નવસારીઃ રાજ્યના આભમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાના લીધે છેલ્લાં પાંચેક દિવસથી રાજ્યના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ તાપી જિલ્લાના ડોલવણમાં 7 ઈંચ વરસાદ વરસ્યો છે.
બીજી તરફ ઉપરવાસમાં પડી રહેલાં ભારે વરસાદના પગલે નવસારી શહેરમાં પૂરની સ્થિતિ ઉદ્દભવી છે. નવસારી જિલ્લામાંથી પસાર થતી તમામ નદીઓ છલકાઈ છે. નદીના પાણી રહેણાંક વિસ્તારોમાં પ્રવેશ્યા છે, જેના પગલે મકાનોમાં અને બજારોમાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
સવારે 6 વાગ્યાની સ્થિતિએ વીતેલા 24 કલાકમાં નવસારી તાલુકામાં 6.30 ઈંચ, જલાલપોરમાં 5.12, ગણદેવીમાં 4.84 ઈંચ વરસાદ ખાબકતા નવસારીમાં પૂરની સ્થિતિ ઉદ્દભવી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નવસારીની તમામ નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના જળસ્તર વધ્યા છે. જેના લીધે અમલસાડ અને ધમડાછાને જોડતો લો લાઈન બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. દેવધા ડેમમાં પાણીની આવક થતા દેવધા ગામમાં પાણી ફરી વળ્યા છે. બિલીમોરાથી દેવધા ગામ સંપર્ક વિહોણું થયું છે.
નવસારીની પૂર્ણા નદીની સપાટી વધતા અહીં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેથી નવસારી શહેરના ભેંસદ ખાડા વિસ્તારમાં રહેતા 150 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 15000 હજારથી વધુ સ્થાનિકોની સોસાયટીમાં પાણી ભરાયા હતા. રિંગ રોડ થી પાણી અસરગ્રસ્ત સોસાયટી તરફ ભરાઈ જતાં હાલાકી પડી હતી.
તાપી જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા નદીઓ ઉભરાઈ છે. વ્યારા તાલુકાના છીંડીયા ગામે ઘરોમાં પાણી ભરાયા છે. ઝાંખરી નદીમાં પૂર આવતા સ્થાનિક રહીશોના ખૂબ નુકસાન થયું છે.
આજે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આજે પણ દક્ષિણ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અમદાવાદ, ખેડા આણંદ મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં યલો એલર્ટ છે.