દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) હવે ઠંડીનો મારો ફરી શરૂ થઈ ગયો છે. વચ્ચે થોડા દિવસો ગરમીનો અહેસાસ લોકોએ અનુભવ્યો હતો. જ્યારે છેલ્લા ત્રણ દિવસથી વહેલી સવારે ધુમ્મસભર્યું (foggy weather) વાતાવરણ રહ્યું છે. આજે નવસારીમાં મહત્તમ તાપમાન વધતા ગરમી વર્તાઈ હતી. નવસારી જિલ્લામાં લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી નોંધાયુ હતું.
સોમવારે નવસારી જિલ્લામાં મહત્તમ તાપમાન 1.3 ડિગ્રી વધતા 31.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 0.6 ડિગ્રી ગગડતા 15.2 ડિગ્રી નોંધાયુ હતું. જોકે જિલ્લામાં આજે ત્રીજા દિવસે પણ વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ હતું. જોકે આજે તાપમાન વધતા બપોરબાદ ગરમીનો અહેસાસ થયો હતો. સોમવારે સવારે ભેજનુ પ્રમાણ 100 ટકા હતું, જે બપોર બાદ ઘટીને 61 ટકાએ રહ્યું હતું. જયારે આજે ઉત્તર-પશ્ચિમ દિશાએથી દિવસ દરમ્યાન 2.6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જ્યારે વલસાડ-વાપીમાં ઠંડીનો પારો રાત્રિએ 11.5 ડિગ્રીએ પહોંચ્યો હતો. ગઈકાલે 13 ડિગ્રી બાદ આજે 11.5 ડિગ્રીએ ઠંડીનો પારો નીચે ઉતરતો જાય છે. સોમવારે મહત્તમ તાપમાન 34 અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 92 ટકા રહ્યું હતું.
ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે વાતાવરણમાં ધુમ્મસની ચાદર છવાઇ ગઇ હતી. ઝીરો વિઝિબીલીટીના (zero visibility) કારણે વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. સોમવારની વહેલી સવારે દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, ભરૂચ શહેર સહિત જિલ્લાભરમાં પણ ધુમ્મસની ચાદર પથરાઈ હતી. સમગ્ર ભરૂચ શહેર તેમજ આસપાસના વિસ્તાર જાણે ધુમ્મસની ચાદરમાં લપેટાઇ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
ભરૂચ (Bharuch) તથા અંકલેશ્વર (Ankleshwar) શહેરમાં ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે જાણે માર્ગો પણ અદ્રશ્ય થઈ ગયા હતા. ધુમ્મસના પગલે માર્ગ પર ઝીરો વિઝીબિલિટી હોવાના કારણે અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. નોકરિયાત વર્ગનો પણ સમય વેડફાયો હતો. તો સાથે જ ધુમ્મસના કારણે જિલ્લાભરમાં ઠંડીનું પ્રમાણ પણ વધુ જોવા મળ્યું હતું. જોકે અમુક કલાકો બાદ સૂર્યદેવના આગમનથી ધુમ્મસના પ્રમાણમાં ઘટાડો થવાની પણ શરૂઆત થઈ હતી.
બીજી બાજુ સુરતમાં પણ વિતેલા ત્રણ દિવસથી વહેલી સવારે ધુમ્મસને કારણે લોકો હિલ સ્ટેશન જેવો માહોલ અનુભવી રહ્યા છે. ગઈકાલે રાતથી જ શહેરભરમાં ધુમ્મસ કે ફોગ ચાદર ફેલાઈ હતી. જેને પગલે રાતના તાપમાનમા એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.