Charchapatra

પૂજાનાં ફૂલ

શહેરની સોસાયટીઓમાં, શહેરી રસ્તાઓના ડિવાઈડરો પાસે તથા નાના-મોટા બાગ-બગીચા પાસે સવારે 6.00 થી 7.00 વાગ્યા દરમિયાન એક દૃશ્ય વારંવાર જોવા મળે છે. કેટલાંક શ્રદ્ધાળુઓ હાથમાં પ્લાસ્ટિકની થેલી કે વાસણ લઇ જાહેર બાગ-બગીચાઓનાં ફૂલછોડ પરથી ફૂલ તોડતાં હોય છે. પોતાના ઘરે, મંદિરમાં કે અન્ય કોઇ ધાર્મિક સ્થળોએ દેવોના ચરણમાં ચડાવવા માટે ફૂલ આવાં સાર્વજનિક સ્થળો પાસેથી તોડવાં કેટલું યોગ્ય ગણાય? આપણા ઇષ્ટ દેવોને આ રીતે મેળવેલાં ફૂલ મંજૂર હશે ખરાં? કોઇ પણ સોસાયટી કે શહેરોમાં ઉછેરવામાં આવતાં ફૂલછોડ જે તે સ્થળનું પ્રાકૃતિક સૌંદર્ય વધારવા તથા પર્યાવરણની જાળવણી માટે હોય છે.

તેનો ઉપયોગ આપણી વ્યક્તિગત પૂજા માટે કેવી રીતે હોઈ શકે? આપણો દેશ મેળાઓ, તહેવારો અને શ્રદ્ધાળુઓનો દેશ છે. કદાચ વિશ્વમાં સૌથી વધુ શ્રદ્ધાળુ ધરાવતો દેશ એ આપણો ભારત દેશ છે. આ વિશાળ દેશમાં મનની શાંતિ તથા આત્મસંતોષ માટે શ્રદ્ધાપૂર્વક થતી પૂજા અર્ચનાનો વિરોધ કયારેય ન હોઈ શકે. પરંતુ દેશનાં અનેક શ્રદ્ધાળુઓ ધર્મના નામે કે ઉત્સવોની ઉજવણીના નામે જાહેર શિસ્તનો ભંગ કરી, સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડી કે અન્ય લોકો માટે અવરોધરૂપ બની ધર્મ અને શ્રદ્ધાના નામે પોરસાતાં રહે એ ખરેખર હાસ્યાસ્પદ બાબત છે. આપણી આવી પૂજા, ભક્તિ કે બંદગી ઇશ્વર અલ્લાહને મંજૂર હશે ખરી…?
સુરત     – પ્રફુલ્લ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top