રાજકીય સ્વતંત્રતાનો અર્થ ત્યાં સુધી નથી સરતો, જ્યાં સુધી આર્થિક સ્વતંત્રતાને મામલે આપણે એક રાષ્ટ્ર તરીકે સધ્ધર હોઇએ. ખાદ્ય અનાજને મામલે આપણે એક દેશ તરીકે, તે પણ ખાસ કરીને આપણે જ્યારે એક ખેતીપ્રધાન દેશ હોઇએ ત્યારે આત્મનિર્ભર હોઇએ તે સૌથી અનિવાર્ય બાબત છે. સ્વતંત્રતા હાથમાં આવી પણ ત્યારે આપણે ખાદ્યની તંગીમાં જીવનારો દેશ હતા અને 60ના દાયકામાં આ પરિસ્થિતિ વધુ આકરી બની. આ એ દિવસો હતા જ્યારે આયાત કરાયેલું ધાન – ખાદ્યસામગ્રી બને એટલી જલ્દી લોકોના ઘર સુધી પહોંચે તેની સગવડ કરવી એક માત્ર ઉકેલ હતો. અંગ્રેજીમાં હેન્ડ ટુ માઉથના વાક્યપ્રયોગનો ઉપયોગ થાય છે ત્યારે ‘શિપ ટુ માઉથ’ એવો વાક્યપ્રયોગ થતો – જહાજો મારફતે ધાન ભારત પહોંચતું પણ એ ત્યારની વાત છે. આજે એવા સંજોગો છે કે ફૂડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાના ગોડાઉન્સ અનાજના ભંડારોથી ઉભરાઇ રહ્યા છે અને કેન્દ્ર સરકાર ખેડૂતોને તેમના પાકની યોગ્ય કિંમતો ચૂકવવાને મામલે કોઇ ખાતરી નથી આપી શકતી.
આ બદલાવ પણ ઝડપથી નથી આવ્યો. વિચારો કે 60ના દાયકામાં વડા પ્રધાનને અન્ય રાષ્ટ્રો પાસે અનાજ માંગવું પડતું – અણગમતી સ્થિતિ ખરી પણ ટાળી ન શકાય એવી હાલત. કૃષિ વિજ્ઞાન પર સતત કામ કરાયું અને અનાજ ઉત્પાદનને મામલે ભારતને આત્મનિર્ભર કરાયો અને ભારતે જોઇ એ હરિયાળી ક્રાંતિ. 7 જૂનને વર્લ્ડ ફૂડ સેફટી દિવસ તરીકે મનાવવામાં આવે છે, જ્યારે કંઇ નહોતું ત્યારે પણ પ્રશ્નો હતા અને આજે અધધધ છે ત્યારે પણ પ્રશ્નો છે. સ્વાભાવિક છે કે પ્રશ્નો જુદા હોય પણ સમસ્યાઓ ઉકલે નહીં તે ઘણું બધું કહી જાય છે.
તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો. આ પ્રતિબંધ પણ ત્યારે આવ્યો જ્યારે થોડા દિવસ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિશ્વ આખું ઘઉંની અછત વેઠી રહ્યું છે ત્યારે ભારતના ખેડૂતો આગળ આવ્યા. આ પ્રતિબંધનો નિર્ણય લેવાનું કારણ હતું – હીટ વેવ, જેને લીધે પાકને નુકસાન થયું. વિદેશ વ્યાપારના ડિરેક્ટોરેટના સરકારી ગેઝેટમાં એક નોટિસ હતી જે અનુસાર વૈશ્વિક સ્તરે ઘઉંની કિંમતોમાં જે વધારો થયો છે તે ભારત અને આસપાસના સંવેદનશીલ દેશોની ફૂડ સિક્યુરિટી – ખાદ્ય સુરક્ષા પર જોખમી સાબિત થશે.
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે પહેલાં આ બન્ને દેશ ઘઉં અને બાજરીની નિકાસને મામલે વિશ્વમાં 3 ક્રમાંકે હતા. યુક્રેનના બંદરો બંધ કરાયેલા છે અને અનાજના ભંડારો – માળખું બધું નાશ પામ્યું છે. આપણે ઘઉંના ઉત્પાદનને મામલે વિશ્વમાં 2 ક્રમાંકે છીએ પણ સૌથી વધુ ઘઉંનો વપરાશ કરનારા દેશમાં આપણે મોખરે છીએ. ભારતે 2022-23 દરમિયાન 10 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન કરવાનો નિર્ણય કર્યો હતો જેથી યુરોપ, આફ્રિકા અને એશિયાના નવા માર્કેટ્સ ખડા થઇ શકે કારણ કે યુદ્ધને કારણે ત્યાં સંજોગો કપરા હતા.
જો યુદ્ધ ન થયું હોત તો આ ઘઉં ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને થાઇલેન્ડ જેવા વિકાસશીલ રાષ્ટ્રોમાં પહોંચ્યા હોત. મોસમે તો પાક બગાડ્યો જ પણ રોગચાળા દરમિયાન 800 મિલિયન લોકોને અનાજની નિઃશુલ્ક વહેંચણી કરાઇ છે. પુરવઠા અને માંગને સંતુલિત કરવા માટે સરકારને 25 મિલિયન ટન ઘઉંની દર વર્ષે જરૂર પડે છે. ખાદ્ય કલ્યાણ યોજના અંતર્ગત જેનાથી 80 મિલિયન લોકોને નિઃશુલ્ક અનાજ પહોંચાડી શકાય.
વૈશ્વિક સ્તરે જોઇએ તો અનાજની કિંમતો આકાશે આંબી છે. ખાદ્ય સુરક્ષાની સ્થિતિ મોટાભાગના વિકાસશીલ દેશોમાં વણસી છે. 2021માં 200 મિલિયન લોકોએ ખાદ્ય અસુરક્ષાનો સામનો કર્યો છે. આ આંકડો 2016ના આંકડા કરતાં બમણો છે. આખરે આ સંજોગો શેને કારણે? પર્યાવરણમાં આવતા બદલાવ, રોગચાળો અને છેલ્લા બે વર્ષમાં થયેલા રાજકીય સંઘર્ષો આ હાલતના મુખ્ય કારણ છે. ઇથોપિયા, દક્ષિણ સુદાન, દક્ષિણ માડાગાસ્કરમાં ભૂખે મરનારાઓનો આંકડો કૂદકે અને ભૂસકે વધ્યો છે. 2021ની સરખામણીએ ખાદ્યની કિંમતોમાં 26 % વધારો થયો છે. ઘઉંની કિંમતોમાં 61 % વધારો થયો છે અને વર્લ્ડ બેંકની ધારણા છે કે આ કિંમતો હજી વધે તેવી વકી છે.
વૈશ્વિક સ્તરે ખાદ્ય સુરક્ષાની સમસ્યા જેટલી આકરી બની રહી છે, તેટલી જ કપરી સ્થિતિ ભારત માટે થાય કારણ કે મોટા જથ્થામાં અનાજ મોકલવું પડે. આપણે ત્યાં અર્થતંત્ર બરડ બન્યું છે. રોગચાળા પછી લોકોને એક કોળિયો નસીબમાં નથી ત્યારે આપણે નિકાસ કરીએ તો ઘરના ભૂખ્યા મરે પણ શું આ માત્ર માંગ અને પુરવઠાનો ખેલ છે? એક રિપોર્ટ અનુસાર આ કોમોડિટી માર્કેટ્સ અંગે ધારણાઓ જાહેર કરતી રોકાણકારી સંસ્થાઓ અને ફંડિંગ આપતી સંસ્થાઓને કારણે ભાવવધારો થયો છે. આ હાલત માટે લોબીઇસ્ટ અને ખાદ્યક્ષેત્ર પર કાબૂ રાખનારાઓ પણ જવાબદાર છે. છેલ્લા 2 વર્ષમાં રોકાણકારોએ કૃષિ ઉત્પાદનોમાં પોતાની ભાગીદારી વધારી, હેજ ફંડ્ઝ, ઇન્વેસ્ટમેન્ટ બેંક્સ, પેન્શન ફંડ તમામે વૈશ્વિક સ્તરે ભૂખ અને ગરીબી વધારી છે. આ એક એવું સટ્ટાબજાર છે જે ભૂખ પર ખેલાય છે.
ઘઉંની ચિંતા આખી દુનિયા કરે છે કારણ કે મકાઇ અને સોયાબીન પછી ઘઉં સૌથી વધુ વપરાતો પાક છે. ખાદ્ય સુરક્ષા માટે તે સૌથી અગત્યનું અનાજ છે. આપણે વૈશ્વિક ખાદ્ય કટોકટીની ધાર પર ઊભા છીએ. રોબિન્સન મેયર નામના વિશ્લેષકે લખ્યું છે કે ઘઉં નથી એ સમસ્યા નથી પણ ઘઉં ખોટા સ્થળોએ છે તે જ મોટી સમસ્યા છે. રશિયા અને યુક્રેન મળીને 55 મિલયન ટન ઘઉં પેદા કરે છે જે હાલમાં પણ છે. પણ એ પુરવઠાનું થશે શું તેનો કોઇ ઉત્તર નથી. વળી યુદ્ધ એક માત્ર કારણ નથી. ક્લાઇમેટ ચેન્જને લગતી ઘટનાઓ ખાદ્ય સુરક્ષાનો પ્રશ્ન વધુ ને વધુ મોટો બનાવે છે.
2021માં વિશ્વમાં ઘઉંની અછત કેનેડા અને USAના હીટવેવ અને દુકાળને કારણે સર્જાઇ. ચીને પણ ગયા વર્ષે જે વરસાદ વેઠ્યો તેમાં 30 મિલયન એકર જેટલો પાક બગડ્યો અને આ મોસમને કારણે 18 મિલિયન એકર જમીન પર વાવણી મોડી થઇ અને પછી સર્જાઇ ખાદ્ય કટોકટી. સમય પાક્યો છે કે રાષ્ટ્રો ખાદ્ય સુરક્ષાને મુદ્દે પર્યાવરણમાં આવતા આકરા પરિવર્તનોના પ્રશ્ન ઉકેલવાની દિશામાં ધ્યાન કેન્દ્રિત કરે કારણ કે સત્તાનું જોર, યુદ્ધમાં વિજય કે શસ્ત્રોનું જોર બતાડીને દેશવાસીઓના પેટ નહીં ભરી શકાય.