Columns

ગાઝામાં ભોજનનો ઉપયોગ પણ હથિયાર તરીકે કરવામાં આવી રહ્યો છે

ગાઝા પટ્ટીમાં એક બાજુ યુદ્ધવિરામની મંત્રણાઓ ચાલી રહી છે તો બીજી બાજુ ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલી લશ્કરનું મુખ્ય લક્ષ્ય હમાસના આતંકવાદીઓ છે પણ હકીકતમાં તેમના હુમલામાં હજારો નાગરિકોનો ભોગ લેવાઈ રહ્યો છે. હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ હુમલાઓમાં અત્યાર સુધીમાં ગાઝામાં ૫૩,૯૭૭ લોકો માર્યા ગયાં છે, જેમાંનાં મોટા ભાગનાં નિર્દોષ નાગરિકો છે. આમાં ૩,૮૨૨ એવાં લોકોનો સમાવેશ થાય છે, જેઓ ૧૦ અઠવાડિયાં પહેલાંના યુદ્ધવિરામ પછી ફરીથી ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાનો ભોગ બન્યાં છે. ગાઝા પટ્ટીમાં આશરે ૨૦ લાખની વસ્તી છે, જેઓ યુદ્ધને કારણે ભૂખમરામાં જીવી રહી છે.

ઈઝરાયેલ દ્વારા અનાજ તેમ જ જીવનાવશ્યક ચીજોનો પુરવઠો પણ રોકવામાં આવે છે. દુનિયાની ઘણી સંસ્થાઓ ગાઝા પટ્ટીમાં રહેતાં લોકોને ખોરાક, દવા વગેરે પહોંચાડવા તૈયાર છે, પણ ઈઝરાયેલ દ્વારા તેમને પરવાનગી આપવામાં આવતી નથી. ઈઝરાયેલ દ્વારા એવી શરતે જ અનાજ આદિ મોકલવાની પરવાનગી આપવામાં આવે છે કે તે સામગ્રી કોઈ પણ સંયોગોમાં હમાસના આતંકવાદીઓના હાથમાં આવવી જોઈએ નહીં. આ કારણે જ્યારે કોઈ સંસ્થા દ્વારા રાહતસામગ્રી પહોંચાડવામાં આવે ત્યારે ભયંકર લૂંટફાટ થાય છે. ઈઝરાયેલની આ દાદાગીરીને કારણે ગાઝા પટ્ટીમાં પાંચ લાખ લોકો ભૂખમરાથી મરી જાય તેવો ભય પેદા થયો છે.

ગાઝામાં ખોરાક વિતરણનો મુદ્દો જટિલ બની રહ્યો છે. મંગળવારે એક વિવાદાસ્પદ સહાય સંસ્થાએ ત્યાં કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ પરિસ્થિતિ ટૂંક સમયમાં બગડી ગઈ હતી. દક્ષિણ ગાઝામાં ખોલવામાં આવેલા ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશન (GHF) નામના આ સંગઠનના ગોડાઉનને હજારો પેલેસ્ટિનિયનોએ તોડી નાખ્યું છે. સંગઠને કહ્યું કે મોટી સંખ્યામાં લોકોએ ખોરાક લેવા પડાપડી કરી હોવાથી તેમની ટીમને પીછેહઠ કરવી પડી. ઇઝરાયલી સૈન્યે જણાવ્યું હતું કે સંગઠનનું રક્ષણ કરનારાઓએ ચેતવણીના ગોળીબાર કર્યા હતા. આ સંગઠનને અમેરિકા અને ઇઝરાયલનું સમર્થન છે અને તે સંયુક્ત રાષ્ટ્રને બાયપાસ કરીને ગાઝાને મદદ કરવાનો ઇરાદો ધરાવે છે, પરંતુ સંયુક્ત રાષ્ટ્રે તેને અનૈતિક અને અવ્યવહારુ ગણાવીને નકારી કાઢ્યું છે.

છેલ્લાં ૧૧ અઠવાડિયાંથી ચાલી રહેલી નાકાબંધીને કારણે ગાઝામાં ભૂખમરો ફેલાઈ જવાની નિષ્ણાતોને આશંકા છે. તેમણે આ અંગે ચેતવણી પણ આપી છે. ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશને કહ્યું છે કે તેમની સિસ્ટમ સંપૂર્ણપણે માનવતાના સિદ્ધાંત પર કામ કરે છે. સંગઠને દાવો કર્યો હતો કે તે આ અઠવાડિયાના અંત સુધીમાં ૧૦ લાખ લોકોને રાશનનું વિતરણ કરી ચૂક્યું હશે. ગાઝામાં સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય સહાય સંસ્થાઓએ GHF સાથે સહયોગ કરવાનો ઇનકાર કર્યો છે. આ સંગઠનો કહે છે કે GHF ની કાર્ય કરવાની રીત માનવતાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે અને એવું લાગે છે કે આ સંગઠન મદદને હથિયાર તરીકે વાપરવા માંગે છે. સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય એજન્સીઓ આ સંસ્થાની સહાય વિતરણ કરવાની રીત સાથે સખત અસંમત છે.

ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશન તરફથી સહાય મેળવવા આવતાં લોકો સુરક્ષા તપાસમાંથી પસાર થાય છે. આ પછી જ તેમને ખોરાક અને સફાઈની વસ્તુઓવાળા બોક્સ આપવામાં આવે છે. સંસ્થાનાં ખાદ્ય વિતરણ કેન્દ્રો ખાનગી રક્ષકો દ્વારા સુરક્ષિત છે અને ઇઝરાયેલી સૈનિકો તેમની આસપાસ પેટ્રોલિંગ કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય સહાય એજન્સીઓ આગ્રહ કરી રહી છે કે તેઓ કોઈ પણ સહાય યોજનાને સમર્થન આપશે નહીં જે મૂળભૂત માનવતાવાદી સિદ્ધાંતોનું પાલન કરવામાં નિષ્ફળ જાય. આ એજન્સીઓ કહે છે કે GHF સિસ્ટમ એક રીતે એવા લોકોને મદદના દાયરાથી બાકાત રાખશે જેઓ કેન્દ્રો સુધી પહોંચી શકતાં નથી. આમાં ઘાયલો, અપંગો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. ટીકાકારો કહે છે કે આ સિસ્ટમ વિસ્થાપનને પ્રોત્સાહન આપશે. આ સંગઠન મદદ માટે શરતો લાદી રહ્યું છે અને તેના રાજકીય હેતુઓ છે. આ સંસ્થા એવી સહાયનું વિતરણ કરવાનો દાખલો બેસાડી રહી છે જે સ્વીકારી શકાતી નથી.

ઇઝરાયલી અધિકારીઓનું કહેવું છે કે તેમણે લોટ, બાળકોનો ખોરાક અને તબીબી પુરવઠો લઈ જતી ૬૬૫ ટ્રકોને ગાઝામાં પ્રવેશવાની મંજૂરી આપી છે. યુએન વર્લ્ડ ફુડ પ્રોગ્રામના વડાએ રવિવારે ચેતવણી આપી હતી કે ગાઝામાં ભયંકર ભૂખમરો, મૂળભૂત ખાદ્ય પુરવઠાનો અભાવ અને ખાદ્ય પદાર્થોના વધતા ભાવ વચ્ચે આટલી સહાય સમુદ્રમાં એક ટીપું છે. સંયુક્ત રાષ્ટ્રના મતે આગામી મહિનાઓમાં ગાઝામાં લગભગ પાંચ લાખ લોકો ભૂખમરાનો સામનો કરશે.

આ એજન્સીઓનું કહેવું છે કે તેમનાં હજારો વાહનો ગાઝાની બહાર પાર્ક કરેલાં છે પણ તેમને ગાઝા પટ્ટીમાં પ્રવેશ કરવાની મંજૂરી ઈઝરાયેલ દ્વારા આપવામાં આવતી નથી. લોકો સુધી મદદ પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે તેમની પાસે એક વિગતવાર યોજના છે, પણ તેમને ઈઝરાયેલની શરતો મંજૂર નથી, માટે તેમની સહાય જરૂરિયાતમંદો સુધી પહોંચી શકતી નથી. આ બાજુ ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ટી.વી. પર આવીને ડંફાસ મારી રહ્યા છે કે તેમનું સૈન્ય ગાઝા પટ્ટીનાં જરૂરિયાતમંદ લોકોને અનાજ પણ પહોંચાડી રહ્યું છે.

દરમિયાન હમાસે પેલેસ્ટિનિયનોને GHF સાથે સહકાર ન આપવા જણાવ્યું છે. હમાસે એક નિવેદનમાં કહ્યું છે કે આ સંગઠન વ્યવસ્થાને બદલે અરાજકતા પેદા કરશે. આનાથી એવી નીતિ લાદવામાં આવશે જેનાથી પેલેસ્ટાઇનનાં લોકો ભૂખમરાનો ભોગ બનશે અને યુદ્ધના સમયમાં તે ખોરાકનો ઉપયોગ હથિયાર તરીકે કરશે. ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશને હમાસના આ નિવેદનની નિંદા કરી છે. સંગઠને કહ્યું કે હમાસ GHF ને મદદ કરનારાંઓને જાનથી મારી નાખવાની ધમકી આપીને નિશાન બનાવી રહ્યું છે. GHF ના સુરક્ષિત છૂપાયેલાં સ્થળોને નિશાન બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હમાસ ગાઝાનાં લોકોને સહાય વિતરણ કેન્દ્રો સુધી પહોંચતાં પણ રોકી રહ્યું છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે નેતન્યાહૂની યોજનામાં ઉત્તરી ગાઝામાંથી નાગરિકોને સંપૂર્ણપણે ખાલી કરાવવા અને દક્ષિણ ગાઝામાં તેમને બળજબરીથી વિસ્થાપિત કરવાનો સમાવેશ થાય છે. આ કારણે GHF દ્વારા દક્ષિણ ગાઝામાં સહાય વિતરણ કેન્દ્રો ખોલવામાં આવ્યાં છે. આ સહાય લેવા ઉત્તર ગાઝામાં રહેતાં લોકોને ફરજિયાત દક્ષિણ ગાઝામાં આવવું પડે છે અને ત્યાં જ સ્થાયી થવું પડે છે. GHF દ્વારા વૃદ્ધો અને બાળકો માટે ટિફિન પણ આપવામાં આવતાં નથી. આ કારણે તેમણે રાહત કેન્દ્રો સુધી લાંબા થવું પડે છે. ઈઝરાયેલના સૈન્યને શંકા છે કે બાળકો અને વૃદ્ધોને નામે આતંકવાદીઓ સુધી ખોરાક પહોંચાડાય છે.

૭ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ હમાસે સરહદ પાર કરીને ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ૧૨૦૦ લોકો માર્યા ગયાં હતાં અને ૨૫૧ લોકોને બંધક બનાવવામાં આવ્યાં હતાં. આ પછી ઇઝરાયલે ગાઝામાં હુમલા શરૂ કર્યા હતા. ૨ માર્ચના રોજ ઇઝરાયલે ગાઝામાં પહોંચતી સહાય પર સંપૂર્ણ નાકાબંધી લાદી દીધી હતી. આ ત્રણ મહિનામાં ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલની પરવાનગી વગર દુનિયાની કોઈ સંસ્થા રાહત સામગ્રી પહોંચાડી શકતી નથી. બે અઠવાડિયાં પછી તેણે હમાસ સાથે બે મહિનાનો યુદ્ધવિરામ સમાપ્ત કર્યો અને ગાઝામાં લશ્કરી આક્રમણ શરૂ કર્યું. ઇઝરાયલે કહ્યું છે કે તેણે ગાઝામાં હમાસ દ્વારા રાખવામાં આવેલા ૫૮ બંધકોની મુક્તિને સુરક્ષિત કરવા માટે આ પગલું ભર્યું છે. એવું માનવામાં આવે છે કે આ બંધકોમાંથી ૨૩ જીવિત છે. ૧૯ મેના રોજ,

ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સંપૂર્ણ આક્રમણ માટે લીલી ઝંડી આપી હતી અને કહ્યું હતું કે તેઓ સેનાને ગાઝાના તમામ વિસ્તારોને નિયંત્રણમાં લેતાં જોવા માંગે છે. ઈઝરાયેલની દાનત ગાઝા પટ્ટીમાં રહેતાં ૨૦ લાખ લોકોને તડપાવી તડપાવીને મારી નાખવાની છે, જેથી તેઓ બચવા માટે ગાઝા પટ્ટી છોડીને અન્ય દેશોમાં આશરો લે અને સમગ્ર ગાઝા પટ્ટી પર ઈઝરાયેલનો અંકુશ સ્થાપિત થઈ જાય. આ માટે ઈઝરાયેલે માનવતાને પણ નેવે મૂકી છે. ઈઝરાયેલને મદદ કરનારા બ્રિટન, અમેરિકા જેવા દેશો આ પાપમાં સામેલ છે. તેઓ ક્યા મોંઢે માનવ અધિકારોનું રક્ષણ કરવાનો દાવો કરી રહ્યા છે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top