Gujarat

ગુજરાતમાં તેલીયા રાજાઓ બેફામ: પેટ્રોલ-ડીઝલ, ગેસ બોટલ બાદ સિંગતેલના ભાવોમાં ઉછાળો

ગાંધીનગર: નવરાત્રિ (Navratri)માં ગુજરાત (Gujarat)માં તેલીયા રાજાઓ બેફામ થઈ ગયા છે. ખાસ કરીને પેટ્રોલ – ડિઝલ (Petrol -Diesel) આમેય 100નો ભાવ પાર કરી ગયા છે. રાંધણ ગેસના બાટલા (gas cylinder)ના ભાવો વધ્યા છે. હવે તેમાંય ઓછુ હોય તે રીતે રાજયમા સિંગતેલ (food oil)ના ભાવોમાં રૂા.100 અને કપાસીયા તેલમા પણ ડબ્બે રૂા.60નો વધારો થયો છે.

નવરાત્રિમાં ખાદ્ય તેલના ભાવોમાં વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય તેવી સંભાવનાને પગલે ચિન્તાનું મોજુ ફરી વળ્યુ છે. તેલીયા રાજાઓ પર સરકાનો કોઈ સીધો કાબુ નહીં હોવાથી પ્રજા લૂંટાઈ રહી છે. નવરાત્રિ પછી દિવાળીના તહેવારો દરમ્યાન આગ ઝરતી તેજી જોવા મળે તેમ છે. સિંગતેલમાં પ્રતિ ડબ્બે રૂા.100નો વધારો થતાં ડબ્બાનો ભાવ વધીને 2590 સુધી પહોચી ગયો છે. જયારે કપાસીયા તેલમાં 60નો ભાવ વધારો થતાં ડબ્બાનો ભાવ રૂા.2425 સુધી પહોચી ગયો છે.

આ વખતે સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિના કારણે મગફળીનો પાક થોડાંક અંશે નાશ પામ્યો છે. જેના કારણે ખાદ્યતેલના ભાવો ઘટે તેવા કોઈ અણસાર નથી. ઓઈલ મિલરો એવું કારણ આપી રહ્યા છે. જોકે ઓઈલ મિલરો, સ્ટોકીસ્ટો અને સંગ્રહખોરો સરકારના ભય વિના વારંવાર સિંગતેલ, કપાસિયા, સૂર્યમુખી, મક્કાઈ અને પામ તેલનો ભાવ વધારી રહ્યા છે. એ સ્થિતિમાં ગરીબ મધ્યમવર્ગની સ્થિતિ કફોડી થઈ છે. ગરીબ પરિવારો સસ્તા તેલનો વિકલ્પ શોધી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પેટ્રોલ-ડિઝલની સાથે ખાદ્ય તેલના ભાવો વધતાં અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. તેમનું જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે.

ચોક્કસ કોર્પોરેટ મિલર અને સ્ટોકીસ્ટ ગુજરાત સરકારની મહેરબાનીથી તેલનાં ભાવ છડે ચોક વધારી નફાખોરી કરી રહ્યા છે : જયેશ પટેલ

ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ શંકરભાઈ પટેલે (પાલ) જણાવ્યું હતું કે ગુજરાતમાં મગફળીના ઉત્પાદન અને સિંગતેલના ભાવ વધારા સાથે કોઈ લેવા દેવા નથી. ગુજરાતમાં જેટલું સિંગતેલનું વેચાણ થાય છે તેના 50% પણ મગફળીનું ઉત્પાદક ગુજરાતમાં થતું નથી. તેથી અતિવૃષ્ટિને લીધે સીંગતેલના ભાવ વધ્યા છે. તે કારણ વ્યાજબી નથી માત્ર સિંગતેલ નહીં પરંતુ બીજા ખાદ્ય તેલનાં ભાવો ચોક્કસ કોર્પોરેટ ગૃહ, ઓઈલ મિલર, સ્ટોકીસ્ટ અને ગુજરાત સરકારના મેળાપીપણામાં વધારવામાં આવી રહ્યા છે. સરકાર ધારે તો આ ભાવો અંકુશમાં લાવી શકે તેમ છે. તહેવારો અને લગ્નસરાની સીઝનમાં ગુજરાતની પ્રજાને ખાદ્યતેલના ભાવવધારાના નામે અઘોષિત રીતે લૂંટવાનો પરવાનો ઓઈલ મિલરો અને સ્ટોકીસ્ટો આપવામાં આવે છે. ચોક્કસ કોર્પોરેટ ગૃહ સિંગતેલ સહિતના ખાદ્ય તેલનાં ભાવો ગુજરાત અને ગુજરાતની બહાર ઓપરેટ કરી રહ્યું છે અને તેમાં તેમનું કરોડોની આવક થઈ રહી છે.

સરકારની મીઠી નજર હેઠળ ગુજરાતની પ્રજાને અતિવૃષ્ટિના નામે લૂંટવામાં આવી રહ્યા છે. મગફળીનો પાક આજે નીકળીને આવતીકાલે તેલમાં તબદીલ થઈ જાય તેવી કોઈ સિસ્ટમ કામ કરતી નથી. ઓઈલ મિલરો, સ્ટોકીસ્ટો અને સંગ્રહખોરોની ટોળકી તહેવારોની સામી સિઝનને ગુજરાતની જનતાને લૂંટી રહી છે. અને સરકાર સૂચક રીતે મૌન ધારણ કરીને બેઠી છે. આ મુદ્દે જ્યાં સુધી પ્રજા આવાજ નહીં ઉઠાવે ત્યાં સુધી ખાદ્ય તેલના ભાવો વધતાં રહેશે. છેલ્લાં બે વર્ષમાં ખાદ્યતેલનાં ભાવો કૃત્રિમ રીતે વધ્યાં છે. તેની તપાસ માટે એક ઈન્કવાયરી કમિટી બનાવવી જોઈએ તેમાં ખેડૂત આગેવાનોને પણ સામેલ કરવાં જોઈએ.

Most Popular

To Top