Business

ફોગવાના નાક નીચે બે વેપારી વીવર્સના 32 કરોડ ચાઉં કરી રફૂચક્કર થઈ ગયા

સુરત : (Surat) શહેરના સહરા દરવાજા-પૂણા રોડ પર સ્મીમેર હોસ્પિટલ નજીક આવેલી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટના (Global Textile Market) બે વેપારીઓ 32 કરોડમાં કાચા પડ્યા હોવાની વાત વાયુવેગે ફેલાતા 60 થી વધુ લેણદાર વિવર્સે (Weavers) આજ માર્કેટમાં આવેલી ફોગવાની (Fogwa) ઓફિસે પહોંચી હોબાળો મચાવ્યો હતો.

  • ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટમાં બે પેઢી કાચી પડી
  • 60થી વધુ લેણદાર વીવર્સ ફોગવા પર ધસી ગયા
  • 50થી વધુ વીવર્સે ફોગવાને ફરિયાદ આપી
  • પ્રિ-પ્લાન ઉઠમણું કરાયું હોવાની આશંકા
  • ફોગવા પ્રમુખે કહ્યું, વેપારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે
  • વેપારીઓ નાણાં નહીં ચૂકવે તો પોલીસ ફરિયાદ કરાશે: ફોગવા પ્રમુખ

ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું હતું કે, બંને વેપારીઓ દુકાન બંધ કરી જતાં રહેતા વિવરોને પાર્ટી ઉઠી ગયાની શંકા છે. અમે બંને વેપારીઓનો સંપર્ક કરવા પ્રયાસ કરી રહ્યાં છીએ. જો તેઓ વિવરોને નાણા ચૂકવી દેવા સંમત થાય તો રસ્તો કાઢીશું નહીંતર પોલીસમાં ફરિયાદ નોંધાવીશું.

ફોગવાની ઓફિસે વિવરોએ ફરિયાદ કરી હતી કે, ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં ભાડાની દુકાન રાખી વેપાર કરતા બે વેપારીઓએ બે દિવસથી દુકાન નહીં ખોલવા સાથે ફોન બંધ કરી દેતા ઉઠમણાંની શંકા પ્રબળ બની છે. જેમના રેફરન્સથી દુકાન મળી તેમને બોલાવી પૂછપરછ કરવામાં આવી રહી છે. 60 વેપારીઓએ લેણાની યાદી બનાવી ફોગવા પ્રમુખને આપી હતી. ઉઠામણાનો પ્રારંભિક આંક 32 કરોડ પહોંચ્યો છે. જેમાં કાચા પડેલા એક વેપારી પાસે વિવરોએ 20 કરોડ લેવાના થાય છે. એક જ માર્કેટમાં બે ફ્લોર પર અલગ અલગ દુકાનો ધરાવતા ટ્રેડર્સ અચાનક ગાયબ થતાં પ્રિપ્લાન ઉઠમણાની સંભાવના પ્રબળ બની છે.

વિવર્સના રૂપિયા ફસાય નહી એ માટે ફોગવાના પ્રયાસ રહેશે
ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, 50 થી વધુ વિવરની ફરીયાદ ઓફિસે આવી છે. છેલ્લા ઘણા સમયથી આ વેપારીઓ દ્વારા વિવર્સના ફોન ઉપાડવામાં આવ્યા નથી. તેમનો કોઈ સંપર્ક પણ થઈ શક્યો નથી.માર્કેટ એસો.ને આપેલા સરનામે તેઓ મળી આવ્યા નથી. બીજી તરફ એક વેપારીને ઓળખતા વેપારીએ તે 10 દિવસ માટે બહારગામ ગયો હોવાની વિગત આપી હતી. વિવર્સના રૂપિયા ફસાય નહી એ માટે ફોગવાના પ્રયાસ રહેશે.

Most Popular

To Top