ખાદ્ય ઉત્પાદનમાં 70 ટકા વધારો કરવાની જરૂર : ડો. બિમલ પટેલ

આણંદ : `વિશ્વમાં 2050ની સાલ સુધીમાં વસતી ત્રીજા ભાગ અથવા 2.3 બિલિયન લોકો વધવાની ધારણા છે, જેથી બજારમાં ખાદ્ય પદાર્થોની માંગ વધશે. અનાજની માંગ, ખોરાક અને પશુ આહાર બંને માટે 2050 સુધીમાં લગભગ 3 બિલિયન ટન સુધી પહોંચવાનો અંદાજ છે, જે આજના લગભગ 2.1 બિલિયન ટનથી વધારે છે. ખાસ કરીને વિકાસશીલ દેશમાં વધુ આવક માટે વધુ ભાગ આપતા અન્ય ખાદ્ય ઉત્પાદનોની માંગ અનાજ કરતા ઘણી ઝડપથી વધશે. એક અહેવાલ મુજબ, 2050માં વિશ્વની વસતીને ખોરાક આપવા માટે 2005થી 2050ની વચ્ચે એકંદરે ખાદ્ય ઉત્પાદનમાં લગભગ 70 ટકા વધારો કરવાની જરૂર પડશે. જેથી વિકાસશીલ દેશોમાં ઉત્પાદન લગભગ બમણું કરવાની જરૂર પડશે. જેમાં વાર્ષિક અનાજનું ઉત્પાદન લગભગ એક અબજ ટન વધારવું પડશે.’ તેમ રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના કુલપતિ પ્રાધ્યાપક ડો. બિમલ પટેલે આણંદ કૃષિ યુનિવર્સિટીના દિક્ષાંત પ્રવચનમાં જણાવ્યું હતું.

આણંદ કૃષિ યુનિવર્સિટીનો 18મો પદવીદાન સમારોહ બુધવારના રોજ યોજાયો હતો. જેમાં 27 તેજસ્વી વિદ્યાર્થીને 58 સુવર્ણચંદ્રક, ચંદ્રક અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત 549 વિદ્યાર્થીઓને સ્નાતક, અનુસ્નાતકની પદવી એનાયત કરવામાં આવી છે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વર્ચ્યુઅલ ઉદ્દબોધન કરી વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. જોકે, દીક્ષાંત પ્રવચન કરતાં રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના કુલપતિ પ્રાધ્યાપક ડો. બિમલ પટેલે જણાવ્યું હતું કે, વિશ્વના તમામ રાષ્ટ્રો અથવા પ્રદેશો માટે ખોરાક સહિત અનેક પાયાની જરૂરિયાતો પુરી પાડતું કૃષિ – શિક્ષણ હંમેશા અર્થતંત્રનું મુખ્ય ક્ષેત્ર રહ્યું છે. દેશમાં કૃષિક્ષેત્રે ઐતિહાસિક રીતે નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યાં છે. આજે કૃષિની કલાએ બહુવિધ વૈજ્ઞાનિક ઇનપુટ્સ, સિદ્ધાંતો અને વ્યવસ્થાપન સાથે પાક ઉગાડવા માટે વિજ્ઞાનમાં પરિવર્તિત થઇ છે, જેના પરિણામે હરિયાળી ક્રાંતિ મેળવી છે. ડો. બિમલ પટેલે વિદ્યાર્થીઓને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, આપ સૌનું વાસ્તવિક શિક્ષણ આજથી શરૂ થાય છે.  આજ સુધી તમે મોટાભાગે તમારા શિક્ષકો પાસેથી શીખ્યા છો, પરંતુ હવેથી તે તમારું જીવન અને વ્યવસાય હશે, તેથી ઇમાનદારી અને સખત મહેનત સાથે શીખતા રહો. તમે શૈક્ષણિક ડિગ્રીને યોગ્યતાપૂર્વક મેળવવા માટે શીખ્યા છો, જો કે હવેથી જીવન અને વ્યવસાયની પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરવા માટે તમારા માટે શીખવાનું થશે.

આ કાર્યક્રમના પ્રારંભમાં કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. કે.બી. કથીરિયાએ સ્વાગત પ્રવચન કરી યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યવાહીની ઝાંખી કરાવી હતી અને તેઓએ કૃષિ યુનિવર્સિટીએ રાષ્ટ્રીયકક્ષાએ 20મું સ્થાન હાંસલ કર્યું હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો.શીરીષ કુલકર્ણી, જીસીએમએમએફના મેનેજીંગ ડીરેકટર આર. એસ. સોઢી, વિવિધ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિ, બોર્ડના સભ્યો, વિવિધ ફેકલ્ટીના ડીન અને વડા, પ્રાદ્યાપક, વૈજ્ઞાનિકો, એકેડેમીક રીસર્ચ, એકસટેન્શયન કાઉન્સિવલના પ્રાધ્યાપકો, સુવર્ણચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં. જયારે પદવી ધારક વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ, વાલીઓ આણંદ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી કરવામાં આવેલ પ્રસારણના માધ્યિમથી વર્ચ્યુયઅલ જોડાયા હતા.

પ્રાકૃતિક ખેતીને રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે સ્વીકારવી પડશે ઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
આણંદ કૃષિ યુનિવર્સિટીના 18મા પદવીદાન પ્રસંગે રાજ્યપાલ આચાર્યદેવવ્રતે વર્ચ્યુઅલ ઉદ્દબોધન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી સમગ્ર માનવજાત ત્રસ્ત છે. આ સ્થિતિમાં પ્રાકૃતિક કૃષિને રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે સ્વીકારવી પડશે. આઝાદી સમયે દેશની ખાદ્યાન્નની જરૂરિયાતો પૂરી કરવા હરિત ક્રાંતિએ મહત્વપૂથર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતના કૃષિ વૈજ્ઞાનિનકોએ હરિત ક્રાંતિ દ્વારા ખાદ્યાન્ન ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનાવ્યો હતો. આજે સ્થિતિ જુદી છે. રાસાયણિક ખાતરોના અને ઝેરી કીટનાશકોના અંધાધૂંધ ઉપયોગના કારણે જળ-જમીન અને પર્યાવરણ દૂષિત થયા છે. રાસાયણિક કૃષિમાં ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. ખાદ્યાન્નમાં ઝેર ભળવાને કારણે માનવ સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે, લોકો કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ જેવી બિમારીઓનો ભોગ બની રહ્યા છે. જેથી પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ આજના સમયની માંગ છે. કૃષિ લાયક ભૂમિ એટલી પ્રદૂષિત થઇ ગઇ છે કે, ખેતીમાં અળસિયાં જેવા મિત્ર જીવો અને અન્ય સૂક્ષ્મયજીવો નષ્ટ થઇ રહ્યા છે. પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રથી બનતા જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગના કારણે ખેતરમાં જીવોની વૃદ્ધિ થાય છે અને સરવાળે જમીનના ઓર્ગેનિક કાર્બનની માત્રમાં વધારો થાય છે અને જમીન ફળદ્રુપ બને છે. દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ સૂક્ષ્મજીવો હોવાનું અને ગૌ-મૂત્ર ખનીજોનો ભંડાર છે. જૈવિક કૃષિમાં શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઘટે છે, પરંતુ પ્રાકૃતિક કૃષિ જો યોગ્ય પદ્ધતિથી કરવામાં આવે તો ઉત્પાદન ઘટતું નથી.

Most Popular

To Top