Charchapatra

ફૂડ કોર્પોરેશનનું ખાનગીકરણ દેશના ગરીબોમાં ભૂખમરો પેદા કરશે

ભારતના કરોડો ગરીબો બે ટંક ભોજન ભેગા થાય છે તેમાં  ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો મોટો ફાળો છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પબ્લિક સેક્ટરની કંપની છે, જેની સ્થાપના ૧૯૬૪માં થઈ હતી. ફૂડ કોર્પોરેશન કિસાનો પાસેથી લઘુતમ ટેકાના ભાવે લાખો ટન અનાજ ખરીદે છે, અને પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (પીડીએસ) ના માધ્યમથી દેશના કરોડો ગરીબોને સસ્તામાં વેચે છે.

આ પ્રક્રિયામાં તેને જે ખોટ જાય છે તે કેન્દ્ર સરકાર ભરપાઈ કરે છે. જો ફૂડ કોર્પોરેશન કિસાનો પાસેથી ટેકાના ભાવે અનાજની ખરીદી ન કરે તો તે ગરીબોને મફતમાં કે સસ્તામાં અનાજ આપી શકે નહીં. ગરીબોને જો રેશનમાં મફત કે સસ્તું અનાજ ન મળે તો તેઓ ભૂખમરાનો ભોગ બની શકે છે.

તાજેતરમાં ભારતની સંસદ દ્વારા જે ત્રણ કૃષિવિષયક કાયદાઓ પસાર કરવામાં આવ્યા તેનો હેતુ સરકારી મંડી પદ્ધતિનો અંત લાવીને ખાનગી સમાંતર મંડીઓને પ્રોત્સાહન આપવાનો છે. જો કિસાનો પોતાનું અનાજ ખાનગી મંડીઓમાં વેચવા લાગશે તો ફૂડ કોર્પોરેશન પર્યાપ્ત અનાજની ખરીદી કરી નહીં  શકે.

જો ફૂડ કોર્પોરેશન પાસે અનાજ નહીં આવે તો તે રેશનની દુકાનોમાં ગરીબોને મફતમાં કે સસ્તામાં અનાજ આપી નહીં શકે. ગરીબો પાસે ખુલ્લા બજારમાંથી અનાજ ખરીદવાના રૂપિયા નહીં હોય તો તેઓ ભૂખે મરશે. કિસાનો દ્વારા જે કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેનું એક કારણ એ પણ છે કે સરકાર ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું ખાનગીકરણ કરવા માગે છે.

તાજેતરમાં એવી હકીકત બહાર આવી છે કે ફૂડ કોર્પોરેશન દ્વારા હરિયાણામાં અદાણી કંપનીને કરોડો રૂપિયાનું ભાડું આપીને તેના ગોદામો રાખવામાં આવ્યા હતા, પણ તેમાં અનાજનો સંગ્રહ કરવાને બદલે સરકારી ગોદામમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો. તેને કારણે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન ગયું હતું. જ્યારે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) ના હેવાલમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે સરકારે કેગને તે હેવાલ પડતો મૂકવા જણાવ્યું હતું.

૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપની સરકાર આવી તે પછી ફૂડ કોર્પોરેશનના ખાનગીકરણની હિલચાલ ચાલી રહી છે. તે માટે કારણ આપવામાં આવી રહ્યું છે કે ફૂડ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર છે અને તે ખોટ ખાઈ રહ્યું છે. જો ફૂડ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર ચાલતો હોય તો તેના માટે સરકાર જવાબદાર છે, કારણ કે તેનો વહીવટ સરકાર કરી રહી છે.

જો ફૂડ કોર્પોરેશન ખોટમાં ચાલી રહ્યું હોય તો તેનું કારણ એ છે કે તે કિસાનો પાસેથી ઊંચા ભાવે અનાજની ખરીદી કરીને ગરીબોને સસ્તામાં વેચે છે. ફૂડ કોર્પોરેશન કોઈ વેપારી સંસ્થા નથી અને તેનો હેતુ નફો કરવાનો પણ નથી. ફૂડ કોર્પોરેશન એક તરફ ગરીબ કિસાનોના અને બીજી તરફ ગરીબ નાગરિકોના કલ્યાણનું કામ કરે છે.

આ પ્રક્રિયામાં તેને ખોટ જાય તે સહજ છે. જો તે ખોટ ખાય છે તેવું બહાનું બતાડીને તેનું ખાનગીકરણ કરવામાં આવશે તો કિસાનોને લઘુતમ ટેકાના ભાવો મળતા બંધ થઈ જશે અને ગરીબોને સસ્તું અનાજ પણ મળતું બંધ થઈ જશે. ફૂડ કોર્પોરેશનના ખાનગીકરણની હિમાયત કરનારાઓ હકીકતમાં ફૂડનો બિઝનેસ કરીને અબજો રૂપિયા કમાવા માગતા ઉદ્યોગપતિઓની જ તરફેણ કરી રહ્યા છે.

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં કુલ આશરે ૨૨,૦૦૦ કર્મચારીઓ કામ કરે છે. બીજા કેટલાક કર્મચારીઓ કોન્ટ્રેક્ટ પર પણ રાખવામાં આવ્યા છે. ફૂડ કોર્પોરેશનનું વાર્ષિક બજેટ આશરે ૧.૫ લાખ કરોડ રૂપિયાનું છે, પણ તેની ખોટ ત્રણ લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. ભાજપના રાજમાં ફૂડ કોર્પોરેશનની ખોટ કેવી રીતે વધી ગઈ તે પણ સમજવા જેવું છે.

ફૂડ કોર્પોરેશન કિસાનો પાસેથી અનાજ ખરીદે અને ગરીબોને વેચે તેમાં જે ખોટ જતી હોય તે કેન્દ્ર સરકાર દ્વારા ભરપાઇ કરવામાં આવતી હોય છે. આ ખોટની જોગવાઈ બજેટમાં કરવામાં આવતી હોય છે. વિશ્વ વેપાર સંસ્થાના કરારમાં સહી કરવાને કારણે ભારતે ફૂડ સબસિડીમાં કાપ મૂકતા બજેટમાં કરવામાં આવતી ફાળવણી ઓછી કરવામાં આવી હતી. ૨૦૧૬-૧૭માં સરકારે ફૂડ કોર્પોરેશનને નેશનલ સ્મોલ સેવિંગ ફંડમાંથી કર્જ લેવાની પરવાનગી આપી હતી, જેને કારણે તેનું કર્જ વધતું ગયું હતું.

ભાજપ સરકાર સત્તા પર આવી ત્યારે ૨૦૧૪-૧૫માં ફૂડ કોર્પોરેશનની ખોટ ૯૧,૪૦૯ કરોડ રૂપિયા હતી તે ૨૦૧૯ના માર્ચમાં ૨.૬૫ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ હતી. તેમાં ૧.૯૧ લાખ કરોડ રૂપિયા તો નેશનલ સ્મોલ સેવિંગ ફંડનાં દેવાંના રૂપમાં હતા. ૨૦૧૩માં યુપીએ સરકાર દ્વારા ફૂડ સિક્યુરિટી કાયદો પસાર કરવામાં આવ્યો હતો. તેને કારણે પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમના લાભાર્થીઓ વધ્યા છે. તેને કારણે પણ ફૂડ કોર્પોરેશનની ખોટમાં સતત વધારો થઈ રહ્યો છે.

ફૂડ કોર્પોરેશનને સબસિડી આપીને તેને ટકાવી રાખવાને બદલે તેનાં ખાનગીકરણની હિલચાલ કરીને સરકાર કિસાનોને અને ગરીબોને ફટકો મારવાની કોશિષ કરી રહી છે. સરકારે તૈયાર કરેલી યોજના મુજબ ફૂડ કોર્પોરેશનના ત્રણ ટુકડા કરવામાં આવશે.

એક ટુકડો નેશનલ ગ્રેઇન પ્રોકરમેન્ટ કોર્પોરેશન તરીકે ઓળખાશે, જેનું કામ કિસાનો પાસેથી અનાજની ખરીદી કરવાનું હશે. બીજો ટુકડો લોજિસ્ટિક એન્ડ ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન તરીકે ઓળખાશે, જેનું કામ અનાજનું પરિવહન અને વિતરણ કરવાનું હશે. ત્રીજો ટુકડો સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન તરીકે ઓળખાશે, જેનું કામ અનાજનો સંગ્રહ કરવાનું હશે. સરકારે અનાજનો સંગ્રહ કરવાનું કામ તો ખાનગી કંપનીઓને સોંપવાનો પ્રારંભ પણ કરી દીધો છે.

આ યોજના મુજબ અદાણી જેવી કંપનીઓ દ્વારા મોટા ગોડાઉનો તૈયાર કરવામાં આવ્યાં છે, જેને ફૂડ કોર્પોરેશન ભાડે રાખે છે. ફૂડ કોર્પોરેશન દ્વારા દર વર્ષે કિસાનો પાસેથી મોટા જથ્થામાં અનાજની ખરીદી કરવામાં આવે છે તેને કારણે ભારતના ગરીબો ભોજન પામે છે.

સરકારે બફર સ્ટોક માટે ૨૧૪ લાખ મેટ્રિક ટનની મર્યાદા નક્કી કરી છે, પણ ફૂડ કોર્પોરેશનના ગોદામોમાં તેના કરતાં ઘણા વધુ અનાજનો સંગ્રહ કરવામાં આવે છે. ૨૦૨૦ના માર્ચમાં ફૂડ કોર્પોરેશનના ગોદામોમાં ૮૨૧.૬ લાખ મેટ્રિક ટન અનાજનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.

તેને કારણે કોરોનાના કાળમાં પણ સરકાર નવ મહિના સુધી કરોડો ગરીબોને મફતમાં અનાજ આપી શકી હતી. તા. ૩૧ ડિસેમ્બરે બફર સ્ટોક ઘટીને ૫૧૨. ૯ લાખ મેટ્રિક ટન પર આવી ગયો હતો. જો સરકાર બફર સ્ટોકની ૨૧૪ લાખ મેટ્રિક ટનની મર્યાદાને વળગી રહી હોત તો લોકડાઉન દરમિયાન લાખો ગરીબો ભૂખ્યા મરી ગયા હોત.

સરકારે હવે ફૂડ કોર્પોરેશનના ખાનગીકરણની અને સરકારી મંડીઓના વિસર્જનની જે પ્રક્રિયા હાથ ધરી છે તેને કારણે અનાજની ખરીદી, સંગ્રહ અને વિતરણ તમામ ખાનગી કંપનીઓના હાથમાં જતા રહેશે. નવા કાયદા મુજબ ખાનગી કંપનીઓને અનાજના સંગ્રહની મર્યાદામાંથી મુક્તિ આપવામાં આવી છે.

તેઓ કિસાનો પાસેથી અનાજની ખરીદી કરશે અને લાખો મેટ્રિક ટન અનાજનો સંગ્રહ પોતાનાં ગોદામોમાં કરશે. તેનું વેચાણ તેઓ સુપર માર્કેટોમાં કરશે. કિસાનોને ટેકાના ભાવો મળતા બંધ થઈ જવાથી તેઓ બરબાદ થઈ જશે. ગરીબોને સસ્તું અનાજ મળતું બંધ થઈ જશે તો તેમને ભૂખે મરવાનો વારો આવશે. નાના વેપારીઓ પાયમાલ થઈ જશે કારણ કે તેમને મોટી કંપનીઓ સાથે સ્પર્ધા કરવી પડશે. સરકાર ઝડપથી આ દિશામાં આગળ વધી રહી છે.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top