સુરત : રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine War) અને વૈશ્વિક મંદીને (Inflation) લીધે ઘણા વર્ષો પછી સુરતની (Surat) મોટી ડાયમંડ મેન્યુફેક્ચર્સ કંપનીઓને (Diamond Company) પણ ફરજિયાત ઉનાળુ વેકેશન (Summer Vacation) રાખવું પડ્યું છે. આ કંપનીઓ ઉનાળામાં વતન જતા રત્નકલાકારો માટે 7 દિવસ વેકેશન રાખતી હતી. એને બદલે ચાલુ વર્ષે 15 દિવસનું વેકેશન જાહેર કર્યું છે.
- હીરા ઉદ્યોગમાં મંદીને પગલે મોટી કંપનીઓએ વર્ષો પછી 7 ને બદલે 15 દિવસનું વેકેશન પાળ્યું
- 15% નાના અને મધ્યમ હરોળના કારખાના 5 જૂન સુધી બંધ
- 300 નાના કારખાના વેકેશન પછી ખુલશે કે કેમ એને લઈ કારીગરોમાં ચિંતા
મોટી કંપનીઓના મેનેજરોએ રત્નકલાકારોને છૂટ આપી છે કે જો તેઓ 7 જુનથી કામે ચઢવા માંગતા હોય તો એવું કરી શકે છે. કંપની 7 દિવસની જ રજાનો પગાર આપશે. મોટી કંપનીઓમાં કિરણ અને શીતલ જેમ્સએ વેકેશન રાખ્યું નથી. કર્મચારીઓને બોનસમાં વાહનો, જ્વેલરી અને ફ્લેટ આપનાર કંપનીએ પણ વેકેશન રાખી બજારની સ્થિતિ કેવી છે, એનો અંદાજ સૂચવી દીધો છે.
જો મોટી કંપનીઓના પાટીયા બેસી ગયા હોય તો નાની કંપનીઓની શું હાલત હશે ? ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, 15% જેટલા નાના અને મધ્યમ હરોળના કારખાનાઓમાં 5 જૂન સુધીનું ફરજિયાત વેકેશન રાખવામાં આવ્યું છે. આ કારીગરોને વતન જવા અને આવવાનો ખર્ચ જુદો થશે. પણ કારખાનું વેતન નહીં આપે, અમે આવતીકાલે ડેપ્યુટી લેબર કમિશનર અને કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યાં છે, જેમાં આવા કારીગરોને ફરજિયાત રજાનું વેતન આપવામાં આવે.
મંદીને લીધે કારખાનાનો સમય 08:30 થી સાંજે 07:00 ને બદલે સવારે 09:00 થી 4 કરી દેવામાં આવ્યો છે. હીરાઉદ્યોગની મંદીના વમળોમાં બે થી પાંચ ઘંટી ચલાવતા 300 જેટલા કારખાનાઓ બંધ થયા છે. 5 જૂન પછી ઘણા કારખાનાઓ ઉઘડશે કે કેમ એને લઈ કારીગર વર્ગમાં ચિંતા ફેલાઈ છે. વરાછા, માતાવાડી, ઘનશ્યામનગર, કતારગામના નંદુ ડોશીની વાડી, જેરામ મોરારની વાડી, પંડોળમાં કેટલાક ખાતાઓ બંધ થયા છે.