વિતેલા સમયમાં અહીં પ્રકાશિત થઈ ચૂકેલ, આત્મડંખ નામક ચર્ચાપત્રના અનુસંધાને વધુ વિગત પ્રસ્તુત છે. આપણે સૌ જાણીએ છીએ એમ પ્રાર્થનાની અસર કહો કે જરૂરિયાત સર્વ સ્વીકૃત છે. વિશ્વભરના ધર્મ, સંપ્રદાયો અને વિભિન્ન જાતિઓ પોતપોતાની રીતે આ વાતે સંમત થાય છે. ઈશ્વરીય શક્તિઓ સર્વત્ર ઉપલબ્ધ હોય તેમ પણ સ્વીકૃત થઈ ચૂકેલ આ વાત પર ભારતીયો સહિત દુનિયાએ પણ મંજૂર કરાયું.
એમ છતાંય જગતભરનાં કેટલાંક લોકો ભગવાન – ઈશ્વર જેવી વાતોને ચુપચાપ સહન કરનારાઓ છે. સર્વાધિક આ જ માન્યતાઓ ધરાવતા હોય એઓ છેવટે તો અદ્રશ્ય એવા પોતાના મનથી માનેલા ઈશ્વર કે ઈષ્ટદેવની દિવસ દરમિયાન કમસેકમ એક વખત તો શરણભાવ મનોમન કરતાં જ હોય છે. જો કે, આવાં અનેક લોકો દેખાડાનો ભક્તિભાવ ક્યારેય પોતાના ઘરે કે,જાહેર મંદિર પરિસર ખાતે નથી પ્રદર્શિત કરતા અને એ જરાય જરૂરી પણ નથી જ.છેવટે એક વાત નિશ્ર્ચિત છે કે, આત્મા એ જ પરમાત્મા. તમે ગમે તેમ કરીને અન્યને તો છેતરી શકશો, પરંતુ તમારી જાતને તો ક્યારેય નહીં છેતરી શકો.રોજ સવાર પડે કે,રાત્રિએ પથારીભેગો થતી વખતે પ્રત્યેક મનુષ્ય માત્ર એક મિનિટ માટે પણ જો અંતરમનથી દૈનિક દિનચર્યા પહેલાં યા તો દિવસભરના પોતાના કરેલા કર્મનો હિસાબ માનેલા દેવીદેવતાઓને ખરા દિલથી શરણભાવ રાખી કબૂલ કરે કે, હે પ્રભુ, યા..અલ્લાહ, મેરે પરવરદિગાર, ઑહ માય ગૉડ , આજની મારી તમામ ગતિવિધિઓ તમારાથી ક્યાં અજાણ છે.
તમારી નજરે જો હું ગુનેગાર છું તો મારી માફીને કબૂલ કરજો, બની શકે કે, હું સંજોગવશાત ભાન ભૂલી ભવરણની આડી અવળી પગદંડી ઉપર ચાલી જઈ ફરીથી રાહ ભૂલી ગયેલા મુસાફરની જેમ જ સમયસર ઘરભેગો થાય તેમ મને, મારા ચંચળ મનને આજીવન સાચવી લેશો. આવા પ્રકારની અનેકવિધ ખુલ્લેઆમ,ખરા દિલથી થતી , ક્યારેય કયાંય..જાહેરમાં,તો ક્યારેક ખાનગી સ્થાન ઉપર.. ઘરમાં, બે હાથ જોડીને કરવામાં આવતી તમારી પોતાની શૈલી – ભાષામાં થતી , કરાતી મનોમનની પ્રાર્થનાઓ..કબૂલાતો..શરણાગતનો નિર્ધાર કે,હવે પછી આવી મનને ખટકતી વૃત્તિઓ- પ્રવૃત્તિઓથી હું દૂર રહીશ..બસ,આ જ આપણા અંતર આત્માનો ખૂબ જ જરૂરિયાતનો દૈનિક ખોરાક છે.
સુરત – પંકજ શાંતિલાલ મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.