Dakshin Gujarat

નવસારી જિલ્લામાં ફ્લાઈંગ સ્કોડની રચના, વધુ વ્યક્તિ દેખાશે ત્યાં કોરોના ટેસ્ટ કરશે

નવસારી: (Navsari) નવસારી જિલ્લા કલેક્ટરના (District Collector) માર્ગદર્શન હેઠળ ફ્લાઈંગ સ્કોડની (Flying Squad) રચના કરી શહેરના કોરોનાના હોટસ્પોટ વિસ્તારમાં સર્વેની કામગીરી તેમજ ઝૂંડમાં રહેતા લોકોનો સ્થળ પરજ કોરોના ટેસ્ટિંગ (Testing) કરાશે.

નવસારી જિલ્લામાં કોરોનાની બીજી લહેરે લોકોને હચમચાવી નાખ્યા હતા. જિલ્લામાં હજારો લોકો કોરોનાના ભોગ બન્યા હતા. જેમાં ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા. જોકે હાલ જિલ્લામાં કોરોના કાબુમાં છે. પરંતુ આગામી થોડા સમયમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે નવસારી જિલ્લા તંત્ર સતર્ક બન્યું છે. નવસારી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનથી નવસારી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા એક ફ્લાઈંગ સ્કોડની રચના કરવામાં આવી છે.

આ ફ્લાઈંગ સ્કોડમાં એક આરોગ્ય કર્મચારી, એક પોલીસ જવાન અને એક નવસારી-વિજલપોર નગરપાલિકાના કર્મચારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્કોડ નવસારી શહેરના જ્યાં લોકો માસ્ક વગર ફરતા હોય, પાનના ગલ્લા પર, ચાની લારીઓ અને દુકાનોમાં લોકો માસ્ક વગર બેસેલા હોય તેવા લોકોના સ્થળ પર જ આર.ટી.પી.સી.આર સેમ્પલ લઈને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવશે અને જેના પણ સેમ્પલો લેવામાં આવ્યા હોય તેની યાદી પણ તૈયાર કરવામાં આવશે. જો તેમાં કોઈ પોઝિટિવ સામે આવે તો તેને જરૂરી સારવાર માટે ખસેડવામાં આવશે. હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા 6 ટીમ બનાવવામાં આવી છે. અને છેલ્લા 3 દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં 6 દિવસ બાદ 1 અને નવસારીમાં એક કેસ નોંધાયો

વલસાડ, નવસારી : વલસાડ જિલ્લામાં 6 દિવસ બાદ ગુરુવારે કોરોનાનો 1 કેસ અને નવસારી જિલ્લામાં નવો એક કેસ કોરોનાનો નોંધાયો હતો. જ્યારે વલસાડ જિલ્લામાં હવે માત્ર 3 દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં 6045 કેસ નોધાયા છે. જે પૈકી 5592 સાજા થયા છે. જ્યારે 3 દર્દીઓ સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે અત્યાર સુધી કોરોનાનાં 180370 ટેસ્ટ કર્યા છે, જે પૈકી 174325 નેગેટિવ અને 6045 પોઝિટિવ નોંધાયા છે. હાલે વલસાડ જિલ્લામાં ધરમપુર, કપરાડા, પારડી, વાપી ઉમરગામ તાલુકાઓમાંથી કોઈપણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી.

જ્યારે નવસારી જિલ્લામાં આજે કોરોનાનો નવો એક કેસ પાંચમા દિવસે ચીખલી તાલુકામાં નોંધાયો છે. જેથી જિલ્લામાં કુલ 7178 કોરોનાના કેસો નોંધાયો છે. જ્યારે આજે એક કોરોના પોઝીટીવ દર્દીએ કોરોનાને માત આપતા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6983 દર્દીઓ સાજા થયા છે. નવસારી જિલ્લામાં 192 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે.

Most Popular

To Top