Health

અમૃત સમાન ખાદ્યપદાર્થ : મગ

હૃદયરોગથી બચવામાં મદદરૂપ થાય છે
હૃદયરોગ માટે મુખ્ય કારણભૂત પરિબળ એ LDL ( લો ડેન્સિટી લીપો પ્રોટિન)નું ઊંચું પ્રમાણ છે. સંશોધનો દ્વારા એ જાણવા મળ્યું છે કે મગમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ તત્ત્વો LDL નું નિર્માણ અટકાવે છે અને આ રીતે આપણને હૃદયરોગથી બચાવે છે. આ માટે રોજ ૧૩૦ ગ્રામ જેટલા રાંધેલા મગ ખાવાથી ચોક્કસ ફાયદો દેખાય છે. તો આ પરથી ચોક્કસપણે કહી શકાય કે શ્રાવણ માસમાં એક મહિનો રોજ મગનું સેવન કરવાની પાછળનો હેતુ કદાચ હૃદયને સ્વસ્થ રાખવાનો હોવો જોઈએ.

બ્લડપ્રેશરમાં ઘટાડો
કહેવાય છે કે વિશ્વમાં યુવા મૃત્યુ માટેનું સૌથી મોટું કારણ હાઈ બ્લડપ્રેશર છે. બ્લડ પ્રેશર વધવા માટે ખોરાકમાં રહેલું વધુ પડતું સોડિયમ એક જવાબદાર પરિબળ છે. આ સોડિયમનું પ્રમાણ આપણા શરીરમાં પોટેશિયમના પ્રમાણ સાથે વ્યસ્ત પ્રમાણમાં રહે છે. જો પોટેશિયમ વધે તો સોડિયમ ઘટે. અહીં મગમાં રહેલ પોટેશિયમની ઊંચી માત્રા શરીરમાંથી સોડિયમની માત્રા ઘટાડે છે અને બ્લડપ્રેશરને નીચે લાવે છે.

સુપાચ્ય રેસા પાચનતંત્રને સ્વસ્થ રાખે
મગમાં રહેલા રેસા પચવામાં ખૂબ સરળ છે. રાંધેલા ૧૦૦ ગ્રામ મગમાં લગભગ ૮ ગ્રામ જેટલા સુપાચ્ય રેસા હોય છે. મોટા ભાગના કઠોળ પચવામાં ભારે હોય તે ખાધા બાદ ગેસ અનુભવાય છે જ્યારે મગના રેસા સરળ સ્ટાર્ચ સાથે સંયોજાયેલા હોય તે આંતરડાંમાં રહેલા સારા બેક્ટેરિયાને પોષણ પૂરું પાડે છે અને તે પ્રો બાયોટિક તરીકે વર્તી ગેસ ઉત્પન્ન કરતા નથી. આમ આંતરડાંનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.

બ્લડ શુગરમાં ઘટાડો કરે છે
પ્રાણીઓ પરના અભ્યાસો દ્વારા એવું તારણ નીકળ્યું છે કે મગમાં રહેલ પ્રોટિન, ખોરાકની શર્કરાને લોહીમાં ભળવાની પ્રક્રિયાને ધીમી કરે છે. મગમાં રહેલું પ્રોટિન ખોરાકની શુગરનું વિઘટન કરતાં હોર્મોન ઇન્સ્યુલીનની કાર્યક્ષમતામાં વધારો કરી બ્લડ શુગર ઘટાડે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે
મગનું પ્રોટિન અને પાચક રેસાઓ જમ્યા બાદ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે જેથી વારંવાર ભૂખ લાગતી નથી. મગનું પ્રોટિન ભૂખની અનુભૂતિ કરાવતા અને મગજમાંથી ઉત્પન્ન થતાં ‘ઘ્રલીન’નામના હોર્મોનની ઉત્પત્તિ ઘટાડે છે. જેથી મગ ખાધા બાદ વારંવાર અન્ય ખોરાક ખાવાની ઈચ્છા થતી નથી અને એથી જ બિનજરૂરી કેલરી શરીરમાં ઠલવાતી અટકે છે અને પરિણામે શરીરનું વજન ઊતરે છે.

સગર્ભા સ્ત્રીઓ માટે જરૂરી એવું ફોલેટનું ઊંચું પ્રમાણ
ગર્ભાવસ્થામાં બાળકના યોગ્ય વિકાસ માટે ફૉલેટ નામનું પોષક તત્ત્વ અનિવાર્ય છે. જો પૂરતા પ્રમાણમાં ફોલેટ ન મળે તો બાળકનો વિકાસ કુંઠિત થઈ શકે અથવા બાળક ખોડખાંપણવાળું આવવાની સંભાવના રહેલી છે. ૨૦૦ ગ્રામ રાંધેલા મગ એ એક દિવસની જરૂરિયાતના ૮૦% જેટલું ફોલેટ આપે છે આથી જ સગર્ભા સ્ત્રીઓ માટે મગ આશીર્વાદરૂપ છે.
આમ મગ એ ખરેખર અમૃત સમાન ખાદ્યપદાર્થ છે એમ કહી શકાય. આટલા બધા ફાયદા ધરાવતું હોવાને કારણે જ આપણી પ્રાચીન સ્વાસ્થ્યસંહિતામાં મગને સૌથી ઉપરનું સ્થાન આપવામાં આવ્યું હશે.

કયા પ્રકારે મગનું સેવન ટાળવું જોઈએ?
આટલા બધા ફાયદા ધરાવતા હોવા છતાં મગનું સેવન કેટલીક વ્યક્તિઓ માટે યોગ્ય નથી. આવો જાણીએ કયા પ્રકારે મગનું સેવન ટાળવું જોઈએ?
• કાચા મગ, યોગ્ય રીતે ન રંધાયેલા મગ ડાયેરિયા કરી શકે છે.
• મગના રેસા નબળા પાચનતંત્ર ધરાવતા લોકોના પેટમાં ગેસ કરી શકે છે.
• યુરિક એસિડની વધુ માત્રાથી પીડિત વ્યક્તિઓને વધુ પડતું મગનું સેવન નુકસાન પહોંચાડી શકે.
• મગ રાંધતી વખતે જો વધુ પડતું મીઠું ઉમેરવામાં આવે તો તે બ્લડપ્રેશરમાં વધારો કરી શકે.
• રાત્રે ખૂબ મોડેથી જો મગ ખાવામાં આવે તો તે પેટમાં દુખાવો કરી શકે છે.

Most Popular

To Top