાના હોય તેવું લાગી રહ્યું છે. આશરે 9 થી 10 ઇંચના પંજા હોય તેવું પગલાંની નિશાની ઉપરથી લાગી રહ્યું છે. જો કે આ રસ્તા ઉપર ઇન્સ્ટ્રક્ટર સાથે હોય તો જ પહોંચી શકાય તેમ છે.
સાપુતારાથી અંબિકા નદીના ઉદગમસ્થાનની વચ્ચે દેખાયા પગલાં
જીએએસ અને સાપુતારા નોટિફાઇડ ઓફિસર ડો. ચિંતન વૈષ્ણવે જણાવ્યું હતું કે, તેઓ દર રવિવારે આ ટ્રેકિંગ રૂટનું ઇન્સ્પેક્શન કરે છે. તે સમયે તેમની સાથે સ્થાનિક માણસોની ટીમ પણ હોય છે. તેઓ સાપુતારાનાના સ્ટેપગાર્ડનથી અંબિકા નદીના ઉદગમસ્થાન વચ્ચે તપાસ કરી રહ્યાં હતાં ત્યારે આ પગલાં જોવા મળ્યા હતાં. આ રૂટ ઉપર એક નાનકડું ગણેશજીનું ડેરુ આવેલું છે તેની નજીક ઘોડાના પગલાંના આકાર જોવા મળ્યાં છે.