વડોદરા : વડોદરા સહિત મધ્યગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સતત ચાલુ રહેલા વરસાદના પગલે નદી-નાળાઓ ભરાઇ ગયા છે. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં ઢાઢર અને દેવ નદીમાં જળસ્તર વધતાં તાલુકાના કેટલાક ગામ સંપર્ક વિહોણા થઇ ગયા છે. વડોદરા જિલ્લામાં પણ વરસાદના પગલે આજવા સરોવરની સપાટીમાં છેલ્લા ચોવીસ કલાકમાં એક ફૂટનો વધારો થઇ ગયો છે. જ્યારે વિશ્વામિત્રી નદીમાં પ્રથમ વખત 16.50 ફૂટની સપાટી ઉપર પહોચી ગઇ છે. જ્યારે આજવા સરોવરની સપાટી રાત્રે 8 વાગ્યે 209 ફૂટે પહોંચી હતી. કડાણા 123.75 ફૂટે પહોંચી છે.
વડોદરા શહેરમાં સતત ચાલુ રહેલા વરસાદના કારણે અનેક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હોવાની બૂમો ઉઠી છે. તેમાં વિકાસના ચાલતા કામોના કારણે અનેક મુખ્ય રસ્તાઓ બેસી પણ ગયા છે. શ્રીજીની સ્થાપના સાથે શરૂ થયેલ વરસાદ ગઈકાલે પણ સતત ચાલુ રહ્યો હતો. શહેરમાં વરસાદને પગલે પાલિકા ની પરિમોન્સૂન ની કામગીરી ની પોલ ખુલી ગઈ હતી જ્યારે શહેર ના કેટલાક વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા સર્જાય હતી.શહેર ના ચાર દરવાજા માં વર્ષો થી પાણી ભરવાની સમસ્યા સર્જાય છે છતાં પણ પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી અને વેપારીઓને કરોડો રૂપિયાનો માલ સામાન વરસાદી પાણી ઘુસી જવાથી ખરાબ થઈ જાય છે, શહેર ના રાવપુરા, માંડવી, કારેલીબાગ, જ્યુબિલીબાગ, નાગરવાડા, ફતેગંજ અને રાજમહેલ રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
પંચમહાલ જિલ્લાના હાલોલ, જાંબુઘોડા વિસ્તારમાં તથા આજવા સરોવરના ઉપરવાસમાં સતત ચાલુ રહેલા વરસાદના કારણે આજવા સરોવરમાં પાણીની સપાટીમાં ઝડપભેર વધારો થઇ રહ્યો છે. ચોવીસ કલાક અગાઉ આજવા સરોવરની સપાટી 208.30 ફૂટ હતી, જે ગુરુવારે રાત્રે 209. ફૂટે પહોચી હતી. પ્રતાપપુરા સરોવરથી આસોજ ફીડર થતી આજવામાં પાણી સતત ઠલવાઇ રહ્યુ હતુ. જેના પગલે ચોવીસ કલાકમાં જ 1. ફૂટનો વધારો જોવા મળ્યો હતો. જે આજે 210 ફૂટ ઓળંગી જાય તેમ મનાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરવાસમાં ભારે વરસાદને પગલે દેવ નદીમાં નવા નીરની આવકમાં વધારો જોવા મળ્યો છે.વાઘોડિયાના વ્યારા પાસે આવેલા દેવ નદીની સપાટીમાં વધારો થતા કેટલાક માર્ગો સંપર્ક વિહોણા બન્યા હતા. જોકે સવારથી પાણી ઘટવાનું શરૂ થતાં માર્ગો ખુલવા પામ્યા છે. આ ઉપરાંત દેવ નદી ડભોઇ તાલુકામાં ઢાઢરને મળતી હોવાથી આ બંન્ને નદીના જળસ્તરમાં પણ વધારો થઇ ગયો હોવાથી ડભાઇ તાલુકાના કેટલાક ગામોની આસપાસ નદીના પાણી ફરી વળ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદ પડ્યો હતો. જેનાથી ઓરસંગ સહિત અન્ય નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી હતી. અને તમામ રેતીની લિઝો બંધ હાલતમાં પડી હતી.
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓમાં નવા નીરની આવક માં વધારો જોવા મળ્યો છે. વરસાદ ના વરસતા તો હોત તો પાણીની તંગી સર્જાય તેવી શક્યતા હતી. ઉપરવાસમાં વરસાદને કારણે આવતા પાણીના પ્રવાહ ને લઈને કડાણા અને મહિસાગર જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. કડાણા જળાશય 123.75 ફૂટ પહોંચ્યું છે જ્યારે 127.71 થાય તો ફૂલ થાય એમ છે. મહીસાગર સહિત અનેક જળાશયોમાં નવા નીર આવતા પાણીની તંગી ના કાળા વાદળો દૂર થયા હતા.