એક દિવસ એક ઋષિ પોતાના થોડા શિષ્યો સાથે એક ગામથી બીજે ગામ જતાં હતાં. રસ્તામાં લીલાંછમ ખેતરો હતાં અને એક ખેડૂત નજીક વહેતી નહેરમાંથી પાણીનો એવો રસ્તો બનાવી રહ્યો હતો કે જેથી તે પાણી તેના ખેતર સુધી પહોંચી શકે. ઋષિ ત્યાં બે ક્ષણ ઊભા રહી ગયા. શિષ્યે પૂછ્યું, ‘ ગુરુજી, શું થયું?’ ઋષિવર બોલ્યા, ‘આ ખેડૂત જે કરી રહ્યો છે તેને ધ્યાનથી જુઓ.’એક શિષ્યે તરત કહ્યું, ‘ અરે ગુરુજી, એમાં શું જોવાનું, આ તો ખેડૂતનું રોજનું કામ છે. તે નહેરમાંથી રસ્તો બનાવીને પાણીને પોતાના ખેતર તરફ જવાની દિશા આપી રહ્યો છે. પાણી માટે તે રસ્તો બનાવી રહ્યો છે.’
બીજો શિષ્ય બોલ્યો, ‘ ગુરુજી, આ પાણી ખેડૂતના ખેતર છે ત્યાં સુધી જશે તો એનો પાક વધારે સારો થશે.’ ગુરુજી બોલ્યા, ‘અરે વાહ, સારી વાત છે. તમને તો ઘણી સમજ છે.આ દૃશ્ય તમે ધ્યાનથી જોઈ લીધું, સમજી લીધું.’ બધા શિષ્યોએ હા પાડી. ગુરુજીએ કહ્યું, ‘ચાલો, આ ખેતરના ઝાડ નીચે થોડો વિસામો કરી લઈએ.’ ગુરુજી બોલ્યા, ‘ ખેડૂતના કામ પરથી આજે તમને એક વાત સમજાવવા માગું છું કે જો આ નહેરમાં વહેતાં પાણીને એક સાચી દિશા મળી જાય તો પાણી ખેતર સુધી પહોંચી જાય અને પાક સારો થાય. તમે હમણાં જ કહ્યું અને જો પાણીને સાચી દિશા ન મળે તો તે નહેરમાં આગળ આગળ વહી જાય અને ખેતર પાણી વિનાનું રહી જાય અને પાકને નુકસાન થાય છે અને પાણી વ્યર્થ છે આગળ જતું રહે.
હવે મારી વાત જરાક સમજીને સાંભળજો. જેવી રીતે આ વહેતાં પાણીને સાચી દિશા આપવાની જરૂર છે, તેવી જ રીતે આપણા મનમાં ચાલતા વિચારોને પણ સાચી દિશા આપવી બહુ જરૂરી છે. પાણી જેમ ક્યાંય અટકતું નથી, કેવી રીતે આપણા મનના અને મગજના વિચારો પણ ક્યારેય રોકાતા નથી. તે નિરંતર ચાલતા જ રહે છે. આવતા જ રહે છે. આપણા વિચારોને સાચી દિશા આપવી આપણા પોતાના હાથમાં છે. તમે તમારા વિચારોને ભગવાન તરફ વાળો. ભક્તિમાં વાળો. આધ્યાત્મિક રાહ આપો. સેવાની રાહ આપો. ભોગની રાહ આપો. મોહમાયાની રાહ આપો. વિદ્યાની રાહ આપો.
આ મન અને મગજના વિચારોને કયો રાહ મળશે તેનો આધાર તમારા પર જ છે. તમારા મન અને મગજમાં વિચારોને કઈ દિશા તમારે આપવી છે તે તમારા હાથમાં છે અને જેના જેવા વિચાર હશે તે દિશામાં આગળ વધી શકશે. તમે જો તમારા વિચારોને સાચી દિશા આપી હશે તો જીવન સાચી દિશામાં આગળ વધશે અને કોઈ દિશા આપી નહીં હોય અથવા તો ખોટી દિશા આપી હશે તો જીવન ખોટી દિશામાં આગળ વધશે. ઋષિએ પોતાના શિષ્યોને એક નાનકડા દૃશ્ય પરથી જીવનની સુંદર સમજ આપી.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.