વલસાડ : વલસાડ જિલ્લામાં ઓગષ્ટ માસની શરૂઆતથી શરૂ થયેલો ભારે વરસાદ રવિવારે પણ યથાવત રહ્યો હતો. શનિવારે વાપી બાદ કપરાડા, ધરમપુર અને વલસાડમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે ધરમપુર-કપરાડાની નદીઓ છલકાતા વલસાડની ઔરંગા નદી પણ છલકાઇ ગઈ હતી. આ સાથે જિલ્લાના 67 માર્ગ બંધ થઇ ગયા હતા.
વલસાડ જિલ્લામાં ઉપરવાસના કપરાડા વિસ્તારમાં રવિવારે સાંજે પુરા થતાં 24 કલાક દરમિયાન 6.6 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાય ધરમપુરમાં 5.7 ઇંચ, વલસાડમાં 5.7 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે આ ત્રણ તાલુકાની નદીઓ ગાંડીતૂર બની હતી. જેમાં જિલ્લાના 67 માર્ગ બંધ થઇ ગયા હતા. આ સિવાય પારડીમાં 2.2 ઇંચ અને ઉમરગામમાં 2.2 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે વાપીમાં વરસાદ ધીમો પડતાં 1.8 ઇંચ જ વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લામાં પડેલા વરસાદમાં ખાસ કરીને વલસાડ શહેરમાં રવિવારે સવારથી સતત અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઇ હતી. તેમજ મોડી સાંજે ઔરંગા નદીમાં પાણીની સપાટી વધતાં હનુમાન ભાગડા ગામને એલર્ટ કરાયું હતુ.
વલસાડનું પીચીંગ પણ બંધ કરાવાયું
વલસાડમાં ભારે વરસાદના કારણે કૈલાસ રોડનો સ્મશાન પાસેનો બ્રિજ બંધ કરાવ્યા બાદ બંદર રોડ પર પીચીંગ પરથી પણ પાણી ફરી વળતાં ત્યાંથી પણ વાહન વ્યવહાર તેમજ માણસોની અવર-જવર બંધ કરાવી દેવાઇ હતી. અહીં સતત પોલીસ બંદોબસ્ત મુકી દેવાયો હતો. તંત્ર દ્વારા ઔરંગાની સપાટી અંગે અપડેટ રાખી લોકોને સ્થળાંતર કરવાની તૈયારી ઓ હાથ ધરી દેવાઇ હતી.
વલસાડમાં પડેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
વલસાડ : વલસાડમાં રવિવારના રોજ પડેલા ભારે વરસાદના કારણે મોગરાવાડી ગરનાળું, છીપવાડ ગરનાળું, દાણા બજાર હનુમાન મંદિર, ભીડભંજન મંદિર પાસે રસ્તા ઉપર, એમજી રોડ વગેરે વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા હતા. કેટલાક લોકોની ગાડીઓ બંધ થઈ જતાં ધક્કો મારી બહાર કાઢવી પડી હતી. જ્યારે તિથલ રોડ પર કલેકટરના બંગલા પાસે ઝાડ તુટી પડ્યુ હતું. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડના અબ્રામા ખાતે આવેલો વોટરવોકસ ડેમ ઓવરફ્લો થતાં વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહેતી થઈ હતી.
અટલ પ્રાણીપ્રેમ, કપરાડામાં ધસમસતા પાણીમાં ડૂબી રહેલા પશુઓને બચાવવા માલિકે જાનની બાજી લગાવી દીધી
વલસાડ : છેલ્લા ત્રણ દિવસથી કપરાડા તાલુકામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેને લઇ નદી-નાળા-કોઝવે ડૂબી ગયા છે. ત્યારે તાલુકાના દહીખેડ નજીક વાંકી ખાડીના કોઝવે ઉપરથી વહી રહેલા પાણી વચ્ચે પણ પશુપાલકો પોતાના પાળેલા પશુઓ સાથે પસાર થતા દરમિયાન એક નાનું વાછરડું અને એક બકરી ધસમસતા પાણીમાં પડી તણાઈ રહી હતી. જોકે વાછરડાંએ પણ હિંમત ન હારતા અને સંપૂર્ણ વિશ્વાસ સાથે પોતાના માલિક બચાવી લે છે તે પ્રકારની કોશિશ કરી હતી, બીજી તરફ પશુપાલકે પણ પોતાના પ્રાણની પરવા કર્યા વિના ડૂબી રહેલા વાછરડાને સલામત બહાર કાઢી લીધો હતો. તો અન્ય એક બકરી તણાતા તેને પણ પશુપાલકે ખાડીના કિનારે દોડી બીજા પ્રયાસમાં બહાર સલામત કાઢી લીધી હતી. આમ અત્યારના યુગમાં મનુષ્ય એક બીજાની પ્રાણ લેવાનું પણ ચૂક્તો નથી, તો બીજી તરફ કપરાડાના પશુપાલકોએ પોતાના પશુઓની જિંદગી બચાવવા પોતાની જિંદગીને દાવ ઉપર લગાવી દીધી હતી.
ધરમપુરની નાની ઢોલડુંગરીને જોડતો પુલ પાણીમાં ગરક
ધરમપુર : ધરમપુરના ઉપરવાસમાં વધુ વરસાદને પગલે બામટી માન નદી વચ્ચે નાની બામટીને જોડતો પુલ પાણીમાં ગરકાવ થતાં પોલીસે દ્વારા વાહન વ્યવહાર બંધ કરાયો હતો. આ પુલ પરથી વરસાદી પાણી ફરી વળતા ધરમપુરના ઇન્ચાર્જ પીએસઆઇ પટેલ તથા પોલીસની ટીમે બામટી માન નદી ખાતે પહોંચી અવરજવર માટે વાહન વ્યવહાર સદંતર બંધ કરાવી દીધો હતો. આ પુલના ડુબાણને પગલે નાની બામટી, રાજપુરી તલાટ, વિરવલ, નાની ઢોલડુંગરી, મોટી ઢોલ ડુંગરી, ખટાણા સહિતના 10 જેટલા ગામ સંપર્ક વિહોણા બન્યા હતા.
પારડીના નાનાવાઘછીપા ગામમાં 100 વર્ષ જૂનું વડનું ઝાડ તૂટી પડ્યું, માર્ગ પર ટ્રાફિક જામ
પારડી : પારડી તાલુકાના નાનાવાછીપા ગામે ઐતિહાસિક 100 વર્ષ જૂનું વડનું ઝાડ શનિવારે રાત્રે તૂટી પડતાં રસ્તો બંધ થઇ જવા પામ્યો હતો. આ ઘટનાની જાણ ગામના સરપંચને થતાં તેઓએ પારડી ફોરેસ્ટ વિભાગ તેમજ પારડી પોલીસ વિભાગ જાણ કરતાં ઘટના સ્થળે આવી ગયાં હતા. આ માર્ગ નાશિક હાઇવેનો હોવાથી તે બંધ થતાં બન્ને તરફ 3 કિમી વાહનોની લાંબી લાઈન લાગી હતી. આ ઝાડ વિશાળ હોવાથી કાપવા માટે કટર મશીન અને ક્રેન વળે ઝાડ સાઇડ પર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે આજે વહેલી સવારથી હાઇવે જામ હોવાથી વાહન ચાલક અટવાયા હતા. રાત્રિના બનેલી ઘટના બાદ આજ રોજ સવારે પારડી પોલીસની ટીમ, વનવિભાગ, જીઈબીની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી ટ્રાફીક કંટ્રોલ કરવા કામગીરી હાથ ધરી હતી.
- વલસાડ જિલ્લાનો 24 કલાકનો વરસાદ
- કપરાડા 6.6 ઇંચ
- ધરમપુર 5.7 ઇંચ
- વલસાડ 5.7 ઇંચ
- પારડી 2.2 ઇંચ
- ઉમરગામ 2.2 ઇંચ