ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રેલિયા(Australia)ના સૌથી મોટા શહેર સિડની(Sydney) અને તેની આસપાસના વિસ્તારોમાં પૂરથી સેંકડો ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને લગભગ 50,000 લોકો અસરગ્રસ્ત (Effected) થયા છે. ન્યૂ સાઉથ વેલ્સ ડિઝાસ્ટર સર્વિસીસ મેનેજર એશ્લે સુલિવને જણાવ્યું હતું કે સિડનીમાં ઘરો અથવા કારમાં પૂરના કારણે ફસાયેલા લોકોને બચાવવા માટે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમોએ રાતોરાત 100 થી વધુ બચાવ કામગીરી હાથ ધરી હતી. ડેમો (Dem) માં પાણી ખતરાના નિશાનથી ઉપર હતું અને થોડા દિવસોથી ચાલુ રહેલા મુશળધાર વરસાદને કારણે જળાશયોના પાળા તૂટી ગયા હતા.
દોઢ વર્ષમાં ચોથી વખત પુર
શહેરમાં છેલ્લા 16 મહિનામાં આ ચોથું પૂર છે. ન્યૂ સાઉથ વેલ્સની રાજ્ય સરકારે રાતોરાત સ્થાનિક સરકાર હેઠળના 23 વિસ્તારોમાં આપત્તિ જાહેર કરી અને પૂર પીડિતો માટે સંઘીય સરકારનું ભંડોળ પૂરું પાડ્યું હતું. ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ડોમિનિક પેરોટે કહ્યું કે લોકોને તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પૂરના કારણે 50,000 લોકો પ્રભાવિત થયા છે, જેમાંથી 32,000 લોકો સોમવારે ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ ગયા હતા. તેમણે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી હતી.
24 કલાકમાં 20 સેમી વરસાદ
દક્ષિણ સિડનીના ભાગોમાં 24 કલાકમાં 20 સેન્ટિમીટર (આશરે આઠ ઇંચ)થી વધુ વરસાદ પડ્યો, જે શહેરના વાર્ષિક સરેરાશ વરસાદના 17 ટકાથી વધુ છે, એમ બ્યુરો ઓફ મીટીરોલોજીના હવામાનશાસ્ત્રી જોનાથન હાઉએ જણાવ્યું હતું કે સિડની અને તેની આસપાસ રહેતા 30,000 થી વધુ લોકોને તેમના ઘર છોડવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. શુક્રવારથી અવિરત વરસાદને કારણે ડેમ ભરાઈ ગયા છે અને નદીઓના પાળા તૂટ્યા છે, જેના કારણે શહેરના 50 લાખ લોકો દોઢ વર્ષમાં ચોથી વખત પૂરની કટોકટીનો સામનો કરી રહ્યા છે.
18 મહિના પહેલા આવેલી પુર કરતા પણ સ્થિતિ ખરાબ
ઇમરજન્સી મેનેજમેન્ટ મિનિસ્ટર મુરેએ જણાવ્યું હતું કે, આ વખતે પૂરની સ્થિતિ 18 મહિના પહેલા આ વિસ્તારોમાં આવેલા પૂર કરતાં પણ વધુ ખરાબ હોવાની આશંકા છે. ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના વડા પ્રધાન ડોમિનિક પેરોટે જણાવ્યું હતું કે ખાલી કરાવવાના આદેશો અને ચેતવણીઓ જારી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તાજેતરના દિવસોમાં ઇમરજન્સી સેવાઓએ 116 પૂર બચાવ કામગીરી હાથ ધરી છે
ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયોની સ્થિતિ
ઓસ્ટ્રેલિયામાં રહેતા મૂળ ભારતીય હિમાંશુ જોશીએ જણાવ્યું હતું કે, સિડનીમાં છેલ્લા ૩ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. એક મહિનાનો વરસાદ જાણે 3 દિવસમાં પડી ગયો હોય તેવું સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદનાં પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ જતા જન જીવન અસ્ત – વ્યસ્ત થઇ ગયું છે. હિમાંશુ ભાઈ ઓસ્ટ્રેલિયાનાં સિડનીમાં રહે છે. આ એ જ શહેર છે કે જે પુરનાં કારણે સૌથી વધુ અસરગ્રસ્ત થયું છે.