હેલ્મેટ પહેરવાનો આગ્રહ વાહનચાલકની સુરક્ષા માટે છે એ સમજી શકાય છે. જેનાથી અકસ્માત દરમિયાન મસ્તકને ઈજા થતી રોકી શકાય. તંત્રનો આગ્રહ વાહનચલાકના ભલા માટે છે પણ આ જ તંત્ર એ વાહન પર આરૂઢ થઈને ગતિશીલ વાહન પર મોબાઈલ પર વાત કરનાર માટે ખાસ ડ્રોન ઉડાવવાં જેવાં છે! હેલ્મેટ ન હોય તો દંડ, તે ચાલુ વાહને મોબાઈલ પર વાત કરીને સામેવાળી નિર્દોષ વ્યક્તિ સાથે અકસ્માત સર્જનારને પણ દંડ તો હોવો જ જોઈએ ને? વાત કરતાં કરતાં સામે જોતાં જ નથી! ચારચક્રી વાહન હાંકનાર પણ કાચ ચઢાવીને મોબાઈલ પર વાત કરતાં ઘણી વાર દૃશ્યમાન થાય છે,
(અકસ્માત થાય તો વધુ નુકસાન તો વાહન પર આરૂઢ વ્યક્તિને જ થાય ને!) મોબાઈલ વર્તમાન સમયમાં અનિવાર્ય છે. ઉપયોગી પણ છે, પણ એનો અર્થ એ તો નહીં કે નિર્દોષ વ્યક્તિ હેરાન થઈ જાય! સુરક્ષિત સ્થળે ઊભા રહીને પણ વાત થઈ શકે ને? ચાલુ વાહને મોબાઈલ રીસીવ ન કરતાં, પછી પણ એ નંબર પર વાત થઈ શકે ને? આપણું પોલીસ તંત્ર સાચા અર્થમાં અનુશાસન ઈચ્છતી હોય તો કોર્પોરેશન સાથે સહકાર સાધીને રસ્તા પરના ખાડા, રસ્તાનું સમારકામ, સારા રસ્તાઓનું નિર્માણ, ગટરનાં ઢાંકણાના ખાડા, વિચિત્ર કમરતોડ બમ્પ, નવા પાર્કિંગ સ્થળ રચી પાર્કિંગ વ્યવસ્થાની સગવડ વિ. બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. ફક્ત દંડ થકી પૈસા ઉઘરાણી કાયદાનું પાલન હઠાગ્રહ કે દુરાગ્રહથી ન થઈ શકે! કાયદાપાલન ફક્ત પ્રજાની જવાબદારી જ નથી. બંને પક્ષે ફરજપાલન આવશ્યક.
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શ્રદ્ધા કે અંધશ્રદ્ધા
આપણાં ઋષિ મુનિઓએ લોકોને ભક્તિ અને ધર્મના માર્ગે વાળવા માટે ઈશ્વર કે ખુદાનું માધ્યમ બતાવ્યું છે. આમ કરવાનું કારણ એ જ છે કે લોકો ખોટા રસ્તે ન જાય, ગેરમાર્ગે ન દોરવાય તથા અનિચ્છનીય પ્રવૃત્તિઓ ન કરે અને પ્રભુભક્તિમાં લીન રહે. આપણો ભારત દેશ જાતજાતના સંપ્રદાયો તથા અનેક ધર્મો સાથે સંકળાયેલો છે. ભારતની ભોળી જનતા એટલી બધી ભક્તિમય છે કે શું સાચું અને શું ખોટું એ વિચાર્યા વગર એકબીજાનું આંધળું અનુકરણ કરે છે. ઈશ્વર કે ભગવાનમાં દરેક વ્યક્તિએ આસ્થા અને શ્રદ્ધા રાખવી જોઈએ એની ના નથી, પરંતુ લોકો નરી ઘેલછા કરી તીર્થસ્થાનોમાં તથા યાત્રાધામોમાં બિનજરૂરી ભીડ કરે છે અને એથી પરિસ્થિતિ અત્યંત વિકટ બને છે.
હાલમાં કુંભ મેળામાં કરોડોની સંખ્યામાં લોકો કુંભસ્નાન કરવા એકઠાં થાય છે. આને કારણે બિનજરૂરી જમાવ અને નકામી દોડધામને કારણે સર્જાયેલી દુર્ઘટનામાં ચગદાઈ જવાથી ઘણાં યાત્રાળુઓ મોતને શરણ થયાં છે. ભૂતકાળમાં પણ ઘણાં યાત્રાધામોમાં બિનજરૂરી ભીડને કારણે ઘણાં લોકો મોતને ભેટયાં હતાં. આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યાઓ, ખાવાપીવાની તથા રહેવાની સમસ્યાઓ ઊભી થાય છે. ઘણી વખત તો દર્શને જતાં કે આવતાં દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓને અકસ્માત થવાના પણ પ્રસંગો બને છે ત્યારે દિલને લાગે છે કે લોકો નકામી ઘેલછા કરીને હાથે કરીને મોતને આમંત્રણ આપે છે. લોકોએ હવે કોચલામાંથી બહાર આવવાની જરૂર છે અને અંધશ્રદ્ધામાં રાચવાને બદલે ઘેર બેઠાં પ્રભુભક્તિમાં લીન રહેવું જોઈએ.
હાલોલ – યોગેશભાઈ આર. જોશી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
