વરખ એટલે ભીંગડું, પોપડી કે પડ. એક જાતનું સોના, ચાંદીનું પાતળું પતરું. પાનાનું પડ વરક. હા, તેમાં રૂપ વગેરેની તદ્દન પાતળી પડેલી પતરી પણ હોય. આપણે વારંવાર જેમાં ચહેરો જોઈએ છીએ તે અરીસામાં પછવાડે કરેલું પારા સાથેનું ક્લઈ પડ એટલે પણ વરખ. પિત્તળનાં વાસણોમાં ક્લઈ કરવી પડે. જાતજાતની અને ભાતભાતની મીઠાઈઓ મળે, જેમાં ગોલ્ડન, સિલ્વર વરખ જોવા મળે, જેનાથી મીઠાઈની શોભા વધે. લેનાર, ખાનારને એ આકર્ષિત કરે. જો કે મીઠાઈ નકલી હોય તો પછી વરખનો કોઈ અર્થ રહેતો નથી, માત્ર જોખમ છે.
કોઈ વ્યક્તિની પરખ, ઓળખ માટે મોટી મોટી વાતોનાં વડાં રજૂ કરવામાં આવતાં હોય ત્યારે જાણવું કે, આ ઉપર ઉપરથી વરખ લગાડવામાં આવ્યું છે. અલબત્ત, વ્યક્તિ માન-સન્માન માટેની લાયકાતવાળી હોય તો વરખ શોભે. કહેવાય છે કે સાચી લાયકાત વગર થતી વાહવાહી એ માત્ર ને માત્ર વરખ ચડાવીને કરાતી મશ્કરી માત્ર છે. ગરજવાન હોય તે વરખ ચોંટાડવામાં પાવરધા હોય, એવી વાતો કરે કે સામી વ્યક્તિ ખુશ થઈ જાય.
ઓફિસમાં બોસની વાહવાહી કરનારાઓ મોટે ભાગે બોસને ખુશ રાખવામાં હોશિયાર હોય, તેઓના કામને અગ્રતા મળતી હોય છે. પ્રશંસા કરનારા વરખમાં સોનું કે ચાંદી અથવા રૂપું, સમય સંજોગોને આધારે ઉપયોગ કરે છે. હા, જ્યાં વાહવાહીની જરૂર હોય ત્યાં કરકસર ન જ ચાલે. વિશેષ લાયકાત ધરાવનારને સૌ એક સાથે ઊભા થઈને તાળીઓના ગડગડાટથી વધાવી લેવાની એક પ્રથા પણ છે, જેમાં સૌની શોભા છે.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પૈસો જ પરમેશ્વર
દેશદાઝ ,બંધુભાવના જાય ભાડમાં.આજે તો સમાજ ,દેશ ,કુટુંબ, પરિવાર, સંસ્થાઓમાં બધા જ રૂપિયા માટે રઘવાતા રાજકરણી,ખેલાડી,વડીલો અને અંગત સગાં સંબંધીઓ પણ કળિયુગની કારમી ઝપટમાં આવી ચૂકયા છે. ભગવાન કે તમારા ઈષ્ટદેવ સિવાય કોઈનો પણ ભરોસો ના કરશો.
સુરત – પંકજ એસ. મહેતા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.