Business

ધુમ્મસ- ધુમ્મસ!

એક તો ચીની કોવિડનું ધુમ્મસ હટતું નથી તેમાં ગયે અઠવાડિયે શહેરમાં સવારે ઘણું ધુમ્મસ હતું. બહુ વર્ષો પહેલાં સરિતા જોશી અભિનીત એક લોકપ્રિય નાટક આવેલું – ધુમ્મસ! એના પરથી રાજેશ ખન્ના અને નંદાની ફિલ્મ ‘ઇત્તેફાક’ બનેલી. હમણાં કોઈએ કહ્યું કે ‘ધુમ્મસ’ ફિલ્મ જોજો. ગૂગલ સર્ચ કરતા ખબર પડી કે બે ગુજરાતી ફિલ્મ આ નામ પરથી બની છે! એટલે અમે બેઉ જોઈ કાઢી.

ધુમ્મસ (2020) –2020ની ફિલ્મ 20 મિનિટની ટચૂકડી ફિલ્મ છે, જેને બેંગ્લોરના ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ઇન્ડિયન ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. મલયાલમ લેખિકા મીરાંની વાર્તા The vein of memory પરથી બનેલી આ ફિલ્મ, બે જુદા જમાનાની સ્ત્રીઓ વચ્ચેના સંવાદ દ્વારા સ્ત્રી શોષણના ધુમ્મસને વિખેરવાનો પ્રયત્ન કરે છે. શરૂઆત યુવાન મૃણાલિની (સોનાલી ભારદ્વાજ)ના મહાદેવી વર્મા પર લેખ લખવાના પ્રયત્નથી થાય છે જેમાં તેના પતિની સાધારણ માંગણીઓથી ખલેલ પડે છે. પછી એણે થોડો સમય એનાં ઘરડાં દાદીસાસુ સાથે વિતાવવાનો આવે છે. દાદી (પ્રમોદીની નાણાવટી) આમ તો યાદશક્તિ ગુમાવી રહ્યાં હોય એમ એ કોણ છે એવું પણ પૂછે છે પણ પછી એના ભૂતકાળની વાતો સરસ રીતે કરે છે.

કોઈ પણ કડવાશ કે રંજ વગર દાદી પોતાની લેખિકા તરીકેની ઊગતા જ ડામી દેવાયેલી કારકિર્દીની વાતો કરે છે. સ્ત્રીનું કામ તો રાંધવાનું કે છોકરા જણવાનું – એવું દાદીને એનાં સાસુ દ્વારા કહેવામાં આવેલું. કંઈક આવું જ હજુ પણ પ્રચલિત છે એવું હાવભાવ અને મહાદેવી વર્માના પુસ્તકના નામ – શૃંખલાકી કડિયાં – પરથી સૂચિત કરવામાં આવ્યું છે. છેલ્લે દાદી મૃણાલિનીને કહે છે કે ગળામાં ફાંસો ભરતી વખતે એ ગાંઠ બરાબર બંધાય એ જરૂરી છે. એ જો ખોટી લાગે તો સ્મરણશક્તિની નસ પર અસર પડે અને યાદશક્તિ કાયમ માટે જતી રહે! તે વખતે યુવાન વયમાં દાદી ગળામાં દુપટ્ટો વીંટાળતાં બતાવાય છે! ટચૂકડી ફિલ્મોમાં ભાવકે ઘણું બધું જાતે ધારવાનું / સમજવાનું રહે છે, એ એની નબળાઈ છે. બે ય મુખ્ય કલાકાર સરસ છે. દાદીની ભાવહીન અને મૃણાલિનીની બોલકી આંખો ફિલ્મનું સબળું પાસું કહી શકાય.

ધુમ્મસ 2021 – ગયે વર્ષે પણ કોવિડનું ધુમ્મસ હટ્યું નહીં અને કદાચ એટલે એક બીજી ફિલ્મ આવી ગઈ. આ સસ્પેન્સ ફિલ્મ ગુજરાતી ફિલ્મોના નવા યુગની પ્રતિનિધિ કહી શકાય. હવે આપણી ભાષાની ઘણી ફિલ્મો સહજ અને જોવા જેવી બનવા માંડી છે. આમ કોઈ અપેક્ષા કે ધારણા વગર શરૂ કરીએ તો થોડો સમય એમ થાય કે આ શું ચાલી રહ્યું છે! એક યુવાન પરિણીત સ્ત્રી (કિંજલ રાજપ્રિય) પોતાના ઘરમાં આપઘાતના વિચારો કરે છે અને રિવોલ્વર ચલાવવાની હિમ્મત ભેગી કરવાનો પ્રયત્ન કરે છે. એવામાં એક ચોર(જયેશ મોરે) ઘરમાં ઘૂસે છે. સ્ત્રી તે ચોરને પહેલા પડકારે છે અને પછી એને પોતાનું ખૂન કરવા માટે દબાણ કરે છે. જયારે ચોર પૂછે છે કે કેમ તે મરવા માંગે છે તો તે જણાવે છે કે તે તેના પતિ (ઓજસ રાવલ)ના અત્યાચાર અને બેવફાઇથી થાકી છે અને એની પાસે મૃત્યુ સિવાય કોઈ વિકલ્પ નથી. ચોર એને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે એ સાધારણ માણસ છે જે જરૂરિયાત માટે ચોરી કરવા આવ્યો છે, ખૂની નથી અને એને જીવવાનું આમંત્રણ આપે છે.

પૈસા, આડા પ્રેમસંબંધો અને ગુનાહિત માનસ વચ્ચે પણ માનવતા મહેકી શકે એવું પુરવાર કરવા માંગતી ફિલ્મ થોડા સમય પછી રસ જગાવવામાં સફળ રહે છે. એક ઘરમાં જ મોટા ભાગની ફિલ્મ છે એટલે એ બાબતે બહુ ટેક્નિકલ સજ્જતાની જરૂર નથી. વાર્તા કે માવજત પણ બહુ નવી ન હોવા છતાં એકંદરે ફિલ્મ સારી બની છે. બધા મુખ્ય કલાકારો – ખાસ જયેશ મોરેની અદાકારી સરસ છે. ખાસ કરીને કિંજલ અને જયેશ મોરે વચ્ચેનાં દૃશ્યો સરસ બન્યાં છે. ઓમીક્રોનના સમયમાં કદાચ પાછા ઘરમાં બેસવાનું થાય તો આ ફિલ્મ સમય પસાર કરવામાં ચોક્કસ મદદ કરી શકે છે.

Most Popular

To Top